Last Modified: મંગળવાર, 27 ડિસેમ્બર 2016 (13:55 IST)
પ્રજાને સ્વચ્છ પાણીના સાંસા છે ત્યારે વાઈબ્રન્ટમાં ૧૫ લાખનું મિનરલ વોટર પીવાશે
ગુજરાતના કેટલાંય ગામડાઓ એવા છેકે, જયાં લોકોને સ્વચ્છ પીવાનું પાણી લેવા કિમી સુધી ચાલીને જવું પડે છે. આજે પણ ઘણાં ગામડાઓમાં એવા છે કે, જેમને બોરવેલ,નહેર,ડંકીનુ પાણી પીવુ પડે છે, કેટલાંય ગામડાઓમાં ટીડીસીએસનું પ્રમાણ વધુ હોય તેવુ પાણી જે કિડની-હાથ-પગના સાંધાના રોગો માટે જવાબદાર હોય તેવુ પાણી પીવા લોકો મજબૂર છે.બીજી તરફ, આગામી જાન્યુઆરીમાં પાટનગર ગાંધીનગરમાં યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૧૭માં મહેમાનો-આમંત્રિતો,રાજકીય નેતાઓ માટે દોઢેક લાખ મિનરલ વોટરની બોટલોનો ઓર્ડર આપવા નક્કી કરવામાં આવ્યું છે. વાયબ્રન્ટ ગુજરાતમાં અંદાજે રૃા.૧૫ લાખનું તો મિનરલ વોટર પીવાશે .સૂત્રોના મતે, વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ૧૨ કન્ટ્રી પાર્ટનર દેશોમાંથી ૨૦ હજારથી વધુ ડેલિગેટસ-આમંત્રિતો ભાગ લેશે તેવો ગુજરાત સરકારે દાવો કર્યો છે. જોકે, હજુય ઘણાં ઓછા આમંત્રિતોના કન્ફર્મેશન મળી શક્યા છે. વિદેશી મહેમાનો, આમંત્રિતો,રાજકીય નેતાઓ માટે ખાસ પ્રકારનું મિનરલ વોટર મંગાવાયું છે તેનો કોન્ટ્રાક્ટ આપવા ટેન્ડર પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે.મિનરલ વોટર માટે પણ એવી શરતો મૂકવામાં આવી છેકે, પાણી કાર્બન ફિલ્ટ્રેશન, કોમ્બિનેશન ફિલ્ટ્રેશન, કાર્ટિઝ ફિલ્ટ્રેશન,એક્ટિવેટેડ ફિલ્ટ્રેશન ,ડિકેન્ટેશન જેવી પ્રક્રિયામાંથી પસાર થયેલું સ્વચ્છ હોવુ જોઇએ. આ મિનરલ પાણી ફુડ એન્ડ સેફ્ટી સ્ટાન્ડર્ડના તમામ ધોરણો અનુસાર હોવુ જરૃરી છે. કોલીફોર્ડ બેક્ટેરિયા જેવા કિટાણુરહિત પાણી હોવુ જોઇએ. મિનરલ વોટર માઇક્રોબાયલ કાઉન્ટના પણ ધોરણો મુજબ હોવુ જોઇએ. FSSSI - ISO - 1001 ના ધોરણો મુજબ મિનરલ પાણીની ગુણવત્તા હોવી જોઇએ.સૂત્રોનું કહેવું છેકે, વાયબ્રન્ટ ગુજરાતમાં ૨૦૦ એમએલ, ૫૦૦ એમએલની કુલ ૧,૫૦ લાખ મિનરલ વોટરની બોટલોનો ઓર્ડર આપવામાં આવશે. આમ, ગુણવત્તા સાથેનું મિનરલ વોટર પાછળ લાખો રૃપિયા ખર્ચવામાં આવશે.