શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી સાહિત્ય
  4. »
  5. ગુજરાતી કાવ્ય
Written By વેબ દુનિયા|

નદીને સિન્ધુનું નિમંત્રણ

સુરસિંહજી તખ્તસિંહજી ગોહેલ - કલાપી

P.R

ઘૂ ઘૂ ઘૂ ઘૂ ગિરિ ઉપરથી ઘૂઘવી આવતી'તી
મારે માટે હૃદય દ્રવતું ભેટવા લાવતી'તી
સર્પાકારે વહેતી વનમાં ગીત ગાતી હતી તું :
મારી છાયા સમજી નભને ઉરમાં ધારતી તું ! 1


દીઠા મારા અવર નદીથી હસ્તને ખેલતા શું ?
દીઠી મારી ચડતીપડતી પ્રેમમાં તે અરે શું ?
દીઠી છાપો દિલ પર પડી સર્વ ભૂંસાઈ જાતી ?
શું દીઠું કે ત્યજી દઈ મને રેતમાં તું સમાઈ ? 2

મારા હસ્તો જરૂર નદીઓ અન્યથી ખેલનારા,
ખેચાંતુ જે મુજ તરફ ત્યાં દિલ ખેંચાઈ જાતુ;
તુંયે વ્હાલે ગિરિ પર થઈ આવતી તે ભૂલી શું ?
ભૂલી કાંઈ રજ મધુ પિતા પાસેથી લાવી તે શુ ? 3

રે ! વેળાની ચડતીપડતી કાંઈ પ્રેમેય થાતી,
કંપે છે આ, સ્થિર નવ રહે સર્વ બ્રહ્માંડ, વ્હાલી !
વીણાતારો સ્વર શરૂ કરી અંત્ય વિરામ પામે,
કંપે પાછા નિપુણ કરનો કંપે સ્પર્શ થાતાં 4

રે ! ભૂંસાતી દિલ પર પડી છાપ એ કંપસ્પર્શે,
ભૂંસી દેવું, ફરી ચિતરવું, એજ છે ચિત્ર આંહી !
ઓહો ! આવા નીરસ રસમાં વિશ્વને તું વહેતાં
તારું મારું જીવિત સરખાં, પ્રેમ કાં સંભવે ના ? 5

મારી થા તું ફરી ઉછળીને રેતનાં એ પડોથી
ના છાજે આ સલિલ મધુરું ધૂળમાં રોળવાનું;
હું સંયોગે કટુ થઈશ તું, તોય હું નાથ તારો,
રે રે વ્હાલી ! નવ મળી શકે ઐક્ય કો અન્ય સ્થાને. 6