શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. પર્યટન
  4. »
  5. ગુજરાત દર્શન
Written By કલ્યાણી દેશમુખ|

ડાકોર

ગુજરાતમાં સૌને વ્હાલા કોઈ ભગવાન હોય તો એ છે તેમનો કાનુડો. આ કાનુડાનું જ એક મંદિર છે ડાકોર. આ મંદિર ગુજરાતમાં વડોદરાથી 45 કિલોમીટર દૂર આવેલું છે. આ મંદિર પાછળ પણ એક વાર્તા છે. ડાકોર જે પહેલા ડંકપુરના નામે ઓળખાતું હતું, ત્યાં એક કૃષ્ણ ભક્ત ભોળાનાથ રહેતો હતો જે દર પુનમે ડાકોરથી દ્વારકા રસ્તેથી ચાલીને ભગવાનના દર્શનાર્થે જતો હતો. પોતાના ભક્તની આ તકલીફ કૃષ્ણ ભગવાનથી જોઈ ના ગઈ. આથી તેમણે ભક્તને સપનામાં આવીને કહ્યું કે હું દ્વારકાથી ડાકોર આવીશ. ભોળાનાથે બધાને વાત કરી. દ્વારકાના પૂજારીઓને આ એકદમ આવનારા પરિવર્તનથી ખૂબ તકલીફ થઈ. તેમણે એક યુક્તિ આજમાવી કે જો ડાકોરમાં મૂર્તિ લઈ જવી હોય તો, મૂર્તિના વજન જેટલું સોનું મૂકવું. તેઓ જાણતાં હતાં કે ભોળાનાથ ખૂબ ગરીબ માણસ છે, એટલે સોનું આપી નહી શકે અને કૃષ્ણ ભગવાનની મૂર્તિ દ્વારકામાં જ રહેશે.

ભોળાનાથ પાસે સોનાના નામે તેની પત્નીએ પહેરેલી ફક્ત નાકની વાળી હતી. જ્યારે મૂર્તિની સામે ત્રાજવામાં તેને મકવામાં આવી ત્યારે તેનું અને મૂર્તિનુ વજન બરાબર થયું. આવી રીતે કૃષ્ણ ભગવાનનું સ્થળાંતર દ્વારકાથી ડાકોરમા થયું આજે ડાકોરમાં તે જ અસલ મૂર્તિ છે જે પહેલા દ્વારકામાં હતી.

મોટાંભાગે કૃષ્ણના નામે ઓળખાંતા ઈશ્વર, દ્વ્રારકા અને ડાકોરમાં રણછોડરાયનાં નામે ઓળખાય છે. તેમને મળેલ નામ પાછળ પણ એક કથા છે. જરાસંધના મિત્ર કાલયવે જ્યારે કૃષ્ણ ભગવાન પર આક્રમણ કર્યુ ત્યારે તેઓ રણ છોડીને ભાગી ગયા. આથી જ તેમને દ્વારકા અને ડાકોરમાં રણછોડરાયના નામે ઓળખવામાં આવે છે.

આ પ્રસિધ્ધ મંદિર ડાકોરમાં દર પુનમે મેળો ભરાય છે. ધણાં લોકો આ દિવસે આવીને શ્રધ્ધાથી ઈશ્વરની પૂજા કરે છે. કેટલાંક લોકો તો ખુશીથી અથવા તો પોતાની માનતા પૂરી કરવા રસ્તે ચાલીને દૂર દૂરથી આવે છે, અને ઈશ્વરના દર્શન કરે છે.

અહીંના મંદિરમાં લોકો પ્રસાદના રુપે ભગવાનને માખણ, મિશરી, મગજ(બેસનની મીઠાઈ) ચઢાવે છે. કૃષ્ણ ભગવાનને ગાયો ખૂબ વહાલી હતી એટલે અહીં લોકો ગાયને પણ ચારો ખવડાવી પુણ્ય કમાવે છે.

અહીં નાસ્તામાં ડાકોરના ગોટાં ખૂબ પ્રસિધ્ધ છે. અહીં આવનાર દરેક યાત્રી ડાકોરના પ્રસિધ્ધ ગોટાનો ટેસ્ટ જરુર કરે છે. અહીં આવેલ ધર્મશાળામાં માત્ર પાંચ રુપિયામાં ભરપેટ ભોજન મળી જાય છે.

હવે તો ડાકોરમાં લોકોને આકર્ષિત કરવા માટે અન્ય નાના-મોટા મંદિર પણ બનાવવામાં આવ્યાં છે.