રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : સોમવાર, 3 એપ્રિલ 2017 (13:02 IST)

કોફી પુરુષો માટે ખરાબ, સ્ત્રીઓ માટે સારીઃ કોફીની અલગ-અલગ અસરો

કોફી-બ્રેક સામાન્ય રીતે આપણને  ઓફિસમાં  કામમાંથી થોડી વાર માટે હળવાશ અનુભવવાનું  અને મગજની બેટરી રીચાર્જ કરવાનું સૂચવે છે, પરંતુ પુરુષો માટે કદાચ કોફી સારા કરતાં ખરાબ અસર વધુ પેદા કરે છે. વિજ્ઞાનીઓ  કહે કે કોફીની અસર સ્ત્રીઓ અને પુરુષો પર જુદી જુદી પડે છે. પુરુષો માટે  ખરાબ સમાચાર છે કે કોફી પુરુષોને વધુ તાણયુક્ત બનાવે છે, તેમની કાર્યક્ષમતા ઘટાડે છે અને તાણ વચ્ચે કામ કરવાનું  તેમના માટે મુશ્કેલ બનાવે છે. બીજી તરફ સ્ત્રીઓ પર કોફીની કોઈ ખરાબ અસર નથી થતી  અને તેઓ કોફી પીધા પછી વધુ કાર્યક્ષમતા દેખાડે છે. બ્રિટનમાં  ગયા વર્ષે  ૬૩.૨ કરોડ પાઉન્ડ ખર્ચવામાં આવ્યા હતા અને પુરુષોએ રોજની  સરેરાશ ૧.૫ કપ  કોફી  પીધી હતી.

સ્ત્રીઓ અને પુરુષોને કોફી કઈ રીતે અસર કરે છે એ વિશેનો પ્રથમ  અભ્યાસ કરનાર ડોક્ટર લિન્ડસે સેન્ટ ક્લેર કહે છે, ''આ  અભ્યાસના તારણો એવું સ્પષ્ટ સૂચવે છે કે કોઈ મહત્ત્વની બેઠક પહેલાં કોફી પીવાનું પુરુષો માટે હિતકારક નથી.''

આ અભ્યાસમાં સો જેટલા સ્ત્રી-પુરુષો પર પ્રયોગ થયા હતા અને એ દરમિયાન તેમનાં વિડિયો શૂટિંગ પણ થયા હતાં. આ પ્રયોગમાં જાણવા મળ્યું હતું કે કોફી પીધા પછી પુરુષો શારીરિક રીતે વધુ તાણયુક્ત  જણાતા હતા અને એકથી વધુ લોકોની સામે બોલતી વખતે તેઓ  અસ્વસ્થતા અનુભવતા હતા, જ્યારે કોફી પીધા પછી સ્ત્રીઓ  વધુ  સ્વસ્થ જણાતી હતી. 

પ્રયોગમાં  ભાગ લેનાર લોકોની કમ્પ્યુટર ટેસ્ટ  પણ લેવામાં આવી હતી જેના દ્વારા તેઓ કેટલી સતર્કતા દાખવે છે એ નોંધી શકાય.

ડોક્ટર સેન્ટ ક્લેર કહે છે, ''પુરુષો પર કોફીની અસર ઘણી વધુ પડતી હોય એવું લાગે છે. સામાન્ય રીતે પુરુષો એમ માનતા હોય છે કે કોફી પીવાથી  તેમની સ્ફૂર્તિ  અને ચુસ્તી વધશે, પરંતુ એવું જ્યારે નથી બનતું ત્યારે તેઓ વધુ અસ્વસ્થ થઈ જાય છે. પ્રયોગમાં એવું જાણવા મળ્યું  કે કોફી પીધા પછી જ્યારે  કોઈ બાબતનું  પ્રેઝન્ટેશન કરવાનું હતું  ત્યારે પુરુષો  વધુ ચિંતિત બની ગયા હતા અને તેમની કાર્યક્ષમતા ઘટી હતી.''

આ પ્રયોગ કરનાર સંશોધકો  કહે છે, 'પુરુષો જ્યારે જૂથમાં કામ કરતા હોય છે ત્યારે કોફીની અવળી અસર ઘણી વધુ જણાય છે. કોફી પીધા પછી પુરુષો એકદમ સ્પર્ધાત્મક બની જાય છે અને તેઓ જાણે એકબીજા સાથે કામ કરવા તૈયાર જ નથી થતા. બીજી તરફ સ્ત્રીઓ જૂથમાં  રહીને કામ કરવાની  બાબતમાં હંમેશા તત્પર હોય છે, કોફી પીને કે કોફી પીધા વિના.'

જો કે ડોક્ટર સેન્ટ ક્લેર કબૂલે છે કે કોફી સ્ત્રી અને પુરુષને શા માટે અલગ અલગ રીતે અસર કરે છે એની પાછળનું  રહસ્ય જાણવા  માટે વધુ રિસર્ચની  જરૃર છે. આ સંશોધન કરનાર ટુકડીને એવું પણ જાણવા મળ્યું કે મોટી મીટીંગોમાં જ્યાં કોફી ફ્રીમાં આપવામાં આવતી હોય ત્યાં પુરુષો કોફી પીવા એકદમ તત્પર રહે છે અને એ માટે જો લાઈન લાગી હોય તો તેઓ ભાગ્યે જ કોઈને લાઈનમાં પોતાની આગળ  આવવા દે છે. તેઓ કોફી પીવાનો ચાન્સ જતો નથી કરતાં.

આવી ફ્રી કોફી માટેની લાઈન લાગી હોય ત્યારે પુરુષોએ ખરેખર તો પોતાનો ચાન્સ  જતો કરવો જોઈએ, કારણ કે કોફી તેમને ફાયદો કરતાં નુકસાન વધુ કરે છે.