શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. પર્યટન
  3. ગુજરાત દર્શન
Written By વેબ દુનિયા|
Last Updated : બુધવાર, 24 સપ્ટેમ્બર 2014 (12:17 IST)

ગુજરાતનું જાણીતું યાત્રાધામ - અંબાજી

P.R

ગુજરાતની ઉત્તર દિશામાં રાજસ્થાનની સરહદ પાસે અને અરવલ્લીના પહાડોની વચ્ચે આવેલું અંબાજી ખૂબ જ મશહૂર યાત્રાધામ ગણાય છે. પુરાણોમાં લખ્યું છે કે અહીં અંબિકાવન હતું. અંબાજી એ સમુદ્ર સપાટીથી ૧૫૮૦ ફીટની ઉંચાઇ ઉપર અરવલ્લીના પહાડોની વચ્ચે વસેલું છે. અંબાજી મંદિરમાં કોઇ દેવીની મૂર્તિની પૂજા થતી નથી. પરંતુ વીસાયંત્રની પૂજા કરાય છે. આ યંત્ર માન્યતા અનુસાર શ્રીયંત્ર છે જે ઉજ્જૈન, નેપાળના શક્તિપીઠોના મૂળ યંત્ર સાથે સંકળાયેલું હોવાનું અને યંત્રમાં એકાવન અક્ષર હોવાનું પ્રમાણ છે. આ યંત્રની દર મહિનાની આઠમે પૂજા થાય છે. આ તીર્થક્ષેત્રમાં બારે માસ યાત્રીઓ દર્શન માટે આવતાં હોય છે. દર માસની પુનમે બહુ મોટી સંખ્યામાં યાત્રિકો અહીં આવે છે અને મંદિરના શિખર ઉપર ધજા ચઢાવે છે. ધાર્મિક રીતે અંબાજી ભારતની શક્તિપીઠમાં મહત્વનું સ્થાન ધરાવે છે. આ વિસ્તાર સરસ્વતી નદીનું ઉદગમસ્થાન અને આદ્યશક્તિનું પુરાણપ્રસિધ્ધ સ્થાન છે, અંબાજીથી બે કિલોમીટર દૂર ગબ્બરના પહાડ આવેલી ગુફામાં અંબામાતાનું આદિસ્થાન મનાય છે. અંબાજીમાં નવરાત્રિનો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. દર ભાદરવી પુનમે અહીં મેળો ભરાય છે અને યાત્રિકો અંબાજી યાત્રાધામના દર્શને પગપાળા આવી પોતાને ધન્ય માને છે. મંદિરની નજીક આવેલ વિશાળ સ્થાપત્ય કલાનું બેનમૂન વર્ષો પુરાણું માન સરોવર આવેલું છે. જ્યાં કૃષ્ણ ભગવાનની ચૌલ ક્રિયા કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે.

 
P.R

દેવી ભગવતીની કથા અનુસાર મહિષાસુરે તપ કરી અગ્નિદેવને પ્રસન્ન કર્યા, એમણે વરદાન આપ્યું કે નરજાતિના નામવાળા શસ્ત્રોથી તેને મારી શકાશે નહી. આ વરદાનથી તેણે દેવોને હરાવી દીધા અને ઇન્દ્રાસન જીત્યું તથા ઋષિઓના આશ્રમોનો નાશ કર્યો. પછી વિષ્ણુલોક અને કૈલાસ જીતવાનું નક્કી કર્યું. આથી દેવોએ ભગવાન શિવની મદદ માંગી. ભગવાન શિવે મદદ માટે દેવી શક્તિની આરાધના કરવા દેવોને જણાવ્યું દેવોએ તેમ કરતાં આદ્યશક્તિ પ્રગટ થયા અને તેમણે મહિષાસુરનો નાશ કર્યો. તેથી દેવી મહિષાસુર-મર્દિની તરીકે ઓળખાયા.


બીજી એક કથા મુજબ સીતાજીની શોધ કરતાં રામ અને લક્ષ્મણ આબુ પર્વતના જંગલની દક્ષિણે આવેલા શ્રૃંગી ઋષિના આશ્રમે આવ્યા. ઋષિએ તેમને અંબાજીની આરાધના કરવા કહ્યું. રામ અને લક્ષ્મણે આરાધના કરી, દેવોએ પ્રસન્ન થઇ અજય નામનું એક બાણ આપ્યું જેનાથી રામે રાવણનો નાશ કર્યો.

દ્વાપરયુગમાં શ્રીકૃષ્ણની બાબરી ઉતારવાની વિધી માટે નંદ અને યશોદા ગબ્બર આવ્યા હોવાનું અને ત્રણ દિવસ રોકાઇને ભગવાન શિવ તથા અંબાજીની પૂજા-અર્ચના કરી હોવાનું એક કથામાં વર્ણન છે.

અંબાજીમાં નવરાત્રી 

અંબાજીમાં વર્ષે ચાર વખત નવરાત્રીનો ઉત્સવ મનાવવામાં આવે છે. જે પૈકી શરદ (આસો), વસંતિક (ચૈત્ર), મહા અને અષાઢમાં નવરાત્રી ઉજવાય છે, જેમાં શક્તિ સંપ્રદાયની રીત-રસમો અનુસાર યજ્ઞ સહિતની ધાર્મિક વિધિઓ યોજાય છે. શક્તિ સંપ્રદાય પ્રમાણે વસંતિક નવરાત્રીના તમામ આઠ દિન અને નવ રાત્રીનું વિશેષ મહત્વ છે, તેથી જ ચૈત્ર માસના પ્રથમ દિવસે ગર્ભ દીપના વાસણ ઉપર જ્વારા વાવીને ઉજવણીઓ શરૂ કરવામાં આવે છે. ચૈત્રી નવરાત્રીમાં શ્રધ્ધાળુઓ આ ગર્ભ દીપની ફરતે નૃત્ય કરે છે, તેમજ આરાસુરી અંબાજીના ગરબા ગાય છે. 
 
છેલ્લાં 60 વર્ષથી ચૈત્રી નવરાત્રીના નવ દિવસ દરમિયાન દિન-રાત જય અંબેમાં જય અંબેની અખંડ ધૂન ચાલે છે. દર વર્ષે ખાસ કરીને પૂનમના દિવસોએ અંબાજી માતાના મંદિરમાં ભાવિકભક્તોનો માનવ સાગર ઊમટી પડે છે. અંબાજી નગરમાં ગબ્બર પર્વતની ટોચે આવેલા અંબાજી માતાના મંદિરે નવા વિક્રમ સંવત વર્ષના પ્રારંભના પાંચ દિવસ (કારતક સુદ એકમથી પાંચમ) માતાજીને અન્નકૂટ ધરાવવામાં આવે છે. આ પાંચેય દિવસ મંદિરમાં માતાજીના આશીર્વાદ મેળવવા કુલ 10થી 15 લાખ દર્શનાર્થીઓ આવે છે. 
 
અંબાજીનો ઈતિહાસ 
 
મા અંબાના પ્રાગટયની ગાથા મુજબ પ્રજાપતિ દક્ષે બૃદસ્પતિ સક નામના મહાયજ્ઞનું આયોજન કર્યું હતું. દક્ષે બધા જ દેવોને નિમંત્રમ આપ્યું હતું. પરંતુ પોતાના જમાઈ ભગવાન શંકરને બોલાવ્યા ન હતા. પિતાના ત્યાં યજ્ઞ છે તેવા સમાચાર સાંભળીને ભગવાન શંકરનો વિરોધ હોવા છતા સતી દેવી પિતાના ત્યાં પહોંચી ગયા. પિતાના ત્યાં યોજાએલ મહાયજ્ઞમાં ભગવાન શિવને આમંત્રણ દેતા અને પિતાના મોઢે પતિની નીદા સાંભળતા તેમણે યજ્ઞકુંડમાં પડી પોતાના પ્રાણ ત્યજી દીધા. ભગવાન શિવે સતી દેવીના નિઃચેતન દેહ જોઈને તાંડવ આદર્યું. અને દેહને ખભે ઉપાડી ત્રણે લોકમા ઘુમવા માંડયા. ત્યારે આખીય સૃષ્ટિનો નાશ થઈ જશે તેવા ડરથી ભગવાન વિષ્ણુએ પોતાના ચક્રથી સતીના શરીરના ટુકડી કરી પૃથ્વી પર આતરે વેરાવી દીધા. સતી દેહના ભાગ તથા આભૂષણો બાવન સ્થળો પર પડયા. આ સ્થળે એક એક શક્તિ તથા એક ભૈરવ ટચુકડા સ્વરૂપો ધારણ કરી સ્થિર થયા.
 
તંત્ર ચુડામણીમા આ બાવન મહાપીઠોનો ઉલ્લેખ છે. આ પૈકી એક શક્તિપીઠ આરાસુર અંબાજીનું ગણાય છે. આરાસુરમાં માતાજીના હૃદયનો ભાગ પડયો હોવાની માન્યતા છે. ભાગવતમાં ઉલ્લેખ છે કે ભગવાન શ્રીકૃષ્ણ માથાના વાળ ઉતારવાની વિધિ આરાસુરમા મા અંબાના સ્થાને થઈ હતી.  એ પ્રસંગે નદ યશોદાએ માતાજીના સ્થાનકે જવારા વાવ્યા હતા અને સાત દિવસ સુધી અંબાજી રહ્યા હતા. આજે પણ એ સ્થળ ગબ્બર પર્વત ઉપર જોવા મળે છે. પાડવો વનવાસ દરમ્યાન આરાસુરમાં માતાજીનું તપ કરવા આરાસુરમાં રોકાયા હોવાનો ઉલ્લેખ શાસ્ત્રોમાં જોવા મળે છે. વનવાસ દરમ્યાન સીતાને શોધવા ભગવાન રામ અને લક્ષ્મણ પણ અર્બુદાના જંગલોમાં શૃગી ઋષિના આશ્રમમાં આવ્યા હતા. ઋષિએ તેઓને માતાજીના આશીર્વાદ મેળવા દર્શનાર્થે મોકલ્યા ત્યારે માતાજીએ પ્રસન્ન થઈ રાવણને મારવા ભગવાન રામને અજય બાણ આપ્યું હતુ. અને એ બાણથી રાવણનો નાશ થયાની માન્યતા છે. અને દંતકથાઓ અને લોકવાયકાઓ આ પૌરાણિક ધામનો પરિચય આપે છે. અંબાજીના વર્ણન સ્તુતિઓની પરંપરા છેક પુરાણોથી લઈને આદિ શંકરાચાર્ય તથા અર્વાચીન ઈતિહાસ અને પ્રવાસ વર્ણનોમાં જોવા મળે છે. મંદિર પ્રાગ ઐતિહાસિક કાળનું હોવાનું મનાય છે. પણ ઉપલબ્ધ પરિસ્થિતી જોતા અત્યારનું સ્થાનક બારસો વર્ષ પુરાણુ જણાય છે.