અડવાણીને હવે ગુજરાતમાંથી જ રાજયસભામાં મોકલવાની તૈયારી

નિવૃત્ત નહીં પણ પ્રવૃત્ત

વેબ દુનિયા| Last Modified સોમવાર, 20 જાન્યુઆરી 2014 (12:35 IST)

P.R
ગુજરાતની ગાંધીનગર પરથી છેલ્લા પાંચ ટર્મથી પણ વધારે વખતથી સંસદમાં ચૂંટાતા એલ.કે.અડવાણીને હવે આ બેઠક ખાલી કરાવવાની કવાયતના ભાગરૂપે ગુજરાતમાંથી જ રાજયસભામાં મોકલવાની ભાજપે તૈયારી કરી હોવાના નિર્દેશો મળી રહ્યા છે.

ગુજરાતમાંથી રાજ્યસભામાં ગયેલા ભાજપના ત્રણ સાંસદો પરશોત્તમ રૂપાલા, નટુજી ઠાકોર અને ભરતસિંહ પરમારની ટર્મ પૂરી થઈ રહી છે અને આગામી તા. ૭મી ફેબ્રુઆરીએ ચુંટણી યોજાવાની છે, ત્યારે ભાજપે નવા ત્રણ મૂરતિયા શોધવાની કવાયત હાથ ધરી છે જેમાં ગુજરાતના મુખ્યપ્રધાન અને વડા પ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદી ઈચ્છે તેને જ ટિકિટ મળશે પરંતુ મુખ્યપ્રધાનના રાજકીય ગુરુ એવા એલ. કે. અડવાણીને ટિકિટ આપીને રાજયસભાના સાંસદ બનાવવા માટે અડવાણીને સમજાવવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. જ્યારે અન્ય બે બેઠકોમાંથી એક બેઠક હાઈકમાન્ડ કહે તેને ટિકિટ અપાશે જ્યારે એક બેઠક પર ઉત્તર ગુજરાતમાંથી કોઈ પટેલ યુવાન ઉમેદવારને નક્કી કરવામાં આવે તેવી શક્યતા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
ભાજપના વિશ્ર્વાસપાત્ર સૂત્રોના જણાવ્યા અનુસાર એલ.કે.અડવાણીને પરાણે રિટાયર્ડ કરવાની કવાયતો વચ્ચે જ એકાદ મહિના પહેલા સંઘ સુપ્રીમો મોહન ભાગવતની ઉપસ્થિતિમાં જ યોજાયેલા એક કાર્યક્રમમાં તેમને નિવૃત્ત નહીં પણ પ્રવૃત્ત રહેવાનું ઉત્તેજન મળતા જ તેમણે પોતાની પરંપરાગત બની ગયેલી ગુજરાતની ગાંધીનગર બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડવાનો મનસુબો વ્યક્ત કરતા ભાજપમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા તેમજ ભાજપના પ્રવક્તાએ પણ લોકસભાની ચૂંટણીના ઉમેદવારો તો પક્ષ નક્કી કરશે એવું કહીને અડવાણીને ખાળવાનો પ્રયાસ કર્યો હતો. નરેન્દ્ર મોદી પણ ગાંધીનગર બેઠક પરથી જ લોકસભાની ચૂંટણી લડવાના હોવાની અટકળો છે ત્યારે આ બેઠક ખાલી કરાવવા માટે હવે અડવાણીને રાજયસભામાં મોકલવાનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. અડવાણીને સમજાવવાના પણ પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી રિપીટ થિયરીમાં માનતા નથી એટલે જે સાંસદોની ટર્મ પૂરી થાય છે એવા ભરતસિંહ પરમાર, નટુજી ઠાકોર અને પરશોત્તમ રૂપાલાને રિપીટ કરવામાં આવે તેવી શક્યતાઓ નહીંવત્ છે એટલે ત્રણ બેઠકોમાંથી અડવાણી ઉપરાંત ઉત્તર ગુજરાતમાંથી એક પટેલ યુવાન તથા એક બેઠક હાઈકમાન્ડ ઈચ્છે તેને ટિકિટ આપવામાં આવશે. લોકસભાની ચૂંટણીમાં કોને ટિકિટ આપવાથી કેટલો ફાયદો થવાનો છે તેનું ગણિત માંડવામાં આવી રહ્યું છે.


આ પણ વાંચો :