ગુજરાતમાં દહેશતનું વાતાવરણ - મનમોહન
અમે ગુજરાતને દેશનું નંબરવન રાજ્ય બનાવીશું - વડાપ્રધાન
અમદાવાદ(વેબદુનિયા) આગામી મંગળવારે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા તેમની પ્રથમ રેલીને સંબોધતા વડાપ્રધાન મનમોહનસિંહે શ્રેણીબદ્ધ મુદ્દાઓ ઉઠાવ્યા હતા. ગુજરાત સાથે પક્ષપાત કરવામાં આવે છે તેવા ભાજપના આક્ષેપને ફગાવતા તેમણે કહ્યું હતું કે, ગુજરાતને અન્ય રાજ્યોની જેમ જ પુરતી મદદ કરવામાં આવી છે. લોકોમાં વિભાજન રાજ્યના વિકાસ આડે અડચનરૂપ છે તેમ જણાવી સિંહે કહ્યું હતું કે, ગુજરાતમાં કાયદો તમામ માટે એક સમાન છે તેમ કોઇ કહી શકે નહી. વડાપ્રધાને ગઇકાલે રાજકોટ અને સુરત ખાતે ગુજરાતની ભાજપ સરકાર પર તેજાબી પ્રહારો કર્યા હતા. સિંહે દાવો કર્યો હતો કે, ગુજરાતમાં દહેશતનું વાતાવરણ છે. લોકોને કોમવાદના આધારે વિભાજિત કરવામાં આવી રહ્યા છે. સુરત ખાતે શુક્રવારે ચૂંટણી સભાને સંબોધતા વડાપ્રધાને જણાવ્યું કે કોઈ પણ પક્ષ માટે દેશને કોમવાદના આધારે બે ભાગમાં વહેંચવો એ સારી નિશાની નથી. કોંગ્રેસના ૧૨૦ વર્ષના ઇતિહાસમાં પક્ષે મહાત્મા ગાંધી અને વલ્લભભાઈ પટેલ જેવા નેતાઓ રાષ્ટ્રના ચરણે ધર્યા છે. કોંગ્રેસને કોમવાદી કહેવું એ આઝાદીની લડતનું અપમાન છે. ગુજરાતીઓ તેમની મહેનતને માટે આખા વિશ્વમાં જાણીતા છે. ગુજરાતના વિકાસ માટે અહીંની સરકાર નહીં બલકે ગુજરાતીઓની મહેનત જવાબદાર છે.વડાપ્રધાન બન્યા બાદ સૌપ્રથમવાર રાજકોટ આવેલા મનમોહનસિંહ સાથે વિરાણી શાળાના મેદાનમાં નાગરિક મિલન યોજાયું હતું. તેમાં વડાપ્રધાન મનમોહનસિંહે જણાવ્યું હતું કે, ગુજરાતની સ્થિતિ એટલી સારી નથી જેટલી મોદી સરકાર દેખાડી રહી છે. આ સરકાર મોટા મોટા દાવા કરવામાં માહિર છે, મોટી મોટી જાહેરખબરો કાઢે છે, ટીવી અને રેડિયો પર દીવા સ્વપ્ન દેખાડે છે, પરંતુ વિકાસ મોટા દાવા કરવાથી નથી થતો, અખબારોમાં મોટી જાહેરખબરો આપવાથી નથી થતો, વિકાસ તો આંખોની સામે દેખાય છે.રાજ્ય સરકાર પર શાબ્દિક પ્રહાર કરતા સિંહે કહ્યું ‘તમારી સરકાર મોટા દાવા કરવામાં માહિર છે. મોટી મોટી જાહેરાતો આપે છે. ટી.વી., રેડિયો પર તમને સોનેરી સપનાં બતાવવામાં આવે છે. અખબારોમાં જાહેરાતો આપવાથી કે દાવાઓ કરવાથી નથી થતો. વિકાસ આંખો સામે દેખાવો જોઈએ. ગુજરાત સરકારના દાવાઓ ખોટા છે. મોટી મોટી યોજનાઓ જાહેર કરાઈ રહી છે પરંતુ તે યોજનાઓ માટે ન તો ધન છે ન તો ઈચ્છા. સિંહે ટકોર કરતા જણાવ્યું હતું કે, જે લોકો સરકારની સાથે છે તે બિલકુલ સુરક્ષિત છે. પરંતુ જે લોકો નરેન્દ્ર મોદીની સાથે નથી તેમને ભગવાન બચાવે. ગુજરાતની આર્થિક હાલત પર વક્તવ્ય આપતા તેઓએ કહ્યું કે, ગુજરાત ભારતનું સૌથી સર્વશ્રેષ્ઠ રાજ્ય બની શકે છે પરંતુ પાછલા નવ વર્ષમાં ગુજરાતની સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. કેન્દ્ર સરકારની યોજનાઓને કારણે હાલ નવ ટકા જેટલો વિકાસ દર ચાલી રહ્યો છે. સ્પેશ્યલ ઈકોનોમિક ઝોનનો ઐતિહાસિક કાયદો બનાવાયો. જેના કારણે ઉદ્યોગોને ફાયદો થયો છે. આમાં રાજ્ય સરકારનો કોઈ કરિશ્મા નથી. વડા પ્રધાને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને નિશાન બનાવીને કહ્યું, ‘તમને બતાવવામાં આવે છે કે, ગુજરાતમાં લાખો કરોડો રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. તમારા મુખ્યમંત્રી મૂડીરોકાણ માટે આખી દુનિયામાં ચક્કર મારે છે પરંતુ હકીકત એ છે કે, માત્ર ગુજરાતમાં જ રોકાણ નથી થઈ રહ્યું આખા દેશમાં થઈ રહ્યું છે.કેન્દ્રની સરકારે મુંદ્રામાં 4000 મેગાવોટનો વીજપ્લાન્ટ બનાવવાનું શરૂ કર્યુ છે. સિંહે વચન આપ્યું હતું કે જો ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનશે તો વીજળીની કમી ત્રણ વર્ષમાં પૂરી કરી દેવાશે.સિંહે જણાવ્યું હતું કે, 300થી વધુ ખેડૂતોએ ગુજરાતમાં આત્મહત્યા કરી છે. કેન્દ્રએ તો ખેતી માટે ઘણી રકમ આપી છે. 35 હજાર કરોડ રૂપિયાની યોજના શરૂ કરી છે. વ્યાજદર ઘટાડીને માત્ર સાત ટકા કરી દેવાયા છે. રાજીવગાંધી વિદ્યુતીકરણ યોજના અંતર્ગત દરેક ગામડામાં વીજળી પહોંચાડવા માટે પૈસા આપવામાં આવ્યા છે. ખેડૂતોની આવક વધારવા માટે ઘઉં અને ચોખાના ભાવ વધારવામાં આવ્યા છે. આ વખતે ઘઉંના ભાવ ક્વિન્ટલના રૂ. એક હજાર મૂકવામાં આવ્યા છે. આટલી મદદ પછી પણ કેમ ગુજરાતના ખેડૂતોની હાલત ખરાબ છે. કારણકે રાજ્ય સરકારને ગરીબ ખેડૂતો માટે કોઈ જ હમદર્દી નથી. ગ્રામીણ વિકાસના મુદ્દે પણ પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ઐતિહાસિક રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના અંતર્ગત ગુજરાતના નવ જિલ્લાના ગરીબોને લાભ મળી રહ્યો છે અને તા.1 એપ્રિલથી આખા રાજ્યના ગરીબો તેનો લાભ મેળવી શકશે. ગામડાંઓને રસ્તા, વીજળી અને ટેલિફોનથી જોડી રહ્યા છીએ. તેઓએ જણાવ્યું કે, શિક્ષણમાં ગુજરાત દસમાં નંબરે પહોંચી ગયું છે. શિશુ મૃત્યુદર પણ કંઈ સંતોષજનક નથી. હજી પણ ગુજરાતમાં એક તૃતીયાંશ લોકો અભણ છે.શહેરી વિકાસના મુદ્દે જણાવ્યું હતું કે ‘ગુજરાતના સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા આ ચાર શહેરોને જવાહરલાલ નહેરુ અર્બન રિન્યુઅલ મિશનમાં સામેલ કરીને રૂ. 2500 કરોડની યોજનાઓ શરૂ કરાઈ છે. ચારેય શહેરોમાં પાણીની સુવિધા વધુ બેહતર બનાવવામાં આવી રહી છે. મારી કલ્પના છે કે, આ ચારેય શહેર દુનિયાના સૌથી સુંદર શહેરોની ટક્કરના શહેર બની શકે છે.’ તેમણે ગુજરાતમાં છ લેનના હાઈવેના કામ અને એરપોર્ટના કામો જોરમાં ચાલી રહ્યાની વાત કરી હતી. અહીં તો આતંકવાદ સામેની લડાઇની ખોટી વાતો કરી તમને લોકોને ગુંચવવામાં આવે છે. લોકોને અહિંયા કારણ વગર મારી નાખવામાં આવે છે, શું કાનૂનનો આજ રસ્તો છે ? અરે ! જમ્મુમાં રઘુનાથ મંદિરની ઘટના, અક્ષરધામની ઘટના અથવા કારગીલમાં થયેલો હુમલો ભાજપ સરકારમાં થયો છે, શું તેમને રોકી શકાયો છે ? અત્યારે માત્ર ભયનો માહોલ ફેલાવાઇ રહ્યો છે.અંતે તેઓએ જણાવ્યું કે, ‘મને પરિવર્તનની કિરણો નજર આવી રહી છે. હું તમને વિશ્વાસ અપાઉં છું કે, અમે ગુજરાતને દેશનું નંબરવન રાજ્ય બનાવીશું. ગુજરાતમાં ગરીબી મિટાવીશું, બેરોજગારને રોજગાર આપીશું, અને બધા માટે સુરક્ષાનો માહોલ બનશે.’ આટલું કહીને વડા પ્રધાને પોતાના પક્ષ કોંગ્રેસને મત આપવા માટે હાજર જનમેદની સમક્ષ અપીલ કરી હતી.આ પ્રસંગે કૃપાશંકર, બી.કે.હરિપ્રસાદ, માણેકરાવ ગાંવિત, માણેકરાવ ઠાકરે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રમુખ ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા, શહેર કોંગ્રેસ પ્રમુખ સુનિલ ભુખણવાલા સહિતના કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.