ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 25 જાન્યુઆરી 2022 (13:26 IST)

ગુજરાતમાં 6 મહિનામાં સૌથી વધુ ઇલેક્ટ્રિક વાહનો સુરતમાં વેચાયા, તેમાં 1108 ટુ વ્હીલર

સરકાર તરફથી સબસિડી આપવાના કારણે ઇલેક્ટ્રિક વહનોના વેચાણમાં વધારો થયો છે. આરટીઓ દ્રારા ગત મહિનાના આંકડા અનુસાર રાજ્યમાં સૌથી વધુ ઇલેક્ટ્રિક વાહનો સુરતમાં વેચાયા છે. સુરતમાં ઓગસ્ટ 2021 થી 15 જાન્યુઆરી 2022 સુધીમાં કુલ 2627 ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ થયું છે. જેમાં કાર, ટુ વ્હીલર અને થ્રી વ્હીલરનો સમાવેશ થાય છે. અમદાવાદ 1100 ઈલેક્ટ્રીક વાહનોના વેચાણ સાથે બીજા નંબરે છે. જે બાદ રાજકોટમાં 460 અને વડોદરામાં 350 ઈલેક્ટ્રીક વાહનોનું વેચાણ થયું હતું.
 
ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે સરકાર ટુ વ્હીલર પર 20,000 અને કાર 1.50 લાખ રૂપિયા સુધીની સબસિડી આપી રહી છે. સબસિડીની ચૂકવણીક અરવામાં પણ સુરત આરટીઓ પ્રથમ ક્રમે છે. અત્યાર સુધીમાં તમામ સબસિડી અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે. જ્યારે સબસિડી બાકી હોય તેવા વાહનોનું ઓનલાઈન રજીસ્ટ્રેશન સરકારી પોર્ટલ પર થયું નથી. સુરત શહેરમાં ઈલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવા માટે ચાર ચાર્જિંગ પોઈન્ટ બનાવવામાં આવ્યા છે, જ્યારે 50 માટે મંજૂરી મળી ગઈ છે.
 
સુરત આરટીઓએ ઓગસ્ટ 2021 થી જાન્યુઆરી 15, 2022 સુધીમાં 2627 ઇલેક્ટ્રિક વાહનોની નોંધણી કરી છે. આ તમામ વાહનો સબસિડી માટે પાત્ર નથી. તેમાંથી આરટીઓએ 1132 વાહન માલિકોને 2 કરોડ 46 લાખ 16 હજાર રૂપિયાની સબસિડી આપી છે. વાહન માલિક અથવા વેપારીએ સબસિડીની પ્રક્રિયા પોતે કરવાની રહેશે.
 
1.5 લાખની કિંમતનું ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદવા પર માલિકો સબસિડી માટે પાત્ર બનશે. એ જ રીતે, સબસિડી માત્ર 5 લાખ રૂપિયા સુધીના થ્રી વ્હીલર અને 15 લાખ રૂપિયા સુધીના ફોર વ્હીલર પર જ મળશે. 15 લાખથી વધુની કિંમતના વાહનો સબસિડી માટે પાત્ર રહેશે નહીં. સબસિડી માટે ઓનલાઈન અરજી કરવી જરૂરી છે.
 
સુરતમાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં વધારો જોવા મળી રહ્યો છે. સરકારની માર્ગદર્શિકા અનુસાર વાહન માલિકોને નિયત સબસિડી આપવામાં આવી રહી છે. આ માટે દરરોજ આવતી અરજીઓ મંજૂર કરવામાં આવી રહી છે.