સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By દેવાંગ મેવાડા|

મગર જોવા પ્રાણી સંગ્રહાલયમાં કેમ જવું ??

વિશ્વામીત્રી નદીમાં સેંકડો મગરો વસવાટ કરે છે

PRP.R

સંસ્કારી નગરી વડોદરાના લોકોને હવે મગર જોવા માટે પ્રાણી સંગ્રહાલયમાં જવાની જરૂર નથી કારણ કે, વિશ્વામીત્રી નદીના કોઈ પણ પુલ ઉપર થોડી જ ક્ષણો ઉભા રહે તો તેઓને એકાદ બે મગરો અવશ્ય જોવા મળશે.

આશ્ચર્ય પમાડે તેવી બાબત એ છે કે, વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામીત્રી નદીમાં 100થી વધુ મગરો વસવાટ કરી રહ્યા છે. જેથી માણસ અને મગર નજીક-નજીક રહેતા હોય તેવુ કદાચ ભારત દેશમાં માત્ર વડોદરામાં જ બન્યુ છે.
PRP.R

આ અંગે માહિતી આપતાં પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થાના સ્નેહલબહેન ભટ્ટે જણાવ્યુ હતુ કે, શહેરના એક છેડે આવેલા વેમાલીથી બીજા છેડે આવેલા તલસઠ વચ્ચે વહેતી વિશ્વામીત્રી નદીમાં સેંકડોની સંખ્યામાં મગરો રહે છે. આ મગરો આજવા સરોવરમાંથી વિશ્વામીત્રીમાં પ્રવેશી રહ્યા છે. શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામીત્રીમાં માછલીઓ, પક્ષીઓ તથા અન્ય રખડતાં પશુઓનો શિકાર કરી મગરો આસાનીથી ભોજન મેળવી લે છે અને તેના કારણે મગરો માટે વિશ્વામીત્રી નદી આદર્શ આશ્રય સ્થાન બની ગઈ છે.
PRP.R

વિશ્વામીત્રીના કોતરોમાં મગરના ઈંડા
શહેરની વચ્ચેથી નીકળતી વિશ્વામીત્રીના કેટલાક કોતરોમાં માદા મગરો ઈંડા આપી રહી છે. જોકે, ઈંડામાંથી નીકળતાં તમામ બચ્ચા કુદરતીક્રમ મુજબ જીવીત બચતા નથી. તેમ છતાંય દરવર્ષે વિશ્વામીત્રીમાં મગરોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તે વાત નકારી શકાતી નથી તેવુ તેમણે વધુમાં કહ્યુ હતુ.

રોજીંદા રેસ્ક્યુ ઓપરેશનોથી લોકો ટેવાયાં
નદીમાં વસતા મગરો ક્યારેક માણસોના વસવાટ સુધી આવી પહોંચે છે અને તેના કારણે પ્રાણીઓ માટે કામ કરતી સંસ્થાઓ તથા વન વિભાગને આ બાબતની જાણ કરવામાં આવે છે. માણસથી મગરને તથા મગરને માણસથી કોઈ નુકસાન ન પહોંચે તે હેતૂસર કેટલીક સામાજીક સંસ્થાઓ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને જળચર પ્રાણીઓને પકડીને સલામત સ્થળે ખસેડે છે. આ પ્રકારની ઘટનાઓ હવે વડોદરા માટે રોજીંદી બની ગઈ છે અને લોકો પણ તેનાથી ટેવાઈ ગયા હોય તેમ જણાય છે.
PRP.R

ઈંડાના રક્ષણ માટે માદા મગર કટીબદ્ધ
માનવજાતી સાથે આટલા નજીક રહેવા છતાંય મગરોથી માણસને નુકસાન પહોંચ્યુ હોય તેવી ઘટના જવલ્લે જ બનતી હોય છે. સ્નેહલબહેને જણાવ્યુ હતુ કે, મગરથી માણસને ઈજા પહોંચી હોય અથવા કોઈના પ્રાણ ગયા હોય તેવી એકાદ-બે ઘટનાને બાદ કરતાં કોઈ મોટો બનાવ પ્રકાશમાં આવ્યો નથી. અલબત્ત, માદા મગરે ઈંડા મુક્યા હોય તેવા સ્થાને કોઈ વ્યક્તિ અજાણતાથી પહોંચી જાય તેવા સંજોગોમાં પોતાના ઈંડાના રક્ષણ માટે માદા મગર કોઈની ઉપર હુમલો કરે તે સ્વાભાવીક છે.

વૈજ્ઞાનિક ઢબે મગરોની ગણતરી
પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થા દ્વારા પાછલા વર્ષો દરમિયાન વિશ્વામીત્રી નદીની આસપાસથી કુલ 269 મગરો રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. આ તમામ મગરોની ગણતરી વૈજ્ઞાનીક પદ્ધતીથી કરવામાં આવી રહી છે. સ્નેહલબહેન ભટ્ટે જણાવ્યુ હતુ કે, મગરો પકડ્યાં બાદ તેઓની ઉપર ટેગ લગાડવામાં આવે છે અને ત્યારપછી તેને સલામત સ્થળે છોડવામાં આવે છે. ક્યારેક એવુ બને છે કે, આજવા સરોવરમાં છોડાયેલો મગર થોડા દિવસો બાદ ફરી એકવાર વિશ્વામીત્રી નદીમાં આવી પહોંચે છે અને માત્ર ટેગના કારણે તે ઓળખાય છે.

''200 મિલીયન વર્ષોથી પૃથ્વી પર મગરની અસ્તિત્વ છે. કાળક્રમે ડાયનાસોર લુપ્ત થઈ ગયા પરંતુ મગરે પોતાની જાતને પરિસ્થીતીને અનુરૂપ ઢાળવાનુ શીખી લીધુ હતુ. તેવી જ રીતે વિશ્વામીત્રી નદીમાં વસવાટ કરતાં મગરોએ પણ જાણે માનવજાતીની બીલકુલ નજીક રહેવાનુ શીખી લીધુ છે''

(તસવીરો- રાભાવસાર)