શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. ગુજરાત વિધાનસભા ચૂંટણી - 2007
Written By એજન્સી|

ગુજરાતમાં 17મો મુખ્યપ્રધાન કોણ બનશે

ગાંધીનગરની ગાદી પર સૌથી વધુ સમય મોદી રહયા

NDN.D

આગામી મહિને 11મી ડિસેમ્બર અને 16મી ડિસેમ્બરના રોજ યોજાનારી ગુજરાત વિધાંનસભાની ચૂંટણીનું શું પરિણામ આવશે તે તો આગામી 23મી ડિસેમ્બરના રોજ જ જાણવા મળશે. ગુજરાતની સ્થાપનાનાં 47 વર્ષમાં ગાંધીનગરની ગાદીએ સૌથી વધુ સમય માટે જૉ કોઈ ટકી શકયું હોય તો એ માત્ર નરેન્દ્ર મોદી છે. ઓકટોબર 2001થી અત્યાર સુધી તેઓ બિરાજમાન છે. તેમની જેમ બે વાર મુખ્ય પ્રધાન બનનારા મહાનુભાવોમાં જીવરાજ મહેતા, બાબુભાઈ જ. પટેલ, ચીમનભાઈ પટેલ તેમજ કેશુભાઈ પટેલનો સમાવેશ થાય છે.

જ્યારે જુદા જુદા 16 મહાનુભવો મુખ્ય પ્રધાનની ગાદી પર બિરાજમાન થઈ ચૂકયા છે. આમાના કેટલાક બબ્બે વાર પણ નસીબદાર બની શકયા છે. એક માત્ર માધવસિંહ સોલંકી ચાર વખત અને હિતેન્દ્રભાઈ દેસાઈ ત્રણ વખત મુખ્ય પ્રધાન બનવાનો વિક્રમ ધરાવે છે.
W.DW.D

હવે નરેન્દ્ર મોદીનો સૌથી વધુ દિવસ માટે મુખ્યપ્રધાનપદે રહેવાનો રેકોર્ડ કોણ તોડશે તેની સ્પર્ધા જામેલી છે. કોંગ્રેસ : 7 સરકાર : ગુજરાત રાજયની સ્થાપના સાથે જ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે રાજયમાં સત્તાની ધૂરા સંભાળી લીધી હતી. રાજયના પ્રથમ મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતા 1 મે, 1960થી 19 સપ્ટેમ્બર 1963 સુધી બે વાર મુખ્યમંત્રી બન્યા. કોંગ્રેસમાં જ વિખવાદને કારણે અંતે ગુજરાતના આ પ્રથમ મુખ્યમંત્રીએ ગાદી છોડવી પડી હતી.

ત્યારબાદ બળવંતરાય મહેતા રાજયના બીજા મુખ્યમંત્રી બન્યા હતા. તેમનું કચ્છ સરહદે વિમાન અકસ્માતમાં મૃત્યુ થયા બાદ હિતેન્દ્ર દેસાઈ1967થી 1971ના ચાર વર્ષના ગાળામાં ત્રણ વાર મુખ્યમંત્રી બન્યા હતા. તેમની સામે બળવો થયો છતાં તેમણે ફરી સત્તા સંભાળી હતી. 1973માં ચીમનભાઈ પટેલે કોંગ્રેસમાં બળવો કરીને મુખ્યમંત્રીની ખુરશી કબજે કરી હતી.

માધવસિંહ સૌથી વધુ વાર રાજયના મુખ્યમંત્રી બનવાનો વિક્રમ ધરાવે છે, પણ એક જ વાર તેમણે પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો છે. એ સિવાય તેમનો કાર્યકાળ પાંચ મહિના, 4 મહિના અને ત્રણ મહિનાનો રહ્યો છે. 1985માં પ્રચંડ અનામત આંદોલનને પગલે માધવસિંહે રાજીનામું આપી દેવું પડયું હતું અને અમરસિંહ ચૌધરીએ તેમનું સ્થાન લીધું હતું.

જનતા મોરચા : 1 સરકાર, 1 મુખ્યમંત્રી - 1975માં વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી લાદી દીધા બાદ સત્તા પરિવર્તન થયું તે સાથે ગુજરાતમાં બાબુભાઈ જશભાઈ પટેલના મુખ્યમંત્રીપદે જનતા મોરચાની સરકાર રચાઈ. પરંતુ તેનું આયુષ્ય મોરારજીભાઈ દેસાઈની કેન્દ્ર સરકાર જેટલું જ રહ્યું. માધવસિંહ સોલંકીએ ફરી કોંગ્રેસને સત્તા પર લાવી દીધી, પણ એક જ વર્ષમાં ફરી તેમની સામે બળવો થતાં જનતા મોરચાની બિનકોંગ્રેસી સરકાર રચાઈ.

જનતા દળ - કોંગ્રેસની સંયુકત સરકાર - ચીમનભાઈ પટેલના જનતાદળે કોંગ્રેસ સાથે મળીને 1994માં સૌપ્રથમ સંયુકત સરકાર રચી હતી. છેવટે જનતાદળનો મૃત્યુઘંટ વાગી જશે તેનો અણસાર આવી જતા તેનું કોંગ્રેસમાં વિલિનીકરણ થઈ ગયું હતું.

રાષ્ટ્રીય જનતા પાર્ટી : 1 સરકાર, 2 મુખ્યમંત્રી - ગુજરાતમાં ભાજપનો પાયો નાંખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા શંકરસિંહ વાધેલાએ અંતે છેડો ફાડીને રાષ્ટ્રીય જનતા પાર્ટી(રાજપા)ની સ્થાપના કરી. કોંગ્રેસના ટેકાથી બાપુ મુખ્યમંત્રી બની ગયા. કોંગ્રેસે એક વર્ષ સુધી બાપુની સરકાર ટનાટન ચાલવા દીધી અને પછી 1997ના ઓકટોબરમાં શંકરસિંહને હટાવવાની માગણી કરી, જે નાછૂટકે રાજપાએ માનવી પડી અને દિલીપ પરીખ મુખ્યમંત્રી બન્યા. 1998માં મતદારોએ પક્ષપલટાની ગુલાંટબાજીઓને હડસેલી દઈ ફરીથી ભાજપને જીતાડયો.

ભાજપ : 3 સરકાર, પાંચ મુખ્યમંત્રી - બાબરી ઘ્વંસ પછી દેશભરમાં હિન્દુત્વની પ્રચંડ લહેર ફેલાઈ ગઈ, જેને પગલે 1995માં ભારતીય જનતા પક્ષ(ભાજપ)ની ભગવા સરકાર રચાઈ હતી. કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા હતા. સાત જ મહિનામાં શંકરસિંહ વાધેલાએ બળવો પોકાર્યોઅને કેશુભાઈ પટેલે મુખ્યમંત્રી પદેથી હટી જવું પડયું. હજુરિયા-ખજુરિયાના સમાધાનની ફોમ્ર્યુલારૂપે સુરેશભાઈ મહેતાને મુખ્યમંત્રી બનાવાયા. છતાં બળવાખોરી બેકાબૂ બનતાં સરકારનું પતન થયું.

જ્યારે બાદમાં કેશુભાઈએ ફરી પક્ષને સત્તા પાર લાવી દીધો. રાજયમાં કથળતા વહીવટને લીધે નરેન્દ્ર મોદીને કેન્દ્રીય રાજનીતિમાંથી બોલાવીને ઓકટોબર- 2002માં મુખ્યમંત્રી બનાવાયા. બાદમાં ગોધરાકાંડની હચમચાવનારી ઘટના બની અને રાજકીય ધ્રુવીકરણ થયું. મોદીને હટાવવાના અનેક પ્રયાસો થયા, પરંતુ 2002ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે જબરદસ્ત બહુમતી સાથે ભાજપને સત્તા પર લાવી દીધો.