ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 25 નવેમ્બર 2020 (18:46 IST)

શુ તમે વારેઘડીએ થતી શરદીથી પરેશાન છો તો કરો આ ઉપાય

શિયાળામાં શરદી સૌથી સામાન્ય બીમારી છે. 100 કરતા પણ વધુ એવા વાયરસ છે જે આના માટે જવાબદાર હોઇ શકે છે અને તે બહુ સરળતાથી ફેલાય છે. માટે શરદી ફેલાવનારા વાયરસોના ઇન્ફેક્શનથી બચવું ઘણું અઘરું થઇ પડે છે. શરીરમાં પહોંચ્યા બાદ વાયરસની સંખ્યા વધવાની શરૂ થઇ જાય છે અને તેના લક્ષણો દેખાવાના શરૂ થાય છે. ગળામાં ખીચ-ખીચ, છીંકો અને નાક વહેવું, આંખોમાંથી પાણી નીકળવું, પીઠની પીડા અને ખાંસી, શ્વાસ લેવામાં મુશ્કેલી કે સામાન્ય તાવ આવવા જેવા અનેક લક્ષણો સામે આવે છે.

સામાન્યપણે કહેવામાં આવે છે કે શરદી ત્રણેક દિવસની બીમારી છે. પણ ડૉક્ટરોનું માનીએ તો આના વાયરસની ઉંમર આખા એક અઠવાડિયાની એટલે કે 7 દિવસોની હોય છે. સામાન્ય રીતે તે કોઇ દવા-ઔષધિથી નથી મરતા. ઔષધિઓ માત્ર લક્ષણોને સાજા કરવા માટે આપવામાં આવે છે. કહેવાય છે કે દવા ખાશો તો પણ શરદી સાત દિવસમાં મટી જશે અને નહીં ખાવ તો પણ એક અઠવાડિયામાં મટી જશે. 

ડૉક્ટરોનું માનીએ તો શરદી થાય ત્યારે અનાવશ્યક શ્રમ ન કરવો જોઇએ. નિયમિત કામ કરી શકો છો પણ આ દરમિયાન ધૂળ અને ધુમાડાથી બચવું જોઇએ નહીં તો તબિયત બગડી શકે છે. પુષ્કળ આરામની સાથે પૂરતી માત્રામાં પ્રવાહી પદાર્થ લેવા જોઇએ, ખાસકરીને ફળોના રસ અચૂક લો. શરદીને કારણે પાચનતંત્ર પણ નિષ્ક્રિય થઇ જાય છે માટે સામાન્ય અને સુપાચ્ય ભોજન થોડી-થોડી માત્રામાં લેતા રહેવું જોઇએ. કફ સીરપથી રાહત મળી શકે છે. પણ આનાથી શરદી સામે કોઇ બચાવ કે રાહત નથી મળતી ન તો શરદી જલ્દી મટે છે.

શરદી-તાવથી બચવા માટેની કોઈ રસી નથી. હા, તમે થોડા ઉપાયો ચોક્કસ કરી શકો છો. તમારા આહારમાં ધ્યાન આપો, દરરોજ એવો આહાર લો જેમાં તમામ જરૂરી પોષક તત્વો રહેલા હોય, પૂરતી ઊંઘ લો અને વ્યાયામ પણ કરો. આનાથી રોગપ્રતિકારક ક્ષમતા વધશે. વૃદ્ધોએ હીટર સામે ન બેસવું, કારણ કે આનાથી ત્વચા શુષ્ક થઇને ફાટી શકે છે અને ત્વચામાં પડેલી તિરાડો દ્વારા ઇન્ફેક્શન શરીરમાં ફેલાઇ શકે છે.