મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 11 જુલાઈ 2022 (13:04 IST)

‘મેક ઇન ઇન્ડિયા’ થી ‘મેડ ઇન ઇન્ડિયા’- ડિજિટલ ઇન્ડિયા વીક-૨૦૨૨ના પ્રદર્શનમાં લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું દેશનું પ્રથમ સ્વદેશી MRI મશીન

વર્ષ ૨૦૧૫માં શરુ થયેલી ‘ડિજિટલ ઇન્ડિયા’ પહેલ હેઠળ આજે ભારતે ડિજિટલ ક્ષેત્રે ક્રાંતિ સર્જી છે. અનેક ડિજિટલ પહેલ અને વિવિધ સેવાઓનું ડિજિટલાઈઝેશન થતા સામાન્ય માનવીના જીવનમાં સરળતા આવી છે. ગત સાત વર્ષ દરમિયાન સર્જાયેલી આ ડિજિટલ ક્રાંતિને ઉજવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ “ડિજિટલ ઈન્ડિયા વીક-૨૦૨૨”નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે સામાન્ય માનવીના રોજિંદા જીવનમાં સરળતા લાવતી આવી જ ૨૦૦ જેટલી વિવિધ ડિજિટલ પહેલ અને ટેકનોલોજીના પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
 
આ પ્રદર્શનમાં પ્રદર્શિત થયેલી વિવિધ ટેકનોલોજી અને પહેલ વચ્ચે સામાન્ય જણાતા એક સ્ટોલ પર પ્રદર્શિત થયેલ MRI મશીનનું મોડલ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. જાણીને નવાઈ લાગશે કે, સોસાયટી ફોર એપ્લાઇડ માઈક્રોવેવ ઈલેકટ્રોનીક એન્જિનિઅરિંગ એન્ડ રીસર્ચ (SAMEER) દ્વારા વિકસાવવામાં આવેલું આ મેગ્નેટિક રીઝોનેન્સ ઇમેજિંગ (MRI) મશીન ભારતનું પ્રથમ સ્વદેશી MRI મશીન છે.
 
ભારત વર્ષોથી આરોગ્ય સેવાઓ અને સાધનો માટે અન્ય દેશો પર નિર્ભર હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિજિટલ ઇન્ડિયા પહેલના શુભારંભ પ્રસંગે તેમના સ્વપ્નના ભારતની પરિકલ્પના અંગે જણાવ્યું હતું કે, આવનારા સમયમાં ભારત આરોગ્ય સાધનો અને સેવાઓ માટે બીજા દેશો પર નિર્ભર નહિ રહે અને જરૂરી આરોગ્ય સાધનો અને મશીનોનું ભારતમાં જ નિર્માણ થશે.
 
ડિજિટલ ઇન્ડિયા પહેલ હેઠળ કેન્દ્ર સરકારના ઈલેક્ટ્રોનિક્સ વિભાગ હેઠળ કાર્યરત સ્વાયત્ત સંસ્થા SAMEER દ્વારા દેશનું પ્રથમ MRI મશીન વિકસાવવાના પ્રોજેક્ટને વર્ષ ૨૦૧૫માં મંજૂર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મેગ્નેટ, સ્વદેશી આર.એફ. કોઈલ વગેરેની સીસ્ટમ વિકસાવવામાં આવી. વર્ષ ૨૦૨૦માં પ્રથમવાર ફળ-શાકભાજી અને વર્ષ ૨૦૨૧માં પ્રાણીઓ ઉપર સફળ ટ્રાયલ કરવામાં આવ્યા હતા. SAMEER દ્વારા ઇન્ટર યુનિવર્સિટી એક્સલરેટર સેન્ટર, સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કોમ્પ્યુટીંગ અને મેડીકલ ઇમેજિંગ રીસર્ચ સેન્ટરના સહયોગથી વિકસાવવામાં આવેલા આ MRI મશીનને આગામી ૨ વર્ષમાં લોન્ચ કરવામાં આવશે.
 
અત્યારે દેશમાં MRI મશીનની આયાત કરવામાં આવે છે, જેની કિંમત અંદાજિત ૧૦ થી ૧૨ કરોડ રૂપિયા સુધીની હોય છે. મશીનની કિંમત વધારે હોવાથી MRI રીપોર્ટની કિંમત પણ ૫,૦૦૦ થી ૨૫,૦૦૦ રૂપિયા થતી હોય છે, જે એક સામાન્ય નાગરિક માટે ખૂબ જ વધારે છે. જેની સામે ભારતના આ સ્વદેશી MRI મશીનની કિંમત ૬૦ થી ૭૦ ટકાના ઘટાડા સાથે લગભગ ૩ થી ૪ કરોડ સુધીની જ રહેશે, જેથી MRI રીપોર્ટ કરાવવાના ભાવમાં પણ ઘટાડો થતા નાગરિકોના ખર્ચમાં ઘટાડો થશે તેમ SAMEERના પ્રતિનિધિ શિપ્રાસિંઘે જણાવ્યું હતું.
 
શિપ્રા સિંઘ કહે છે કે, કેન્દ્ર સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયના ફંડિંગથી વિકસિત આ સ્વદેશી MRI મશીન ઊર્જા અને નાણાનો બચાવ કરશે. આ ઉપરાંત તેની કિંમત અન્યની સરખામણીમાં ખૂબ જ ઓછી હોવાથી નાના શહેરોમાં પણ નવા MRI સ્કેનીંગ સેન્ટર શરૂ થશે, અને લોકો તેનો વધુમાં વધુ લાભ લઇ શકશે. તેમણે ઉમેર્યું હતું કે, આ સ્વદેશી MRI મશીન વડાપ્રધાનશ્રીના ‘આત્મનિર્ભર ભારત’ અને ‘વોકલ ફોર લોકલ’ના સૂત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરશે.
 
1.5 ટેસ્લા ટેકનોલોજી ધરાવતા સ્વદેશી MRI મશીનના નિર્માણથી દેશમાં આરોગ્ય ક્ષેત્રે એક નવી ક્રાંતિ સર્જાશે. આમ, વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં વર્ષ ૨૦૧૫થી શરુ થયેલી ‘ડિજિટલ ઇન્ડિયા’ પહેલે વેગ પકડ્યો છે અને દેશના અનેક ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. આવી વિવિધ ડિજિટલ પહેલો થકી લોકોની આરોગ્ય સેવાઓમાં વધારો થતા તેમના જીવન ધોરણ પણ ઊંચા આવશે.