વાંઢાની પત્નીઝંખના-1

N.D
જન્મકુંડળી લઈ જોશીને,પ્રશ્ન પૂછવા જાઉ;
જોશી જૂઠી અવધો કહે પણ, હું હઈએ હરખાઉ, 1

મશ્કરીમાં પણ જો કોઈ મારી, કરે વિવાની વાત;
હું તો સાચેસાચી માનું, થાઉ રૂદે રળિયાત, 2

અરે પ્રભુ તેં અગણિત નારી અવની પર ઉપજાવી;
પણ મુજ અરથે એક જ ઘડતાં, આળસ તુજને આવી, 3

ઢેઢ ચમાર ગમાર ઘણા પણ, પરણેલા ઘરબારી;
એ કરતાં પણ અભાગીયો હું, નહિ મારે ઘેર નારી, 4

રોજ રસોઈ કરીને પીરસે, મુખે બોલતી મીઠું;
મેં તો જન્મ ધરી એવું સુખ, સ્વપ્નમાં નહિ દીઠું, 5

મુખના મરકલડાં કરિ કરિને, જુએ પતિના સામુ;
દેખી મારૂં દિલ દાઝે ને, પસ્તાવો બહુ પામું, 6

વરકન્યા ચોરીમાં બેઠાં, એક બીજાને જમાડે;
અરે પ્રભુ એવું સુખ ઉત્તમ, દેખીશ હું કે દહાડે, 7

ચૌટેથી ચિતમાં હરખાતો, ચાલ્યો ચાલ્યો આવે;
બાળક કાલું કાલું બોલી, બાપા કહિ બોલાવે, 8

પુત્ર પુત્રીને પરણાવે, વ્રત ઉદ્યાપન વેળા;
હોમ કરે જોડે બેસીને, ભાળે જન થઈ ભેળા, 9

અરે એવા પુરુષોએ મોટાં, પુણ્ય કર્યા હશે કેવા;
મેં શાં મોટાં પાપ કર્યા હશે, મળ્યા નહી સુખ એવાં, 10

મૂરખ જેવાનાં મંદિરમાં, નિરખી બે બે નારી;
અરે વિધાત્રી અભાગણી, આતે શી બુધ્ધિ તારી, 11

અહો મિત્ર મારા સંકટની, શી કહું વાતો ઝાઝી;
વિશ્વ વિષે પુરુષોના વૈભવ, દેખી મરૂ છું દાઝી. 12

દલપતરામ|


આ પણ વાંચો :