શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. ગુજરાત વિધાનસભા ચૂંટણી - 2007
Written By ભાષા|

ભાજપના અસંતુષ્ટો પર વિજળી પડી

વલ્લભ કથીરિયા, સોમાભાઇ પટેલને પક્ષમાંથી સસ્પેંડ કર્યા

NDN.D

નવી દિલ્હી (ભાષા) ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે મતદાન સમાપ્ત થયું છે અને હવે આ રવિવારે મતગણત્રી થતાં જ સ્થિતિ સ્પષ્ટ થશે. જો કે તેના પહેલાં જ બળવાખોરો સામે વધુ આકરી કાર્યવાહી કરતાં ભાજપે આજે કેશુભાઈ પટેલ અને કાશીરામ રાણાને કારણ દર્શક નોટિસ ફટકારી હતી.

કાશીરામ અને કેશુભાઈ સીવાય ભાજપના સાંસદો વલ્લભભાઈ કથીરીયા અને સોમાભાઈ પટેલને પક્ષ વિરોધી ગતિવિધિ બદલ પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં. આ પહેલાં એવા અહેવાલો હતાં કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ એવો આગ્રહ રાખ્યો હતો કે શપથવિધિ પહેલાં કેશુભાઈ અને કાશીરામ રાણા સામે પક્ષ વિરોધી ગતિવિધિ બદલ કાર્યવાહી કરવામાં આવે.

કેશુભાઈએ જાહેરમાં કહ્યું હતું કે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને હરાવવા જોઈએ. પક્ષ હાઈકમાન્ડ પણ તેના કારણે કેશુભાઈથી સખત નારાજ હતો પરંતુ ચૂંટણીના કારણે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આ બાજુ કેશુભાઈ અને કાશીરામ બન્નેએ બળવાખોર ધારાસભ્યોને ટેકો આપ્યો હતો અને કોંગ્રેસને મત આપવાની જનતાને વિનંતી પણ કરી હતી.

ભાજપને આ વખતે એક સમયના પોતાના જ સાથીઓ સામે લડવું પડ્યું છે. પક્ષે આ પહેલાં સાત ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા હતાં, કે જેમાંના કેટલાંક ધારાસભ્યો અપક્ષ ઉમેદવાર તરકીકે અન્ય રાજકીય પક્ષોના ઉમેદવાર તરીકે ઉભા રહ્યાં હતાં.
NDN.D

ભાજપના ટોચના નેતાએ જણાવ્યું હતું કે, છેલ્લા છ માસથી અસંતુષ્ટોએ પક્ષને નુકસાન થાય એમાં કોઈ કસર રાખી નથી. કોંગ્રેસ સાથે મળી પક્ષના જ ઉમેદવારોને હરાવવાના ભરપુર પ્રયાસો થયા છે. આ ઉપરાંત પક્ષના ટોચના નેતા વિરુદ્ધ જાહેરમાં બળાપો કાઢયો છે.

કેશુભાઇ પટેલ, કાશીરામ રાણા સહિત તમામ અસંતુષ્ટોને પક્ષમાંથી હાંકી કાઢવા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. અસંતુષ્ટો સામે ચૂંટણીમાં પગલાં ભરવાથી પાર્ટીને વધુ નુકસાન થઈ શકે તેમ હોવાથી ભાજપ મોવડીમંડળે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ચૂંટણી પછી આ મુદ્દો ઉકેલાઇ જશે તેવી ખાતરી આપી હતી અને આ ખાતરીના ભાગરૂપે અસંતુષ્ટોને હાંકી કાઢવાનો તખ્તો ગોઠવાયો છે.

આ અંગે એક નેતાએ જણાવ્યું કે, ભાજપને સંપૂર્ણ બહુમતી મળે તેના બીજા દિવસે અથવા શપથવિધિ સમારોહના દિવસે કેન્દ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક અમદાવાદ કે ગાંધીનગર ખાતે બોલાવી તમામને પક્ષમાંથી દૂર કરવાનો નિણર્ય કરાય તેવી શકયતા છે અને આ અંગે રાજયનાં તમામ જિલ્લા એકમોમાંથી અસંતુષ્ટોને હાંકી કાઢવા માટે પ્રદેશપ્રમુખને માંગ કરતાં આવેદનપત્રો મોકલાય તેવું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. ભાજપ મોવડીમંડળ આ અંગે શું નિણર્ય કરે છે તે મતગણતરીમાં આવેલા પરિણામ બાદ જાણી શકાશે.