રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 22 ઑગસ્ટ 2016 (16:28 IST)

વિજયભાઇ રૂપાણીનો પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને અંજલિ અર્પતો ભાવસભર શોક પ્રસ્તાવ

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત વિધાનસભા ગૃહના નેતા તરીકે ૧૩મી વિધાનસભાના નવમા સત્રના પ્રથમ દિવસે શોકદર્શક પ્રસ્તાવમાં વિશ્વવંદનીય પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના બ્રહ્મલીન થવા અંગે શોક પ્રગટ કરતો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેમણે ગૃહના નેતા તરીકેની પોતાની પ્રથમ બેઠકમાં આ શોકદર્શક પ્રસ્તાવ રજૂ કરીને વિશેષ વ્યકિતત્વને શ્રધ્ધાંજલિ પાઠવવાની ગૌરવમય પરંપરામાં નવું પ્રકરણ ઉમેર્યુ હતું.

તેમણે પોતાના શોક પ્રસ્તાવમાં કહ્યું હતું કે ‘‘આજે ગૃહના નેતા તરીકેની વિધાનગૃહની મારી સૌપ્રથમ બેઠકમાં એક અત્યંત દુઃખદાયક શોક પ્રસ્તાવ લઇને હું ઉપસ્થિત થયો છું.  જેમનું નામ સાંભળીને રોમેરોમમાં ચેતના પ્રગટે, નિરાશામાં આશા જાગે, તિમીર અંધકારમાં સૂર્યનો ઊજાસ ફેલાય તેવા વ્યકિતત્વ અને સમાજની સમજ વધારનારા શાંતિના સાચા વિશ્વદૂત પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ ૧૩ ઓગષ્ટ-ર૦૧૬ના રોજ ૯પ વર્ષેની વયે અક્ષરવાસી થયા છે. સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિની ગંગાને પ્રવાહિત કરનારા ગૌરવમૂર્તિ સંત વિભૂતિ એવા અભિનવ ભગીરથ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનો જન્મ તારીખ ૭મી ડિસેમ્બર, ૧૯૨૧ના રોજ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચાણસદ ગામે થયો હતો. તેમનું જન્મનું નામ શાંતિલાલ હતું. ૧૮ વર્ષની કિશોર વયે સન ૧૯૩૯માં ભક્તરાજ શાંતિલાલને બ્રહ્મસ્વરુપ શાસ્ત્રીજી મહારાજે પાર્ષદની દીક્ષા આપી હતી અને સન ૧૯૪૦માં ગોંડલ ખાતે ભાગવતી દીક્ષા આપીને તેમનું નામ નારાયણસ્વરૂપદાસ સ્વામી રખાયું હતું.
    કચ્છમાં ભૂકંપ અસરગ્રસ્ત ૧પ ગામો-વસાહતો અને 49 શાળાઓ દત્તક લઇને તેનું પુનઃનિર્માણ કર્યું. 409 ગામો અને 50 શહેરી વિસ્તારોમાં હજારો ટન રાહત સામગ્રીનું વિતરણ કર્યું. સમગ્ર વિશ્વ માટે આધ્યાત્મ, ધર્મ, સ્વાસ્થ્ય અને શિક્ષણની સંસ્થાઓની સ્થાપના, સંવર્ધન અને તેના પ્રસાર થકી માનવ મૂલ્યોના ઘડતરમાં પ્રદાન કરનાર પૂજ્ય પ્રમુખ સ્વામીએ યુનોની ધર્મ સંસદમાં ગુજરાતી ભાષામાં સૈા પ્રથમ પ્રવચન કરી ગુજરાતી ભાષાને ગૈારવ અપાવ્યું હતું. સૈામ્ય પ્રકૃતિ, વિનમ્ર વર્તાવ, દૂરંદેશિતા, મૃદુ સ્વભાવ, બાળસહજ અહમશૂન્યતા જેવા અનેક ગુણો ધરાવતા પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે અસંખ્ય લોકોમાં સદ્દવિચારનું સિંચન કર્યુ હતું. ‘‘બીજાના ભલામાં જ આપણું ભલું છે, બધાના જીવમાં ભગવાન છે‘‘ તેવું માનતા પૂજ્ય પ્રમુખ સ્વામી એક વિરલ વિભૂતિ હતા. માનવજાતને પોતાનું સર્વસ્વ આપનાર પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ માનતા હતા કે બીજાને આગળ કરીને આગળ આવી શકાય.

વિજયભાઇ રૂપાણીએ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને દેશ-વિદેશના મહાનુભાવોએ જે ભાવસભર શ્રધ્ધાંજલિ આપી તેનો ઉલ્લેખ કરતા મહાનુભાવોની શ્રધ્ધાંજલીને પણ નીચે મુજબ યાદ કરી હતી. આધ્યાત્મિક મૂલ્યોના નિતાંત પ્રેરણામૂર્તિ પ્રમુખસ્વામી મહારાજના સ્વધામગમને મારી હાર્દિક શ્રદ્ધાંજલિ.
- રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખરજી
નમ્રતા અને કરુણાની મૂર્તિ સમાન પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ માનવોમાં સમર્થ મહાપુરુષ હતા. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ મારા માટે એક મેન્ટર(અનુભવી માર્ગદર્શક) હતા. સમાજની તેમણે કરેલી સેવાઓ સદાય અવિસ્મરણીય રહેશે. તેઓ સાથેના મારા વાર્તાલાપો હું ક્યારેય ભૂલી નહીં શકું. તેઓની ઉપસ્થિતિની ખોટ મને સાલશે.
- પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી
વૈદિક સ્થાપત્યકળાના સિદ્ધાંતો અને પરંપરાને અનુસરીને અક્ષરધામ નિર્માણકાર્ય માટેના મંત્રમુગ્ધ કરી દેનારા પુરુષાર્થથી હું વિશેષ પ્રભાવિત થયો હતો. તેઓની પ્રેરણાથી તેઓના જીવનમંત્ર બીજાના સુખમાં આપણું સુખનું પાલન કરતા મૂલ્યનિષ્ઠ અને પવિત્ર જીવન જીવતો સમાજ આંદોલિત થયો છે. 
- બ્રિટિશ રાજવી પ્રિન્સ ચાર્લ્સ
પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે પોતાના જીવનસૂત્ર - 'બીજાના ભલામાં જ આપણું ભલું છે,' દ્વારા લાખો લોકોનાં જીવનને પ્રેરિત કર્યું છે. આવનારી અનેક સદીઓ સુધી તેમણે આપેલી નિઃસ્વાર્થ સેવાઓની પરંપરા માનવજાતને લાભ આપતી રહેશે.'
- બ્રિટિશ વડાપ્રધાન શ્રી થેરેસા મે
તેઓના શાણપણ અને માનવજાત માટેની આર્ષદૃષ્ટિ બદલ આપણે તેમને હંમેશાં યાદ કરીશું.
- ખલીફા બીનસલમાન અલ ખલીફા
પ્રાઈમ મિનિસ્ટર, બહેરીન

તેમની સાથેના મારા સંવાદ દરમ્યાન મેં અનુભવ્યું હતું કે પ્રમુખસ્વામી મહારાજ એક અત્યંત પ્રભાવશાળી મહાપુરુષ હોવા છતાં, એક ખૂબ જ ઉદાત્ત અને સંવેદનશીલ વ્યક્તિ હતા. તેઓ સાચા અર્થમાં લાખો લોકો માટે એક પ્રેરણાની મૂર્તિ સમાન હતા. તેમણે જે અજોડ મંદિરો રચ્યાં છે તે માટે તેઓ હંમેશાં યાદ રહેશે.
- શ્રી માઈકલ વ્હિટી
એડિટર,  ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડસ
    મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર સભાગૃહ વતી પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના અક્ષરવાસી થવા અંગે ઊંડા શોકની લાગણી વ્યકત કરી દિલસોજી પાઠવી હતી.