લવ ટિપ્સ : પતિ-પત્નીના સંબંધોમાં તાજગી લાવવાની ટિપ્સ
જ્યારે તમને એવું લાગે કે તમારા અને તમારા સાથી વચ્ચે પહેલા જેવા સંબંધ નથી રહ્યાં અને તમે બસ કોઇપણ ભોગે આ સંબંધ ચલાવી રહ્યાં છો તો તમારા સંબંધમાં તાજગી લાવવાની કોશિશ કરો. ઘણીવાર એવું થાય છે કે તમે એકબીજાને પ્રેમ તો ઘણો કરતા હોવ છો પણ સમયની કમીને લીધે કે અન્ય કોણ કારણસર તમે જણાવી કે જતાવી નથી શકતા. આવામાં તમારા સંબંધને ફરીથી પહેલા જેવો બનાવવાની કોશિશ કરો અને એ બધું કરો જે તમારા સાથી ને પસંદ હોય. આમ કરવાથી તમે તેની વધુ નજીક આવશો.
તમારા સંબંધમાં તાજગી લાવવા આ માર્ગ અપનાવી શકો છો...મળીને મનાવો જન્મદિવસ - તમારા સાથીનો જન્મદિવસ ક્યારેય ન ભૂલશો. યાદ રાખો, સંબંધીઓ કે મિત્રો પહેલા તમે તેને ફોન કરીને વિશ કરો. તેના માટે એક સરપ્રાઇઝ ગિફ્ટ અવશ્ય લો. આ તમારા માટે એક સારો મોકો છે તેને તમારી નજીક લાવવાનો. તમારા સાથીને તેના જન્મદિને એ અહેસાસ કરાવો કે તે કેટલો ખાસ છે. આ વખતનો જન્મદિન કંઇક એ રીતે મનાવો કે આ દિવસ તમારા બંનેમાંથી કોઇ ન ભૂલી શકે. પરેશાનીનું નિકારકણ લાવો - જો તમારા સાથીને કોઇ વાત અંદરથી હેરાન કરી રહી છે તો તેના ચહેરાના હાવભાવને ઓળખો અને તેને પ્રેમથી તેની સમસ્યા વિષે પૂછી સાથે રહીને તેનું નિરાકરણ લાવો. પ્રેમ હંમેશા યથાવત રહે છે, માત્ર જરૂર છે તેને જતાવવાની અને તેને એ અહેસાસ કરાવવાની કે તમે તેની દરેક વાત વગર કીધે સમજી જાઓ છો. આનાથી તમારા સંબંધમાં નવીનતાનો સંચાર થશે.
સફળતાની ઉજવણી કરો - તમારા સાથીની સફળતાની ઉજવણી કરો. ઓફિસમાં તેને મળનારા પ્રમોશન કે પછી અન્ય કોઇ સફળતાની સાથે રહીને ઉજવણી કરો. તે ઘરે આવે ત્યારે તેનું મનપસંદ ભોજન બનાવી કે તેને બહાર પાર્ટીમાં લઇ જઇ સરપ્રાઇઝ આપો. તેને એ અહેસાસ કરાવો કે તમે તેના માટે અને તે તમારા માટે એટલો જ ખાસ છે જેટલા પહેલા હતા.
પ્રેમ વ્યક્ત કરવાનું ભૂલશો નહીં - તમારા સંબંધમાં તાજગી જાળવી રાખવા માટે તેને 'આઇ લવ યુ' કહેવાનું ન ભૂલશો. સંબંધમાં તાજગી લાવવામાં આ શબ્દો બહુ મહત્વનો ભાગ ભજવે છે.
એકાંતમાં સમય ગાળો - તેને પરિવાર અને મિત્રોથી અલગ પણ થોડો સમય આપવાનો પ્રયાસ કરો. શક્ય છે કે ઘણીવાર ઓફિસ અને પરિવારની જવાબદારીની વચ્ચે બંનેને એકાંતમાં સમય ન મળી શકતો હોય. આવામાં તેને બહાર લઇ જાઓ અને તેની સાથે ક્વોલિટી સમય ગાળો.