અમિત શાહ અમદાવાદમાં, સંજય જોશીના પોસ્ટરો લાગ્યાં
પીએમ મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના ગુજરાતમાં આટા ફેરા શરૂ થવાની સાથે જ અમદાવાદ શહેરમાં ફરી સંઘના નેતા સંજય જોશીના પોસ્ટર્સ લાગ્યા છે. દીવાળીની શુભેચ્છા પાઠવતાં આ પોસ્ટર્સમાં સંજય જોશીની સાથે વાજપેયી, અડવાણી, અમિત શાહ અને નરેંદ્ર મોદીના ફોટો પણ લગાવાયા છે. સાથે જ પોસ્ટર્સ દ્વારા સંજય જોશીના વિરોધીઓ પર નિશાન સાધવામાં આવ્યું હોય તેમ લાગી રહ્યું છે. પોસ્ટર્સમાં લખવામાં આવ્યું છે કે, દીવડાઓ બહાર પ્રગટાવે પ્રકાશ, શું ભીતરથી થશે ઝળહળશે દિવાળી.. આ પોસ્ટર્સ કોણે લગાવ્યા છે, તે જાણી શકાયું નથી. જોકે, અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે આ પોસ્ટર્સ સૂચક મનાય છે. અગાઉ અમદાવાદમાં સંજય જોશીના સમર્થનમાં પોસ્ટર્સ લાગી ચૂક્યાં છે. સંજય જોશીના અમદાવાદમાં પોસ્ટર્સ લાગવા ભાજપના અંગત સૂત્રો ઘણું સૂચક માને છે અને તેના રાજકીય પડઘા પડતાં હોવાનું પણ મનાય છે. અગાઉ સંજય જોશીના સમર્થનમાં "કહો દિલ સે, સંજય જોશી ફિર સે', "સંઘકા દુલારા હૈ સંજય જોશી હમારા હૈ' નામનાં પોસ્ટર્સ લાગી ચૂક્યાં છે.