હવે ચૂંટણીમાં વધુ સુવિધાપૂર્ણ ઈવીએમ

ધર્મેન્દ્ર વ્યાસ|

અમદાવાદ(વેબદુનિયા) આગામી ડિસેમ્બર તા. 11 અને 16ના રોજ યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં તમામે તમામ મતદાન વિભાગોમાં વિજાણું મતદાન યંત્ર (ઈલેક્ટ્રોનિક વોટીંગ મશીન) ઈ.વી.એમ.થી મતદાન કરવામાં આવનાર છે. બે તબક્કામાં યોજાનારી આ વખતની ચૂંટણીઓમાં 47,900 ઈલેક્ટ્રોનિક વોટીંગ મશીન ઉપયોગમાં લેવાશે. જે મતદારો માટે સરળ અને ચૂંટણી તંત્રની પ્રક્રિયામાં ઝડપ લાવશે.

વિજાણુ મતદાન યંત્ર હવે ગુજરાતના મતદારો માટે નવી બાબત રહી નથી. 2004ની ગુજરાતની લોકસભાની ચૂંટણીઓમાં તમામ 182 મતદાન વિભાગોના મતદારોએ તેમનો કિંમતી મત ઈ.વી.એમ. દ્વારા જ આપ્યો હતો. આ વખતે વિધાનસભાની આગામી ચૂંટણીઓમાં પણ ગુજરાતના મતદારો તેમના પ્રતિનિધિઓને વિજાણુ મતદાન યંત્રનું બટન દબાવીને ચૂંટવાના છે.

ભારતના ચૂંટણી પંચે આ વખતે નવા વધુ સુવિધાપૂર્ણ ઈ.વી.એમ.ની ગુજરાતની ચૂંટણી માટે ફાળવણી કરી છે. જેમાં મતદાન શરૂ થવાનો અને મતદાન પુરું થવાના સમયનો પણ નિર્દેશ થશે. આ ઉપરાંત મતદાનની તારીખ પણ ઈ.વી.એમ. બતાવશે.
ઈ.વી.એમ. નિયંત્રણ એકમ અને મતદાન એકમ એમ બે ભાગનું બનેલું હોય છે. મતદાન મશીન મત આપવા માટે કાર્યરત કરાય તે પહેલા નિયંત્રણ એકમ અને મતદાન એકમને વાયરથી જોડવામાં આવે છે. એક મતદાન એકમ ઉપર 16 ઉમેદવારોના નામ મુકી શકાય. આવા ચાર મતદાન એકમ જોડી એક સાથે મહત્તમ 64 ઉમેદવારોનો સમાવેશ કરી શકાય છે. મતદાન એકમ ઉપર અનુક્રમ, ઉમેદવારનું નામ અને તેમને ફાળવવામાં આવેલું ચૂંટણી પ્રતિક હોય છે.
પ્રત્યેક ઉમેદવારની વિગત સામે વાદળી રંગનું બટન હોય છે. મતદારે તેમના મનપસંદ ઉમેદવાર સામેની વાદળી રંગની સ્વીચ દબાવવાની હોય છે. આ વાદળી સ્વીચ દબાવતાની સાથે બી...પ... એવો અવાજ આવશે અને મતદારનો મત અપાઈ જશે. ત્યારબાદ ઈ.વી.એમ. ઓટોમેટીક લોક થઈ જશે.

વળી જો મતદાર ભુલથી કે હાથે કરીને એક સામટી બે કે તેથી વધુ વાદળી સ્વીચ દબાવે તો તેમનો મત રજીસ્ટર જ નહીં થાય. ઈ.વી.એમ.નું સૌથી મોટું જમા પાસુ છે કે તેમાં કોઈ મત ખાલી નહીં જાય કે બોગસ વોટ નહીં જાય.


આ પણ વાંચો :