શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. ગુજરાત વિધાનસભા ચૂંટણી - 2007
Written By એજન્સી|

ભાજપ ચૂંટણી જીત્યાં બાદ ભુલી ના જાય

ભાજપે વર્ષ 2002માં રજુ કરેલો ચૂંટણી ઢંઢેરો

ભાજપના યુવામોર્ચાએ વર્ષ 2007ની વિધાનસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન એક કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીના માસ્કને પહેરીને કાર્યકરોએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો. આમ, એક સાથે વધુ મોદીને જોઇને લોકોને આશ્ચર્ય થયું હતું.

વર્ષ 2002માં ગુજરાતમાં થયેલ ચૂંટણીમાં પ્રજાથી મત મેળવવા બાબતે ભારતીય જનતા પક્ષ( ભાજપ)એ તેનો ઢંઢેરો કરતાં ઘણાં બધાં વચનો આપ્યાં છે; પણ ખરી રીતે જોતાં આ વચનોનું પાલન કરવામાં એકંદરે ભાજપે નિષ્ફળતા જ પામી છે. એકંદરે, તેનાં વચનોમાં બહુ મોટી-મોટી વાતોના દાખલા આપવામાં આવ્યાં છે અને તેણે પ્રજાને ભ્રમમાં જ મૂકી રાખ્યું છે.

અને હવે ફરી એક વાર નવેમ્બર, 2007 માં ગુજરાતની વિધાનસભાની ચુંટણીઓ યોજવવામાં આવી છે, જે માટે ભાજપની સરકાર અને તેમજ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કેટલાંક વચનો આપતાં તેમને અમલમાં લેવાનો નાટકીય દેખાવ કરે છે. જો કે તેની આર્થિક અથવા વહીવટીય ક્ષમતા પણ એવી નથી, કે જે આ ઢંઢેરામાં આપેલાં વચનોનું પાલન કરી શકે. આ પાછળનું કારણ એ છે કે રાજ્યની તિજોરી સામે રૂપિયા 85,000 કરોડ પાછાં આપવા માટેનો બોજો બનેલો છે! અને અંતે, આ બધું કરવા છતાં ભાજપે રાજ્યની પ્રજાના કલ્યાણ માટે કોઇ કામ કર્યું નથી. ખરી રીતે જોતાં ભાજપના શાસનમાં વહીવટ સામે ગેરવહીવટ અને ભ્રષ્ટાચારમાં વધારો જ થયો છે. ખેત તલાવડીના નામે પાર્ટીના કાર્યકર્તાઓને રળવા માટેની છૂટ મળી છે! જ્યારે કે તે બાબતે ફકત કાગળિયા પર જ કામ થયું છે, જે જૂનમાં પુરૂં થશે. આની પાછળનું કારણ એ છે કે વરસાદ પછી તે ધોવાઇ ગઇ હોય, એવું બહાનું આપવામાં આવી શકાશે અને તેનું સાચું માપ પણ લેવું શક્ય બનશે નહિ! આ રીતે ભ્રષ્ટાચારને પણ "વ્યવસ્થિત" કરી શકાય છે. શિક્ષણ ખાતામાં પણ વ્યાપ્ત થયેલાં ભ્રષ્ટાચારની બધાંને જાણ છે. ભાજપના ભ્રષ્ટાચાર મુક્ત શાસનના દાવાને પોલિસ અધિકારી ડી.જી. વણઝારાની અઢળક સંપત્તિ ખુલ્લો પાડે છે.

ગુજરાતના મુખ્યમંત્રી નરેંદ્ર મોદીએ "સ્વપ્નનો સૌદાગર" બનીને પ્રજાને વિકાસના નામે ફકત સ્વપ્ન જ દેખાડ્યા છે, કે જાણે તે પોતે કોઇ જાદૂગર એન. કુમાર હોય અને તરત ને તરત જ રાતોરાત જાદુઇ છડીથી ગુજરાતનો આર્થિક વિકાસ કરી નાંખશે...! પ્રજાને સતત કેફમાં રાખવામાં મોદી સફળ પણ રહ્યા છે અને તેમની શાસન પદ્ધતિની પણ ખાસી ચર્ચા થઇ છે. વિરોધીઓને વેતરી નાંખવાની કાર્યપદ્ધતિએ તેમના જ પક્ષમાં વિરોધીઓ પેદા કર્યા છે. આવનાર ચુંટણીમાં મોદીને કોંગ્રેસ કરતાં ભાજપમાં જ રહેલા એમના વિરોધીઓ વધુ નુકસાન પહોંચાડશે.

2007ની વિધાનસભાની ચૂંટણીમાં પુન: બહુમતિ પામવા માટે સત્તા જાળવી રાખવા માટે ફરી એક વાર પ્રજા સામે ભાજપ ઢંઢેરો રજૂ કરશે! આ પહેલાં 2002ના ચૂંટણી ઢંઢેરામાં આપેલાં વચનોમાંથી મોટા ભાગના વચનો નહિ પાળી શકનાર ભાજપએ ગુજરાતની સાત મહાનગર પાલિકાઓમાંથી ઓક્ટ્રોય નાબૂદીનું પણ એક વચન અગાઉનાં ચૂંટણી ઢંઢેરામાં આપ્યું હતું. ઓક્ટ્રોયને નાબૂદ કરવાનો સૈદ્ધાંતિક સ્વીકાર્ય કર્યો જ હતો, છતાં સાડા ચાર વર્ષના શાસનમાં વેટ નાંખ્યાં પછી ઓક્ટ્રોય નાબૂદ ન કરી તે ન કરી; અને હવે જ્યારે ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે લાભપાંચમના દિવસે ઓક્ટ્રોય નાબૂદીનો અમલ કરવાની સરકારની વાત પણ વેપારીઓ માટે એક "લોલીપોપ" જેવી છે! સરકાર ખરી રીતે વીપારીઓને મૂર્ખ બનાવવાનો પ્રયાસ કરે છે. નવેમ્બર મહિનામાં લાભપાંચમના સમયે ગુજરાત વિધાનસભાની ચુંટણીઓની પ્રક્રિયા શરૂ થઇ હોય, તે સમયે ગુજરાતમાં આચારસંહિતા નો અમલ ચાલતો હશે- જેથી સરકાર કોઇ જાહેરાત કરી ન શકે અને ત્યાં સુધીમાં વેપારીઓને મૂર્ખ બનાવવામાં સફળ રહી છે. આ તો એક માત્ર ઉદાહરણ જ છે. 2002ના ચૂંટણી ઢંઢેરામાં આપેલાં વચનોમાંથી કંઇ કેટલાંય વચનો એવાં છે કે જેનો અમલ આજ દિવસ સુધી થયો જ નથી!

હવે ફરી એક વાર પ્રજાએ વચનોની લ્હાણી મેળવવા માટે આવનાર દિવસોમાં તૈયાર રહેવું પડશે. ભલે ને પછી એ વચનો બીજાં પાંચ વર્ષો સુધી લંબાઇ જાય....! પ્રજા વ્યક્તિપૂજામાં માને છે અને નરેંદ્ર મોદી ગુજરાતના રાજકરણમં મોટા કીમીયાગાર છે. પ્રચાર-પ્રસાર અને પ્રસિદ્ધિના આ "યુદ્ધ" ની હવે શરૂઆત થઇ ચૂકી છે. મહિલા સમ્મેલનો, તેમજ જ્ઞાતિ સમ્મેલનોની હારમાળા ગુજરાતના રાજકરણને આગામી સાત મહિનામાં ગરમ રાખશે.
ગુજરાતની કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે.

1 જાન્યુઆરી, 2006 થી 31 જાન્યુઆરી, 2007 સુધીમાં રાજ્યમાં હત્યાઓના 1216 પ્રકરણો, લૂંટના 980 પ્રકરણો, બળાત્કારના 423 પ્રકરણો, અપહરણના 1171 પ્રકરણો અને તેમજ આત્મહત્યાના 5308 પ્રકરણો બન્યાં હતા. તેમાંથી ધરપકડ કરાયેલાં ગુનેગારો- અનુક્રમે હત્યાના 2261, લૂંટના 1450, બળાત્કારના 935, અપહરણના 1547, અને આત્મહત્યાના 790 હતા. આ સિવાય, ગુનો નોંધાવ્યાં પછી ત્યારથી જ ખૂનના 132, લૂંટના 159, બળાત્કારના 25, અપહરણના 248 અને આત્મહત્યાના 20 ગુનેગારો પકડવામાં આવ્યા નથી. છેલ્લાં બે વર્ષમાં આ રાજ્યમાં જાન્યુઆરી 2007 સુધી 11 સાધુ સંતોની હત્યા થઇ છે, જેમાં સુરતમાં 1, સાબરકાઠામાં, જામનગરમાં 1, રાજકોટમાં 1, બનાસકાંઠામાં 1, કચ્છમાં 1, ભાવનગરમાં 1, જૂનાગઢમાં 1, ભરૂચમાં 1 અને વલસાડમાં 1 નો સમાવેશ થાય છે.

અત્યાર સુધીમાં 11 સામે કુલ 4 સંતોના હત્યારાઓની જ ધરપકડ થઇ છે, જેમાંથી જામનગરમાં 2 અને રાજકોટમાંથી પણ 2નો સામાવેશ થાય છે.
છેલ્લાં એક વર્ષમાં 31 જાન્યુઆરી, 2007 સુધીમાં રાજ્યમાં જિલ્લાવાર સ્ત્રી આત્મહત્યાના કુલ 526 ગુના નોંધાયા છે, જેમાંથી 1329 ગુનેગારો સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે. તેમાં અમદાવાદ (શહેર)ના 50, રાજકોટ (શહેર)ના 19, સુરતના (શહેર) 15, વડોદરા (શહેર)ના 12, અમદાવાદ (ગામ)ના 17, ખેડાના 18, આણંદના 25, ગાંધીનગરના 6, સાબરકાઠાના 33, મહેસાણાના 10, જામનગરના 38, રાજકોટ (ગામ) ના 20, સુરેંદ્રનગરના 18, બનાસકાંઠાના 49, કચ્છ અને ભુજના 15, પાટણના 12, અમરેલીના 10, ભાવનગરના 37, જૂનાગઢના 19, વડોદરા (ગામ)ના 21, ભરૂચના 3, ગોધરાના 23, દાહોદના 17, સુરત (ગામ)ના 11, વલસાડના 9, નવસારીના 8, ડાંગ-આહવાના 3 અને વડોદરા (પશ્ચિમ રેલ્વે) ના 2 નો સમાવેશ થાય છે.

જ્યારે રાજ્યમાં સન 2005-06 દરમિયાન વીજળીનું ઉત્પાદન 59,072 મિલીયન યુનિટ હતું અને તેની સામે નિયંત્રણના દાયરાંથી બહાર માંગણી 63,313 મિલીયન યુનિટની હતી- ત્યારે વર્ષ 2006-07માં ફકત 1842 મિલીયન યુનિટ વિજળીનું વધુ ઉત્પાદન થયું હતું.

આ ઉપરાંત રાજ્યમાં 1-1-2007ના રોજે છેલ્લાં એક વર્ષ દરમિયાન અપમૃત્યુંના કિસ્સા અનુક્રમે અમદાવાદ(શહેર)ના 912, રાજકોટ શહેરના 843, સુરત(શહેર)ના 421, વડોદરા(શહેર)ના 509, અમદાવાદ(ગામ)ના 257, ખેડાના 122 અને આણંદના 439 કિસ્સાઓ નોંધાયા છે. આ સામે જીલ્લાઓમાં અનુક્રમે ગાંધીનગરમાં 432, સાબરકાંઠામાં 429, મહેસાણામાં 412, જામનગરમાં 646, રાજકોટ(ગામ)માં 948,
સુરેંદ્રનગરમાં 384, બનાસકાંઠામાં 275, કચ્છ-ભુજમાં 577, પાટણમાં 43, અમરેલીમાં 335, ભાવનગરમાં 767, પોરબંદરમાં 239, વડૉદરા(ગામ)માં 288, ભરૂચમાં 101, નર્મદામાં 4, ગોધરામાં 245, દાહોદમાં 199, સુરત(ગામ)માં 521, વલસાડમાં 291, નવસારીમાં 121, ડાંગ-આહવામાં 32, વડોદરા( પ. રેલ્વે)માં 1341 - એમ કુલ 12,402 અપમૃત્યુના કિસ્સાઓ નોંધાયેલ છે.

રાજ્યમાં 2004 થી ડિસેમ્બર 2006 સુધીમાં લૂંટ અને તેમજ ઘરફોડ ચોરીઓના બનાવો, અનુક્રમે 2004માં લૂંટ- 1166, ઘરફોડ ચોરી -5630; તેમજ 2005માં લૂંટ- 923, ઘરફોડ ચોરી- 5135 અને 2006માં લૂંટના 977, ઘરફોડ ચોરી- 5323 જેટલાં બનાવો થયાં છે.
આ આંકડાઓ ભાજપ સરકારે ગુજરાતની પ્રજાને આપેલું વચન "સુખ, શાંતિ અને સમૃદ્ધિ" ની તદ્દન વિરુદ્ધના છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પડી ભાંગી છે. જૂનાગઢમાં દાતાર ખાતે બનેલી બળાત્કારની ઘટના અને તેમાં સંડોવાયેલાં મોહન હજારે જેવા ગુનેગારની ધરપકડ કરી શકતી નથી- એ ગુજરાત પોલિસની લાચારી કે પછી કમજોરી દેખાડે છે. અમદાવાદ શહેરમાં સાબરમતી વિસ્તારમાંથી સશસ્ત્ર ટોળકી જ્વેલર્સની દુકાનમાંથી દસ લાખ જેવી માતબર રકમના દાગીનાની લૂંટ કરીને અંતે ભાગી જવામાં સફળ થાય છે- એ શું દર્શાવે છે? ગોધરાકાંડથી શરૂ કરીને નકલી એંકાઉંટર બાબતે સાચી-ખોટી રીતે નરેંદ્ર મોદીના શાસનની ટીકા થઇ છે. નરેન્દ્ર મોદીની વર્તમાન સમયમાં પહેલા જેવી ચમકદમક બરકરાર રહી છે કે એમાં ક્યાંક બાકોરાં પડ્યાં છે? એ પ્રજા સમજી શકે છે.

આગામી ચૂંટણીઓમાં મોદીની હિન્દુત્વ અને વિકાસની રાજનીતિ શું એમને ફરી સફળતા અપાવશે? કે પછી મોદીનું હવે પછીનું લક્ષ્ય રાષ્ટ્રીય સ્તરે જવાનું છે? આવનાર સમયમાં જ આનો જવાબ મળી શકે છે. મૂળભૂત સવાલ એ છે કે ગુજરાતની પ્રજા શું ઇચ્છે છે? 2002ના ચૂંટણી ઢંઢેરામાં, સંકલ્પપત્રમાં આપેલા વચનોનું પુનરાવર્તન ફરીથી થાય કે પછી કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાનું અમલીકરણ થાય? ગુજરાતની પ્રજાની એ કમનસીબી રહી છે કે ચુંટણી સમયે અવનવી રીતભાત અપનાવીને રાજકીય પક્ષો મત મેળવવામાં સફળ થાય છે; પણ સત્તા મળ્યા પછી તે અંતે પાંચ વર્ષ માટે ઊંઘી જાય છે, જ્યારે કે પ્રજાએ જાગવું પડતું હોય છે! પાંચ કરોડથી વધુ ગુજરાતીઓના હિતરક્ષકનો દાવો કરતાં ભાજપ અંતે 2002ની વિધાનસભાની ચૂંટણી વખતે ભરેલાં સંકલ્પ પત્રના વચનોને નિભાવવામાં અસફળ જ રહી છે. ભાજપના નેતાઓ અને પ્રજાએ જ્યારે ફરીથી ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે ભાજપે આપેલાં અને તેમજ "શબ્દોના સૌદાગર" નરેંદ્ર મોદીએ આપેલાં વચનોને યાદ કરાવવાનો પ્રયાસ કર્યો છે.

- ભાજપનો ચૂંટણી ઢંઢેરો -
આ સંકલ્પપત્ર માત્ર ચૂંટણી ઢંઢેરો નથી કે પાંચ વર્ષની સરકારની કાર્ય-યોજના પણ નથી, પણ તે ઉપરાંત આ ઢંઢેરો 21મી સદીના ગુજરાતના વિકાસની દિશાનો પાયો નાંખે છે! આ પાયો મજબૂત જ બનશે, કારણ કે ગુજરાતની ક્ષમતાનો પરિચય દેશને આપી દેવામાં આવ્યો છે. 10મી પંચવર્ષીય યોજનામાં ગુજરાતની વિકાસ દર 10 ટકાથી વધુ દેખાડવામાં આવી છે, તે જ તેની સાબિતી છે. ગુજરાત સર્વાંગી વિકાસની તાકાત ધરાવે છે. બધા જ વિસ્તારોમાં તેનો વિકાસ થઇ શકે છે. દેશ અને દુનિયાની વિકાસ યાત્રાનું આપણું આગવું ગુજરાત એક બિંદુ બન્યું છે.

દુ:ખની વાત એ છે કે આ વિકાસ યાત્રાને અવરોધવા કેટલાંક તત્વો મથામણ કરે છે. આપણે તેમને પરાસ્ત કરવાં છે. ગુજરાતની આ વિકાસયાત્રા માટે આજે જરૂરત બને છે- સલામતીની, શાંતિની, વિકાસની અને પરિશ્રમની. આ સરહદી રાજ્યમાંથી મોતના સોદાગરોને દેશવટો દેવો છે! આંતર્રાષ્ટ્રીય કુતત્વોને જોર કરવા છે. અસામાજિક તત્વોને પાસાપોટા બતાવવો છે. આટલી પાયાની વાત કર્યા પછી શાંતિ અને સમૃદ્ધિ આવે જ છે!

આ શાંતિ અને સમૃદ્ધિની વિકાસ યાત્રા માટે જરૂરિયાત છે વ્યક્તિત્વની ક્ષમતાની, રાજ્યની ક્ષમતાની અને માળખાગત સુવિધાની આ ત્રણેય જરૂરિયાત ભાવી ગુજરાત માટેના ત્રણ મુખ્ય રંગો છે. ગુજરાતે શિક્ષણમાં ક્રાંતિ કરવાની છે; તેમજ સિંચાઈમાં, વીજળીમાં અને કૃષિમાં પણ- કુલ ચાર ક્ષેત્રની ગુજરાતની ક્રાંતિ ગરીબીની રેખા નીચે જીવતાં લોકોને ગરીબીમાંથી મુક્ત કરશે.

આજના આર્થિક જગતમાં મધ્યમ વર્ગ પણ "નામશેષ" થતો જાય છે, તે માટે તેને જીવન આપીશું; લાખો લોકોને કામ આપીશું.
ગુજરાતના વિધવા, ત્યક્તા, વડીલ નાગરિકો અને તેમજ અપંગોને સામાજિક સુરક્ષાનું કવચ આપીશું. આ સંકલ્પ પ્રજાની સામે મૂકીને તેના સમર્થનના આધારે તે સંકલ્પોની પૂર્તિ કરીશું.


નમામિ દેવી નર્મદે -
* સરદાર સરોવર બંધ સમયબદ્ધ રીતે પૂર્ણ કરીશું.
* નર્મદાની નહેરો અને નેટવર્કને સમયબદ્ધ રીતે પૂર્ણ કરીશું.
* નર્મદાની મુખ્ય અને તેની સહાયક નહેરોમાંથી બનાસ સુધીની તમામ નદીઓમાં પાણી છોડવામાં આવશે અને તેની નદીઓ
ઉપર બંધ બાંધીને પાણી રોકવામાં આવશે.
* નર્મદા કેનાલના પાણીને સુસંગત એવા વોટર સ્પોર્ટ્સ, પ્રવાસન, રિક્રિએશન સેંટર્સ, એમ્યુઝમેંટ પાર્ક્સ, એગ્રો પ્રોસેસીંગ ઉદ્યોગો વગેરેનો વિકાસ થાય- તે માટે અભ્યાસ જૂથ રચીશું.

વન અને પર્યાવરણ - છોડમાં રણછોડ -
* વન ઔષધિ બોર્ડની રચના કરવી.
* નર્મદા કેનાલની આજુબાજુમાં હરિયાળી વિકસાવવા જનસંપર્ક અભિયાન.
* પર્યાવરણ લોકશિક્ષણ સેવા માટે શહેરી વિસ્તારોમાં "ગ્રીન કાર્ડ" યોજના. ( યુવાનોને પર્યાવરણથી પ્રેરિત રોજગારી)

યુવા ઉત્કર્ષ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ -
બજરંગ યુવા ઉત્કર્ષ યોજના -
* નવી યુવા નીતિ સાથે નવી રમત-ગમત નીતિની ઘોષણા થશે.
* રાજ્યના જુદાં-જુદાં ઉદ્યોગગૃહો એક એક રમતને "દત્તક" લેતાં તેના વિકાસ માટે રમતવીરોને પ્રોત્સાહન આપશે.
* શ્રેષ્ઠ રમતવીરોને અગ્રિમતાના ઘોરણે નોકરી મળે, તે બાબતે પગલાં લેવામાં આવશે.

અનુસૂચિત જાતિના કલ્યાણ માટે -
* ખાદી અને હાથવણાટના વણકારોને રોજી મળે, તે રીતે ખાદી હાથ વણાટ અને હસ્તકલા ઉદ્યોગને આગળ વધારવામાં આવશે.
* સફાઈના કામદારોને સેવાપોથી મળશે.
* અનુસૂચિત જાતિના ખેડૂતોની જમીનના સંજોગના દબાણની સામે રક્ષણ મળે, તેવું આયોજન.
* ચમાર ભાઇઓને ચમારકામ માટે વાડાની જમીન નીમ કરી આપીશું.
* વણકારોની બાકી રિબેટની રકમ ચૂકવી આપવામાં આવશે.

વનવાસી કલ્યાણ માટે -
* આદિવાસીને તેમની જમીનની સનદો આપેલ છે, તેમાંથી બાકી રહેતાને તેમની સનદો આપીશું.
* આદીવાસીઓની પર્વતીય ખેતીને પાણી આપવા માટે વરસાદની સીઝનના પાણીનો ચેક ડેમ કે ટાંકા દ્વારા સંગ્રહ કરીશું.
* આદિવાસીઓ માટે "એકલવ્ય સ્પોર્ટ્સ એકેડમી" ની સ્થાપના થશે.
* આદીવાસી વિસ્તારમાં વન્ય પેદાશ પર આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે.
* આદિવાસીઓ માટે શામળાજી મુકામે સૈનિક શાળા બનશે.
* મહિળાઓ નિર્ણય માટે અને તેમજ વિકાસ માટે ભાગીદાર બને- તે બાબતે નવી નીતિ જાહેર થશે.

રિદ્ધિ સિદ્ધિ યોજના -
* રિદ્ધિ સિદ્ધિ યોજનાની મારફત ગામોમાં 20-25 બહેનોની મંડળી બને, બહેનો સંગઠિત થઇને પોતાનો વિકાસ કરે- તે માટેની ખાસ યોજના.

ગોપીધર યોજના -
* સંપૂર્ણ રીતે મહિળાઓથી સંચાલિત ગોપીઘરો સાત શહેરોમાં બનાવીશું. તેમાં ગ્રામ્ય વિસ્તારની મહિળાઓ અને મહિળા સંસ્થાનોની મારફત ઉત્પાદિત વસ્તુઓનું વેંચાણ કરવામાં આવશે. તેના લીધે મહિળાઓને પ્રોત્સાહન મળશે અને આવી વસ્તુઓની માંગણી પણ બનશે.

આંગણવાડી મહિળા કલ્યાણ બોર્ડ -
* આંગણવાડીમાં હજારો બહેનો બાળજીવનને સંસ્કાર સિંચવાની અદકેરી કામગિરી કરે છે. બહેનોનો વિકાસ અને આર્થિક સુરક્ષા માટે ચિંતન કરે, તેવું વેલ્ફેર બોર્ડ બનાવવામાં આવશે.
* દરેક ગામમાં આંગણવાડી અનેબધી આંગણવાડીને એ ક મકાન!
* 78 ટકા બાળાઓમાં પોષણ ઓછું હોય છે અને તેમને ખૂટતું પોષણ મળી રહે, તે માટે ખોરાક અને દવાનું આયોજન.
* અહિળા કલ્યાણ માટે સામાજિક મુશ્કેલીમાં મુકાયેલ મહિળાઓને આપાતી કાયદાકીય સહાયનો વ્યાપ વધશે.

પછાત જાતિ કલ્યાણ -
* બક્ષી પંચની 132 જ્ઞાતીઓની પુન: સમીક્ષા કરી તેમાંથી અતિ પછાત જ્ઞાતિઓના વિકાસ માટે ખાસ પગલાં લેવામાં આવશે.
* પછાત જ્ઞાતિઓને સ્વાવલંબી બનાવવા માટે ખાસ યોજનાઓ બનશે.
* બક્ષી પંચના તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે લોનની સગવડ કરી આપવામાં આવશે.

અલ્પસંખ્યક કલ્યાણ :
* અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમને સક્ષમ બનાવીને તેની મારફત અલ્પસંખ્યકોને સ્વરોજગારની વધુ તકો મળે, તેની
વ્યવસ્થા કરવી.
* અલ્પસંખ્યકોમાં શિક્ષણનો વ્યાપ વધારવા જન આંદોલન હાથ ધરાશે.
* ધર્મ અને ભાષા પર આધારિત લઘુમતીઓને શાંતિ અને સલામતી, તેમજ વિકાસ અને પ્રગતિની પૂરતી તકો મળે, તેવું આયોજન કરવું.

ગરીબી અને બેકારીનું નિવારણ :
* "ગ્રામ ત્યાં જ રોજી" ની નીતિ સામે અમલ કરવું.
* ગ્રામમિત્રની યોજનાથી દરેક ગામમાં પાંચ યુવાનોને પર્યાવરણ જાળવણી, જળ અને ભૂમિ સંરક્ષણ, તેમજ વૉટરશેડના કામોમાં લોકોને ભાગીદાર બનાવી તેમને રોજગારી આપવા તેમ જ ઉત્પાદકતા વધારવાના કાર્યક્રમો બનાવવા.

સ્વશક્તિ પરિવાર યોજના -
* 33 લાખ ગરીબીની રેખાથી નીચે રહેતાં પરિવારોમાંથી એકને રોજગારી આપવા બાબતે પાંચ વર્ષમાં કુલ 1.5 લાખ "સેલ્ફ હેલ્પ જૂથ"ની રચના.

વિશ્વકર્મા યોજના -
* પરંપરાગત વેપાર-ધંધામાં સ્વરોજગારની તકો સુનિશ્ચિત રીતે મળે, તે માટે કારીગરોને સાધન અને ઓજારોની કિટ મળશે.

ગ્લોબલ એજ્યુકેશન એંડ એમ્પ્લોયમેંટ બોર્ડની ગોઠવણ -
* વિશ્વને બૌદ્ધિક કૌશલ્યની જરૂર છે, તે ગુજરાતના યુવાનો પાસે છે. ગુજરાતનો યુવાન, ઉચ્ચ શિક્ષણ પામવા માટે કે પછી નોકરી કરવા માટે પરદેશ ન જાય અને કોઇ રીતે લાલચમાં આવતાં લેભાગુ દલાલોના હાથમાં ન ફસાય, તે માટે રાજ્ય પોતે જ આવા યુવાનોને સહાયરૂપ થશે.

નાગરિક પુરવઠો અને ગ્રાહક સેવા
* વાજબી ભાવ સપાટી જાળવી રાખવા બાબતે માર્કેટ ઇંન્ટરવેંશન.
* નાગરિકોને વાજબી ભાવે જીવન જરૂરિયાતોની ચીજો મળી રહે, તેવી પ્રતિબદ્ધતા.
* ભેળસેળ, કાળા બજાર અને તેમજ જમાખોરી કરનાર લોકો સામે કડક પગલાં લેવાં.
* ગરીબી રેખા નીચે જીવતા લોકો માટે બે રૂપિયે કિલો ઘઉં અને ત્રણ રૂપિયે કિલો ચોખા.
* કલ્પતરુ મોબાઇલ વાનનો લાભ ગ્રામ્ય સ્તર સુધી પહોંચાડવો.
* ગ્રામ્ય અને શહેરી કક્ષાએ નાગરિક પુરવઠા તંત્રના વહીવટમાં નાગરિકોની ભાગીદારી.

સામાજિક સુરક્ષા ... શ્રવણની ભક્તિ -
* વડીલ નાગરિકોને સહાયરૂપ થવા સ્પેશિયલ પેકેજ.
* વિધવા, ત્યકતા, ડિસેબલ પેંશન જેવા સમાજ સુરક્ષાના કવચો મેળવવા માટેની નીતિમાં સુધારો.
* આગમાં નાશ પામેલાં મકાનોના માલિકને નવા મકાન માટે સરદાર આવાસનો લાભ.

વડીલ નાગરિક સેવા સમિતિ -
* અનુભવોનું ભાથું મેળવીને નિવૃત્ત બની ગયેલા તંદુરસ્ત નાગરિકોના સ્વૈચ્છિક જૂથો બનાવી સાર્વજનિક જનસુખાકારીના સેવાક્ષેત્રોમાં પ્રવૃત્તિ થાય અને સમાજને તેમના અનુભવોનો લાભ પણ મળી શકે.

સહકાર -
* નવી સહકાર નીતિ જાહેર કરીશું.
* સહકારી બેંકોના થાપણદારોના હિતમાં હોય, તેવો સરકારી કાયદો લાવવામાં આવશે.
* નાગરિક સહકારી બેંકો સાથે નાણાકીય ઠગાઇ કરનારા ડિરેક્ટરો, ઘિરાણ લેનારાઓ કે અન્ય કોઇ પણ સંકળાયેલ વય્ક્તિની
સામે પાસા જેવા કાયદા સહિત કડકમાં પગલાં ભરાશે.
* હાલમાં બંધ થયેલી નાગરિક સહકારી બેંકોના થાપણદારોને વીમા કવચના રૂ. 1 લાખ સુધીના થાપણના નાણાં 6 મહીનામાં ચૂકવી દેવાય, તેવો પ્રબંધ કરીશું.
* જે સહકારી બેંકો નબળી પડી હોય, તે બેંક અને એકસબળ બેંક બેનું જોડાણ કરીશું અથવા પગભેર બચાવવાની કામગિરી કરે, તેવી વ્યવસ્થા કરીશું.

પશુપાલન અને ડેરી વિકાસ -
* પશુપાલન અને ડેરી વિકાસની મારફત મહિળાઓની આર્થિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરીશું.
* પશુ ઉછેર માટે મોબાઇલ ટ્રેનિંગ ઇંસ્ટીટ્યૂટ ફૉર વિમેન શરૂ કરવામાં આવશે.
* પશુપાલન યુનિવર્સિટીની સ્થાપના થશે. .


પ્રવાસન -
* પ્રવાસન ઉદ્યોગના નક્શામાં ગુજરાતને વૈશ્વિક પ્રવાસનના આકર્ષણનું કેંદ્ર બનાવીશું.
* વિશાળ દરિયા કાંઠાનો પ્રવાસન યોગ્ય વિકાસ કરવા આંતર માળખાકીય સવલતો ઊભી કરાશે.

વાહનવ્યવહાર -
* છકડા અને જીપે વાહનવ્યવહારના માધ્યમ તરીકે મહત્વનું સ્થાન મેળવી લીધું છે. પ્રજાજનોને રાહત રહે, તે માટે વિચાર કરીને યોગ્ય કાયદાકીય ફેરફારો કરીશું.
* અમદાવાદ અને વડૉદરા વચ્ચેના ઑટોબન પ્રોજેક્ટને આવતાં બે વર્ષમાં પૂરો કરવાનું અને બીજાં ત્રણ વર્ષમાં સુરત સુધી લંબાવીને પૂર્ણ કરવાનું લક્ષ્ય.

શહેરી વિકાસ -
* બધાં શહેરોમાં રસ્તા, પાણી, વિજળીની સગવડો મળે, તેવું આયોજન કરીશુ.
* શહેરી વિસ્તારોમાં હયાત ઝૂંપડપટ્ટી વિસ્તાર માટે અલગ યોજના તૈયાર કરવામાં આવશે અને તેમાં રહેનારા લોકોને પાકું ઘર મળે. આવશ્યક નાગરિક સેવાઓ મળે અને આરોગ્યની સુરક્ષા થાય, તે માટે ખાસ નીતિનું ઘડતર કરીશું.

પંચાયત મહેસૂલ ... નંદગાંવનો આદર્શ -
* ગ્રામસભાઓ મજબૂત થાય, તેવી નીતિ અપનાવશે.
* પંચાયતી રાજને વિકેંદ્રીકરણથી સક્ષમ બનાવવા "અભ્યાસ સમિતિ" બનશે.

ન્યાય અને કાયદો -
* રાજકોટ અને સુરતમાં હાઈકોર્ટની બેંચ.
* દરેક જીલ્લામાં કાયદાનું શિક્ષણ આપતી કૉલેજ.
* જેલના કેદીઓની સુનાવણી માટે વિડીયો કોંફરેંસનું માધ્યમ ન્યાયતંત્રમાં કાર્યરત કરીશું.

લોકોભિમુખ વહીવટ ... ગુજરાતી કૌશલ્ય બુદ્ધિસાગર પરિષદ-
* ગુજરાત રાજ્યનો સર્વાંગી વિકાસ અસરકારક રીતે થાય, તે માટે વિવિધ ક્ષેત્રોના નિષ્ણાત અને અગ્રણી નાગરિકોની એક
બિનસરકારી સ્વાયત્ત "થિંક ટેંક" ની રચના કરવામાં આવશે.
* રાજ્યમાં વિવિધ સામાજિક, ઔધિગિક અને તેમજ આંતરમાળખાકીય વિકાસ માટે અને તેનો ફાયદો સમાજના નિમ્નસ્તર સાથે છેવાડાના નાગરિકોને સહેલાઈથી મળે, તે માટે જે તે વિષયોના તજજ્ઞોની બિનસરકારી પેનલની રચના કરવામાં આવશે.

કર્મયોગી યોજના -
* રાજ્ય સરકારના કર્મચારી મંડળૉ સાથે પરામર્શ કરીને તેમના લોકમિત્ર ભાવનાવાળા વહીવટ, સામાન્ય નાગરિકના પ્રશ્નો ઝડપથી નિકાલ થાય અને વહીવટને વધુ માનવીય બનાવવા અગ્રિમતાના ઘોરણે પગલાં લઇશું.
* બિન જરૂરી વિલંબ ટાળવા વહીવટી પ્રક્રિયાનું સરળીકરણ કરાશે.

સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ -
* આવનાર વર્ષોમાં એક પણ કતલખાનાને મંજૂરી અપાશે નહિ અને જે ગેરકાયદેસર છે, તેને બંધ કરાશે.
* પવિત્ર યાત્રાધામોના દસ કિલોમીટરના વિસ્તારમાં કતલખાના બંધ કરવા.

પોલિસતંત્રનું આધુનિકીકરણ -
* આર્થિક ગુનાઓ ડામવા માટે અસરદાયક વ્યવસ્થા.
* અસામાજિક તત્વો સામે સલામતી રાખવી.
* ગુજરાતની સરહદ અને પાકિસ્તાન વચ્ચે કાંટાળી વાડ કરવા માટેના કાર્યમાં રાજ્ય સરકાર આગળ વધે, તેના પ્રયત્નો કરવા.

સુદર્શન સુરક્ષા કવચ -
* રાજ્યમાં આતંકવાદ વિરોધી અભિયાન શરૂ કરવું. ત્રાસવાદ સામે લડવાની યુવાનોને તાલીમ આપવી.
* સરહદે આવેલાં વિસ્તારના રહીશો માટે ખાસ ઓળખપત્ર અને હથિયારની તાલીમ સાથે પરવાનગી આપવી.
* સરહદે આવેલાં વિસ્તારમાં સેન્ય પ્રશિક્ષણ આપવું અને તેની સ્કૂલોની સ્થાપના કરવી.

શક્તિગ્રામ યોજના -
* સંરક્ષણને ઉપયોગી સરંજામ બનાવતા ઉદ્યોગોને ગુજરાતમાં આકર્ષવા માટે ખાસ યોજના બનાવવી.
* દેશના હિતમાં શહીદ થયાં શહીદોના કુટુંબોની સાજ-સંભાળ માટે અલગથી એક વિભાગ બનશે.

ઇંફર્મેશન ટેક્નોલોજી -
* સંચાર અને સૂચનાની વ્યવસ્થાઓને વિશ્વ સ્તરે લાવવું.
* રાજ્યનો છેવાડાનો માનવી પણ સરકાર સાથે જીવંત સંપર્કમાં રહી શકે અને વહીવટમાં પારદર્શકતા આવે, તે માટે ઈ-ગવર્નંસ ( ઈલેક્ટ્રોનિક્સ વહીવટ) ના માધ્યમોનો વ્યાપ વધારીશું.

વીજળી ... સૂર્યદેવની ઊર્જા :
* ગામડામાં 24 કલાક સિંગલ ફીએજ વીજ પુરવઠો આપવા માટે શ્રેણીબદ્ધ પગલાં લેવાશે.
* વીજ વિતરણમાં હાલમાં થતો ડિસ્ટ્રીબ્યુશન અને ટ્રાંસમિશન લોસ ઓછો કરવા માટે સઘન અને કડક વ્યવસ્થા અને પગલાં લેવામાં આવશે.
* ખેતી માટેનો વીજ પુરવઠો 14 કલાક આપવાનું આયોજન કરીશું.

આદિત્ય નારાયણ ઊર્જા પેકેજ -
* દર વર્ષે 1000 મેગાવોટ વીજ ઉત્પાદન ક્ષમતા વધારીને આવતા 10 વર્ષોમાં કુલ બમણી ક્ષમતા કરવાની સાથે નવું વીજ ઉત્પાદન ઓછા ખર્ચે થાય- તે માટે લિગ્નાઇટ, ગૈસ, અણુ, દરિયાઈ મોજાં, સૂર્ય ઊર્જા, પવન, જૈવિક ઉર્જા, ગોબર ગૈસ, જીયો થર્મલ અને બીજાં બિન પરંપરાગત સ્ત્રોતોનો પૂરી રીતે લાભ લેવાના પ્રયાસો બનશે.
* ચાર-પાંચ બેકાર યુવાનોના જૂથને સસ્તા ભાવમાં પવન ચક્કી મળે અને તે માટે ધિરાણ મળે, તેની ગોઠવણ કરવામાં આવશે. આ સામે યુવાનોને રોજગાર મળે અને રાજ્યને સસ્તી વિજળી મળે.

ઉદ્યોગ અને ઇંફ્રાસ્ટ્રક્ચર -
* સાગર કાંઠાના સર્વાંગી વિકાસ માટે કોસ્ટલ એરિયા ડેવલપમેંટ બોર્ડની સ્થાપના.
* વૈશ્વિક મંદીથી માંદા પડેલાં લઘુ ઉદ્યોગને ફરીથી જીવંત બનાવવા તકનીકી રીતે આધુનિકીકરણ, ફાયનેંસ, માર્કેટીંગ, કાચાં માલની વ્યાજબી ભાવે વ્યવસ્થા કરવી અને "ઇંસ્પેક્ટર રાજ" માંથી મુક્તિ જેવાં ઘણાં પગલાંનું ખાસ પેકેજ જાહેર કરવામાં આવશે.
* ઔદ્યોગિક મૂડીના રોકાણમાં ગુજરાત દેશમાં પહેલાં ક્રમે આવી જાય, તેવી નીતિ બનાવવી.

કૃષિ અને ગ્રામવિકાસ ... બલરામનો પુરુષાર્થ
* કૃષિ અને પશુપાલનની ગ્રામીણ અર્થતંત્રમાં નિર્ણાયક ભૂમિકા હોવાથી ખેત ઉત્પાદનની વાર્ષિક વિકાસ અદર 4 ટકા કરવી અને પશુપાલન-ડેરી ઉદ્યોગ સાથે 7 ટકાની વિકાસ દર પામવી. રાજ્યમાં ઘરેલું ઉત્પાદન બાબતે કૃષિ અને આનુષાંગિક પ્રવૃત્તિઓનો હિસ્સો વધીને 10 વર્ષોમાં બમણો થાય, તેવો કાર્યક્રમ બનાવવો.
* રાજ્યની હાલની સિંચાઈ યોજનાઓની ક્ષમતા વધારવી.
* ખેડૂતોને ચિંતા કરાવતી વિજળીમાં "મીટર પ્રથા" અંગે રાષ્ટ્રીય નીતિ બનવી જોઇએ, એમ અમે સ્પષ્ટ રીતે માનીએ છીએ.
આખા દેશના રાજ્યોમાં જ્યાં સુધી રાષ્ટ્રીય નીતિ નક્કી ન થાય અને તેનું અમલીકરણ બધે ન થાય, ત્યાં સુધી ગુજરાતમાં ખેતી માટે વિજળીમાં "મીટર પ્રથા" દાખલ નહિ થાય. જો ખેતી માટે વિજળીમાં મીટર પ્રથા દાખલ થાય તો આખા દેશમાં થાય નહિતર ક્યાંય પણ ન થાય, જે માટે ભાજપ વચનબદ્ધ છે!

શિક્ષણ .... મા સરસ્વતી દેવીની ઉપાસના
* આદિવાસી વિસ્તારોમાં કોલેજ શરૂ કરવા માટે ગ્રાંટ આપવામાં આવશે.
* દરેક શાળામાં સેનિટેશન સંકુલ સાથે પાણીની સુવિધા રહેશે.
* આંગણવાડીની બહેનો અને હેલ્પરના વેતનમાં વધારો થશે.
* હાલમાં ગુજરાતમાં પ્રાદેશિક ઘોરણે યુનિવર્સિટીઓ છે. વિશ્વમાં ચાલતા નવા અભિગમ પ્રમાણે વિષયવાર યુનિવર્સિટી બનશે. * એંજીનિયરીંગ, મેડીકલ સાથે અહિંસા અને યોગા યૂનિવર્સિટીઓ પણ બનશે.

સિંચાઈ અને જળક્રાંતિ ... ગંગા-જમનાનું સામર્થ્ય
* ખંભાતના અખાતને મીઠા પાણીનું સરોવર બનાવવા અભ્યાસ જૂથ બનશે.
* ગામડાનું પાણી ગામમાં, શહેરનું પાણી શહેરમાં અને તેમજ સીમનું પાણી સીમમાં સંગ્રહ થાય- એવું આયોજન કરવું.
* ગુજરાતની સમુદ્રને મળતી નદીઓના પાણીને રોકીને સમુદ્ર કિનારાને કેરાલાની જેમ લીલુડી વાડી બનાવવા દરિયાને નાથીશું. આના લીધે સેલીનીટીનો પ્રશ્ન હળવો થશે અને ભૂગર્ભમાં જળ વધશે.

ભાજપના બુદ્ધિજીવીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ 2002 ના સંકલ્પપત્રમાં થોકબંધ વચનો આપવામાં આવ્યાં હતાં; જ્યારે કે હવે ફરી એક વાર રાજ્યની વિધાનસભાની ચુંટણીઓ આવી રહી છે...તેમ છતાં આ વચનોને પૂરાં પાડવામાં ભાજપ સરકાર નિષ્ફળ રહી છે. હવે ફરી 2007નો ચૂંટણી ઢંઢેરો રજૂ કરી પ્રજા સમક્ષ ભાજપ અને કોંગ્રેસ, બન્ને પક્ષો તરફથી વચનોની લહાણી કરવામાં આવશે. હવે ગુજરાતની પ્રજાને ખરેખર જાગૃત થવાનો સમય આવી ગયો છે. પાંચ વર્ષે મળતો આ "મતદાન"નો લહાવો મેળવીને આ રાજકીય પક્ષોને તેમની યોગ્ય જગ્યા બતાવવી પડશે

(સૌજન્ય : ધર્મેન્દ્ર વ્યાસ, અમદાવાદ)