પ્રથમ તબક્કામાં સરેરાશ 60% મતદાન

સૌથી વધુ મતદાન સુરેન્દ્રનગર અને જુનાગઢ જિલ્લામાં થયું

W.DW.D

અમદાવાદ(વેબદુનિયા) ગુજરાત વિધાનસભાની કુલ 182 બેઠકો પૈકી 87 બેઠકો માટે ગઇકાલે મંગળવારે પ્રથમ તબક્કામાં છૂટાછવાયા બનાવોને બાદ કરતાં શાંતિપૂર્ણ વાતાવરણમાં આશરે 60 ટકા જેટલું સરેરાશ મતદાન થયું હતું. તેની સાથે જ વિપક્ષના નેતા અર્જુન મોઢવાડિયા, 10 જેટલા મંત્રીઓ, 6 જેટલા ભાજપના નારાજો, 54 મહિલા ઉમેદવારો અને ભાજપના 2 બળવાખોરો સહિત 669 ઉમેદવારોનું રાજકીય ભાવી ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં સીલ થઈ ગયું છે.

સવારના 8.00વાગ્યે મતદાનની શરૂઆત ખૂબ ધીમી રહી હતી. પ્રથમ બે કલાક દરમ્યાન તો મોટા ભાગના મતક્ષેત્રોના મતદાનમથકો પર માંડ બે ટકા જેટલું મતદાન પણ નોંધાયું ન હતું એ પછી મતદાનની ટકાવારી ધીમે ધીમે વધી હતી. બપોર પછી તો સરેરાશ મતદાન માંડ 45 થી 50% જેટલું થશે એમ મનાતું હતું, પરંતુ એ પછી છેલ્લા બે-ત્રણ કલાક દરમ્યાન મતદારોની લાઈનો દેખાઈ હતી અને એમાં મતદાનની ટકાવારી વધી ગઈ હતી.

ચૂંટણીપંચના પ્રાથમિક અહેવાલ મુજબ નવસારીમાં સૌથી વધુ 64 થી 66 %, સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં 62થી 64%, ભરુચ અને નર્મદા જિલ્લામાં 58 થી 60, કચ્છમાં 56 થી 58, રાજકોટમાં 57 થી 60, પોરબંદરમાં 55 થી 57, અમરેલીમાં 57 થી 59, સુરતમાં 54 થી 56, ડાંગમાં 56 થી 58 %. જ્યારે વલસાડ અને ભાવનગરમાં સૌથી ઓછું 52થી 54% મતદાન થયું હતું. રાજ્યના 14 જિલ્લાની 87 બેઠકો માટે 669 જેટલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા, જેમાં 54 મહિલાઓનો સમાવેશ છે. ભાજપના 87, કોંગ્રેસના 82, એનસીપીના 4, સીપીઆઇના 01 ઉમેદવાર ઉપરાંત અન્ય પક્ષો અને અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થાય છે. કડક પોલીસ બંદોબસ્ત, મતદાનમથકો પર પેરામિલિટરી ફોર્સના જવાનોની તૈનાતી, મતદાનમથક દીઠ કેન્દ્રીય ચૂંટણી નિરીક્ષકો અને સંવેદનશીલ મતદાનમથકો પર માઇક્રો-ઓબ્ઝર્વર્સની ઉપસ્થિતિમાં કુલ 19924 મતદાનમથકો પર ગઇકાલે મતદાનની શરૂઆત થઈ હતી.

મુખ્ય નિર્વાચન અધિકારીએ કહ્યું કે, કેટલાક છુટાછવાયા બનાવોને બાદ કરતાં ગઇકાલની પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા શાંતિપૂર્વક પરિપૂર્ણ થઈ હતી. સુરત જિલ્લાના ચોર્યાસી વિધાનસભા મતદાર વિભાગના એક મતદાનમથકમાં એક ઉમેદવારના બે પોલીંગ એજન્ટને બેસવાની અનુમતિ આપવાની થયેલી ફરિયાદ સામે જિલ્લા ચૂંટણી અધિકારીએ ત્વરિત પગલાં લઈ સંબંધિત મતદાનમથકના પ્રિસાઇડિંગ ઓફિસરને તાત્કાલિક અસરથી બદલીને નવા પ્રિસાઇડિંગ ઓફિસરને ત્યાં નિયુક્ત કર્યા હતા. આ ઉપરાંત ચોર્યાસી અને કામરેજ મતદાર વિભાગોના એક-એક મતદાનમથકમાં ઉમેદવારનું નામ અને ચૂંટણી પ્રતિકવાળી વોટર સ્લીપ સાથે મતદાનની બાબત ધ્યાન પર આવતાં જિલ્લા ચૂંટણી અધિકારીએ ત્વરિત કાર્યવાહી કરી પોલીસ ફરિયાદ કરી છે, એમ તેમણે ઉમેર્યું હતું.

જામનગર જિલ્લાના ખંભાળિયા મતદાર વિભાગમાંથી એક વ્યક્તિ પાસેથી 16 ફોટો ઓળખકાર્ડ મળી આવતાં તેની સામે પોલીસ ફરિયાદ કરી તેની અટકાયત કરવામાં આવી છે. રાજકોટના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક રાજકીય પક્ષના કાર્યકર ઉપર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવાનો બનાવ બન્યો હતો.

મુખ્ય શહેર સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ચૂંટણીમાં ગેરરીતિને લગતો એકપણ કિસ્સો બન્યો નથી. ખાસ કરીને બોગસ વોટીંગ જે દર વખતે ચૂંટણીના સંઘર્ષનું મુખ્ય કારણ બને છે તેવો એક પણ કેસ દક્ષિણ ગુજરાતની 29 પૈકી એકપણ બેઠક પર નોંધાયો નથી. જ્યારે સૌથી મોટું આશ્ચર્ય આ વખતે એ જોવા મળ્યું હતું કે શહેર હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય બન્ને સ્થળોએ મહિલા મતદારોએ મોટી સંખ્યામાં મતદાન કર્યું છે અને આ મતદારોનો એવો વર્ગ છે કે જે સામાન્ય રીતે મતદાનથી અલિપ્ત રહેતો હોય છે અને આ વખતે પહેલી વખત મતદાન માટે સક્રીય થયો છે.

ધર્મેન્દ્ર વ્યાસ|
અમરેલી જિલ્લાના જાફરાબાદ મતદાર વિભાગના એક મતદાનમથકમાં પ્રિસાઇડિંગ ઓફિસરની તબિયત નાદુરસ્ત થઈ જતાં તેમને બદલીને તેમના સ્થાને તાત્કાલિક અસરથી નવા પ્રિસાઇડિંગ ઓફિસરને નિયુક્ત કરવામાં આવ્યા હતા.


આ પણ વાંચો :