શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 24 ડિસેમ્બર 2016 (13:32 IST)

ગુજરાત વિદ્યાસભા' પાસે ગુજરાતી ભાષાની સૌથી પ્રાચીન હસ્તપ્રત છે !

અંગ્રેજ કાળમાં ભારતમાં સ્થપાયેલી 'ગુજરાત વર્નાક્યુલર સોસાયટી' ગુજરાતી ભાષાનું સંવર્ધન કરતી સૌથી જૂની સંસ્થા છે. સાથે સાથે ભારતમાં પ્રાદેશિક ભાષાઓ માટે સ્થપાયેલી સૌથી જૂની સંસ્થાઓમાં પણ વર્નાક્યુલર સોસાયટીની ગણતરી થાય છે. અંગ્રેજ અધિકારી એલેક્ઝાન્ડર કિન્લોક ફાર્બસે ગુજરાતી કવિ દલપતરામ સાથે મળીને સ્થાપેલી સંસ્થા હવે 'ગુજરાત વિદ્યાસભા' તરીકે ઓળખાય છે. ગુજરાતી ભાષાની સૌથી જૂની હસ્તપ્રત વિદ્યાસભા અંતર્ગત આવેલા ભોળાનાથ 'જેસિંગભાઈ અધ્યયનકેન્દ્ર (ભો.જે.ભવન)' પાસે સચવાયેલી છે.અહીં કુલ ૧૫ હજારથી વધારે સંસ્કૃત-પ્રાકૃત, ગુજરાતી-દેવનાગીરી સહિતની ભાષા-લિપીની હસ્તપ્રતો સંગ્રહાયેલી છે. મોટે ભાગે સંશોધકો તેનો ઉપયોગ કરે છે. વળી ૧૯મી સદી કે એ પહેલાના ગુજરાત કે પશ્ચિમ ભારતના કોઈ પણ પાસાંનો અભ્યાસ કરવો હોય તો આ હસ્તપ્રતો કે અહીં સચવાયેલા દસ્તાવેજો તપાસવા પડે. માટે વિદેશની અનેક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અહીં નિયમિત રીતે સંશોધનાર્થે આવતાં રહે છે.ગુજરાતની કોઈ પણ ભાષાની સૌથી પ્રાચીન હસ્તપ્રતો અહીં છે. એમાં પણ ઈસવીસન ૧૫૪૬માં કવિ ભીમ દ્વારા લખાયેલી 'પ્રબોધપ્રકાશ' નામની હસ્તપ્રત ગુજરાતીમાં લખાયેલી સૌથી જૂની હસ્તપ્રત છે. આ રચનાને આજે ૪૭૦ વર્ષ થયા. આ હસ્તપ્રતમાં એ જમાનાના રિવાજ પ્રમાણે ધાર્મિક અને આત્મબોધ અંગેનું લખાણ છે. પરંતુ આજેય તેના અક્ષરો એકદમ સ્પષ્ટ અને સુવાચ્ય દેખાય છે. અલબત્ત, એ જૂની ગુજરાતી-સંસ્કૃતમાં લખાયેલા દસ્તાવેજો હોવાથી હોવાથી સૌ કોઈ તેને ઉકેલી ન શકે.ગુજરાતી ભાષાનું પ્રથમ સામયિક 'બુદ્ધિપ્રકાશ' આ સંસ્થાએ શરૃ કર્યું હતું અને સદ્ભાગ્યે એ આજે પણ ચાલે છે. ભારતમાં સૌથી જૂના અને આજે પણ ચાલુ હોય એવા સામયિકોમાં તેની ગણતરી થાય છે. ૨૬ ડિસેમ્બરે ગુજરાત વિદ્યાસભા ૧૬૮ વર્ષ પૂરાં કરીને એકસો ઓગણસિત્તેરમાં વર્ષમાં પ્રવેશ કરશે.