શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. ગુજરાત વિધાનસભા ચૂંટણી - 2007
Written By વેબ દુનિયા|

રાજ્યમાં સંપ્રદાયિકતાનો જંગ ખતરનાક

ખેડૂતોની હાલત દયનીય છે તેવું ગાંધીધામ ખાતે કહેતા સોનિયાજી

PTIPTI

અમદાવાદ (વેબદુનિયા) ગુજરાતમાં સાબરકાઠાના ઈડર અને કચ્છના ગાંધીધામ ખાતે કોંગ્રેસની પરિવર્તન રેલીમાં જંગી જાહેરસભાને સંબોધતાં શ્રીમતી સોનિયા ગાંધીએ મોદી સરકારની ઝાટકણી કાઢતાં કહ્યું કે, વિચાર, વિકાસ, કર્મ, ત્યાગ અને આદર્શની મહાન પરંપાર ધરાવતા ગુજરાત સામે અત્યારે વર્તમાન ભાજપ સરકારના શાસનમાંથી મુક્તિ મેળવવાનો પડકાર ઊભો થયો છે. વિકાસ માત્ર એકતા, સદ્ભાવ અને શાંતિના માહોલમાં જ શક્ય છે. સંપ્રદાયિકતાનો જંગ ખતરનાક છે. કોંગ્રેસના વચનો પોકળ અને જુઠ્ઠા નથી. અમારો ચહેરો અસલી છે. ગુજરાતની પ્રજા ખમીરવંતી છે અને દરેક પડકારોનો મક્કમતાથી સામનો કરીને ઉપર આવી છે. આ માટે તેમણે વર્તમાન સરકારને ધોખાબાજ ગણાવી તેને બદલવાની હાંકલ કરી હતી.

ભાજપ સરકાર એવો દાવો કરે છે કે રાજ્યમાં વિકાસ થયો છે. ખેડૂતોને વીજળી, પાણી મળ્યા છે. જ્યારે વાસ્તવિક પરિસ્થિતિ જુદી છે આજે પણ ખેડૂતો વીજળી માટે અને ગામડાંના લોકો પીવાના પાણી, સિંચાઈના પાણી માટે વલખાં મારી રહ્યાં છે. ભાજપ સરકાર નર્મદાના નીર ગામે-ગામ પહોંચાડવાની વાતો કરે છે. પણ વાસ્તવમાં પાણી ખેતર-ગામડાઓ સુધી પહોંચાડવા માટે સબ કેનાલો જ બનાવવામાં આવી નથી. કોંગ્રેસની સરકારો દ્વારા અમલમાં મુકાયેલી હોર્સ પાવર દીઠ વીજ-બિલિગની પ્રથા પણ તેમણે રદ કરી નાંખી છે. ખેડૂતોના બોર તૈયાર હોય છે પણ વીજળી અપાતી નથી. ઉલટાનું ખેડૂતોને હાથકડી પહેરાવવામાં આવે છે.

સુજલામ્-સુફલામ્ યોજનામાં પણ કૌભાંડ થયાં છે. રાજ્યમાં મહિલા અને બાળકો સુરક્ષિત હોવાનો ભાજપ સરકારનો દાવા છતાં તેમની સ્થિતિ કફોડી બની છે. અત્યાચારોથી વ્યથિત મહિલાઓ આત્મહત્યા કરી રહી છે.
PIBPIB

વિકાસની ગુલબાંગો પોકારતા રાજયના મુખ્યપ્રધાનને આડે હાથે લેતા સોનિયા ગાંધીએ કહ્યું કે, મોદી સરકાર માટે વિકાસ એ લોકોનો નહિ પરંતુ પોતાનો અને પોતાના માનીતા પાંચ કરોડપતિઓનો છે. સાંપ્રદાયિક આતંકવાદ સમાજ માટે ખતરનાક છે. કોંગ્રેસે કયારેય આતંકવાદ સામે ઘૂંટણિયા ટેકવ્યા નથી અને ટેકવશે નહિ તેવો નિર્ધાર વ્યકત કરતા તેમણે કહ્યું કે, અમારા વચનો સાચા છે, ખોખલા નથી અને અમારો ચહેરો પણ અસલી છે.

કોંગ્રેસે લોકો અને સમાજ માટે આપેલી લડત ચાલુ છે, ચાલી રહી છે અને ચાલુ રહેશે તેમ જણાવી સોનિયાએ કહ્યું કે એકતા અને સંપ્રદાય સિક્કાની બે બાજુ છે. કોંગ્રેસ પક્ષના મહાત્મા ગાંધી, સરદાર પટેલ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધીએ આતંકવાદની લડતમાં કુરબાની આપી છે.

કેન્દ્ર સરકારે લાગુ કરેલી ખેડૂતો, શ્રમિકો, પછાતો માટેની કલ્યાણકારી યોજનાઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, કેન્દ્ર સરકારે આદીવાસીઓને જમીન આપવા માટે 40 હજાર હેકટર જમીનના પટ્ટા આપ્યા છે પરંતુ મોદી સરકારે માત્ર 19 હજાર હેકટર જમીનના પટ્ટા આપ્યા છે.

તેમણે છેલ્લે કહ્યું હતું કે ગુજરાતના સરહદી વિસ્તાર માટે પણ કેન્દ્ર સરકારે 1 હજાર કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. અસંગિઠત ક્ષેત્રના કામદારોને હક, સામાજિક સુરક્ષા અને આરોગ્ય અને પેન્શન આપવામાં આવશે. જવાહરલાલ નહેરુ અર્બન રિન્યુઅલ મીશન હેઠળ શહેરોના વિકાસ માટે 6 હજાર કરોડ રૂપિયા છૂટા કર્યા છે. કેન્દ્ર સરકારે ક્યારેય ગુજરાત સાથે ભેદભાવ કર્યો નથી અને કરશે પણ નહીં.