મનોરંજનને માણવાનો અને ટેન્શન ને આવજો કહેવાનો વખત આવી ગયો છે. જી હા, હસતા હસાવતા સંયુક્ત કુટુંબની ભાવનાને સાર્થક કરતાં, આનંદથી આંખોના ખૂણા ભીંજવી દે એવી ફિલ્મ, કોકોનટ મોશન પિક્ચર્સની ટીમ લઈને આવ્યા છે, જેનું નામ છે કહેવતલાલ પરિવાર. તમારા નજીકના સિનેમાઘર માં આવી ગઈ છે. જે એક ફુલ્લી ફેમિલી-કોમેડી-ડ્રામા ફિલ્મ છે. ખાસ તો ફિલ્મમાં પરિવારના દરેક સભ્ય માટે કંઈક સરપ્રાઈઝ છે.
કહેવતલાલ પરિવાર એ રાજુભાઇ ઠાકર (સિદ્ધાર્થ રાંદેરિયા) અને તેમના પરિવારની મનોરંજક કહાણી છે. રાજુભાઇ તેમના કૌટુંબિક મૂલ્યો અને જૂના જમાનાના પરંપરાગત વિચારોને માનનારા છે. તેમની પાસે દરેક ક્ષણ અને પ્રસંગને અનુરૂપ કહેવતોનો ભંડાર છે એમ કહેવામાં જરા પણ અતિશ્યોક્તિ નથી. તેમનો પુત્ર (ભવ્ય ગાંધી) આધુનિક અને સાંપ્રત સમયને અનુરૂપ બિઝનેસ આઇડિયા આપતો રહે છે તો પુત્રી (શ્રદ્ધા ડાંગર) પાસે રસપ્રદ રેસિપીનો ખજાનો છે, પણ રાજુભાઇ તેમને પ્રયોગ કરવા દેતા નથી. રાજુભાઇની આળસુ બહેન (વંદના પાઠક) પણ તેમની સાથે જ રહે છે. તેને મોબાઇલ ગેમ્સ અને સોશિયલ મીડિયામાં સમય પસાર કરતી રહે છે. તેમનો પિતરાઇ ભાઇ (સંજય ગોરડિયા) આધુનિક વિચારને અપનાવનારો છે અને બિઝનેસમાં છાશવારે રાજુભાઇને પડકારતો રહે છે. કોકોનટ મોશન પિક્ચર્સ દ્વારા તૈયાર થયેલી અને રમૂજથી હરીભરી ફિલ્મ કહેવતલાલ પરિવાર એક એવા ભેજાગેપ પરિવારની વાર્તા રજૂ કરે છે, જે અનેક મુશ્કેલીઓ અને મતભેદો છતાં એકતાંતણે બંધાયેલો છે.
ભારતમાં દર્શકોએ બહુ પસંદ કરેલી આ ફિલ્મ યુકેમાં ૧૩ મેના રોજ રિલિઝ થઇ રહી છે.