રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. પર્યટન
  3. ગુજરાત દર્શન
Written By
Last Modified: રવિવાર, 20 ફેબ્રુઆરી 2022 (10:45 IST)

મારા વઢવાણાને કાંઠે પંખીઓ આવે છે...દેશ દેશાવરના પંખી આવે છે......

રામસર સાઈટનો દરજ્જો મળવાથી જેનું નામ આંતરરાષ્ટ્રીય મહત્વના વેટલેન્ડ ( જળપ્લાવિત વિસ્તાર) અને પક્ષી તીર્થની યાદીમાં સામેલ થયું છે એવા વડોદરા જિલ્લાના ઐતિહાસિક ડભોઇ થી અંદાજે ૧૫ કિલોમીટર ના અંતરે આવેલા સયાજી સર્જિત વઢવાણા જળાશય ખાતે શિયાળા ના અંત સાથે અંદાજે ત્રણ મહિનાનો પક્ષીઓનો મહા કુંભ એટલે કે પંખી મેળો પુરો થવા આવ્યો છે અને સંત સ્વરૂપ પક્ષીઓ પોતાના વતનના માર્ગે વિદાય થઈ રહ્યાં છે.રાજ્યના વન વિભાગે આ સ્થળનો ઇકો ટુરિઝમ સેન્ટર તરીકે વિકાસ કર્યો છે.
   
  
મૂળ સિંચાઇ વિભાગ હસ્તકનું આ જળાશય વેટલેન્ડ તરીકે વન્ય જીવ વિભાગ,વડોદરાના પ્રબંધન હેઠળ છે.શિયાળામાં ઠંડા પ્રદેશોમાં થી હજારો પક્ષીઓ મહેમાન બનતાં હોવાથી તેમને જરૂરી વ્યવસ્થાઓ સાચવી શકાય અને તેમની જરૂરી કાળજી લઈ શકાય તે માટે વન્ય જીવ વર્તુળ, કેવડીયાના મુખ્ય વનસંરક્ષક ના દિશાનિર્દેશો હેઠળ વઢવાણાના કાંઠે પક્ષીઓની વસ્તી ગણતરી દર વર્ષે કરવામાં આવે છે. ભારતના ખૂબ જાણીતા પક્ષીશાસ્ત્રી મર્હુમ સલીમઅલી સાહેબ સ્થાપિત બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીના સહયોગ અને માર્ગદર્શન હેઠળ તેનું આયોજન કરવામાં આવે છે.
  
આ વર્ષે ત્રણ વાર કરવામાં આવી પંખી ગણના
વન્ય જીવ વિભાગ,વડોદરાના મદદનીશ વન સંરક્ષક એચ.ડી.રાઉલજી એ જણાવ્યું કે નાયબ વન સંરક્ષક એમ. એલ. મીનાની સૂચનાઓ અને ઉપરોક્ત સંસ્થાના ડો.ભાવિક પટેલ અને ડો. દિશાંત પારાશર્ય અને તેમની ટીમના સહયોગ અને નિરીક્ષણ હેઠળ વન્ય જીવ વિભાગની વિવિધ રેન્જના વન અધિકારીઓ અને વનકર્મીઓ તેમજ આ ક્ષેત્રમાં કાર્યરત સેવા સંસ્થાઓ અને કર્મશીલોના સહયોગથી પક્ષી ગણતરીની જહેમતભરી કવાયત કરવામાં આવી.વઢવાણા ના પરીક્ષેત્ર વન અધિકારી આર.એન. પુવારે પંખી ગણનાનું કુશળતા સાથે સંકલન કર્યું હતું.
 
વધુ સચોટ અને વિશ્વસનીય ડેટા કલેક્શન માટે મોસમની શરૂઆત એટલે કે શિયાળાના પ્રારંભે,મધ્ય અને અંત ભાગે,ડીસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ત્રણ વાર પંખાળા મહેમાનોને આખા જળાશય વિસ્તારને વિવિધ સેક્ટરમાં વહેંચીને ગણવામાં આવ્યા જેનાથી શક્ય તેટલો સચોટ પંખી સંખ્યાનો અંદાજ મેળવવામાં આવ્યો.
    
વર્તમાન મોસમમાં વઢવાણા ને કાંઠે અંદાજે ૯૫ હજાર થી વધુ પક્ષીઓની રહી અવર જવર
ગણતરીકારોની વિવિધ ટીમોએ નિરીક્ષણ ના જમા કરાવેલા પત્રકોની વિશદ છણાવટ સહિતની પ્રક્રિયાઓને અંતે આ વર્ષની પંખી ઋતુમાં વઢવાણા ના કાંઠે અંદાજે ૯૫ હજાર થી વધુ(૯૫૪૬૧) પક્ષીઓ અહીંનો હૂંફાળો શિયાળો માણવા આવ્યા હોવાનું તારણ નીકળ્યું છે.
 
અંદાજે ૧૬૩ જેટલી પ્રજાતિઓના પક્ષીઓ આવ્યા
ત્રણેય ગણતરીના આધારે એવું જણાયું છે કે અંદાજે ૧૬૩ જેટલી પ્રજાતિઓના પક્ષીઓ વર્તમાન શિયાળુ મોસમમાં અહીં આવ્યા હતા.દૂર દૂરના અને જ્યાં શિયાળો અતિશય ઠંડો અને આકરો હોય છે તેવા મધ્ય એશિયા તેમજ મોંગોલિયા, સાઇબેરીયા જેવા પ્રદેશોમાં થી હજારો કિલોમીટરની ઉડાન ભરીને પક્ષીઓ,તેમને માટે હૂંફાળો ગણાય તેવા આપણા શિયાળામાં અહીં આવે છે.
 
કયા કયા પક્ષીઓ આવ્યા
નિરીક્ષણ દરમિયાન ગણતરીકારો એ જે ૧૬૩ જેટલી પ્રજાતિઓના પક્ષીઓની હાજરી નોંધી છે તેમાં મુખ્ય પક્ષી કે વઢવાણા ના રાજદૂત ગણાતા ગાજહંસ ઉપરાંત રાજહંસ,ભગવી સુરખાબ,સિંગપર,નાની મૂર્ઘાબી,લાલ ચાંચ કારચિયા,રાખોડી કારચિયા,ધોળી આંખ કારચીયા, પિથાસણ,ચેતવા, ગયનો,લુહાર, કાબરી કારચિયા,નાનો હંજ,કાળી ચાંચ ઢોનક,મત્સ્યભોજ, પાન પટ્ટાઈ અને ભગતડું સહિતના પક્ષીઓનો સમાવેશ થાય છે.
 
ડો.ભાવિકે જણાવ્યું કે સિંન્ધ સ્પેરો એટલે કે સિંધની ચકલીની ઝલક જણાયા નું કેટલાક નિરીક્ષકો એ નોંધ્યું છે પરંતુ તેની છબી લઈ શકાય નથી એટલે સચોટ પણે એની હાજરીનો દાવો ન થઈ શકે.
 
વઢવાણા એ સદી કરતાં પણ વધુ જૂનું,સયાજીરાવ મહારાજે એમની રૈયત માટે પાણી અને સિંચાઇની વ્યવસ્થા કરવા,ચોમાસામાં નિરર્થક વહી જતાં ઓરસંગના પાણીને જોજવા પાસેના આડબંધ થી રોકીને નહેર દ્વારા વઢવાણામાં વાળવાના કરેલા આયોજન ના પરિણામે ઉદભવેલું જળ તીર્થ છે.હવે તેને નર્મદા જળ પણ સિંચાઇની જરૂર મુજબ મળે છે.
 
આ જળાશય દ્વારા અહીં જે વેટલેન્ડ બન્યો તેના લીધે આ જગ્યા આડકતરા આશીર્વાદની જેમ પંખી તીર્થ બની છે.આ કુદરતના આભૂષણ અને સયાજી મહારાજના આશીર્વાદ જેવા વેટલેન્ડ માટે ગુજરાત અને વડોદરા ગૌરવ લઈ શકે છે.મહીસાગર ના આરે ઢોલ ધબુકવાનો આનંદ એક લોકગીત જેવી રચનામાં વ્યક્ત થયો છે.તો વડોદરાનો જણ મારા વઢવાણા ને આરે પંખીઓ આવે છે... ભાત ભાત ના પંખીઓ આવે છે...દેશ દેશાવર ના પંખીઓ આવે છે એવો હરખ કરે તો કોઈ હરકત સરખું ના ગણાય.