રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગુરુવાર, 20 ઑક્ટોબર 2016 (12:47 IST)

ગુજરાતમાં કેજરીવાલ, પરિવર્તન કરશે કે પરત ફરશે ? ત્રીજો પક્ષ ગુજરાતમાં નામુમકિન સાબિત થયો છે.

ગુજરાતમાં પીએમ મોદી તત્કાલિન સીએમ હતાં ત્યારે એમ લાગતું હતું કે હવે રાજ્યમાં ભાજપનું એક હથ્થુ શાસન છે. જ્યારે મોદી પીએમ બન્યા અને સીએમ તરીકે આનંદીબેને કાર્યભાર સંભાળ્યો ત્યારે કોથળામાંથી બિલાડુ નિકળે તેમ હાર્દિક અને લાલજી પટેલના ઓથા હેઠળ પાટીદાર અનામત આંદોલનનો પવન ફૂંકાયો. તે ઉપરાંત ઠાકોર સેના પણ અલ્પેશ ઠાકોરના નેતૃત્વમાં પ્રકાશમાં આવી. આમ ગુજરાતમાં હિંસક આંદોલન થયું, બીજી બાજુ દલિતોને માર મારવાનો કિસ્સો સમગ્ર દેશ અને દુનિયામાં ચગ્યો, દેશના રાષ્ટ્રીય નેતાઓ ચાર દલિતોના ઘરે મુલાકાત માટે આવ્યાં અને ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો. આનંદીબેનની સાઈડે ભાજપમાં અંદરખાનગી ફૂટેલી કારતુસોની જેમ નેતાઓ પણ ફૂટવા માંડ્યાં, ત્યારે આનંદીબેનની સીટ પણ ફૂટેલી કારતુસની જેમ ખસી ગઈ અને નવા સીએમ તરીકે ગુજરાતને રૂપાળું કરવાના વાયદા સાથે રુપાણી આવીને બેસી ગયાં. તે ઉપરાંત નવી કેબિનેટમાંથી ઉત્તર ગુજરાતના પાટીદારોનું પ્રભુત્વ પણ છીનવાઈ ગયું અને તે સૌરાષ્ટ્રને ફાળે ગયું. ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને મહેસાણા જિલ્લાના પાટીદારોને ખુશ રાખવા તથા આનંદીબેનને રાજી કરવા માટે નિતિન પટેલને નાયબ મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યાં.

ગાદી બદલાઈ અને પાટીદાર યુવકોને જેલમુક્ત પણ કરાયા, ત્યાં બીજો એક દલિત ચહેરો જિજ્ઞેશ મેવાણી હવામાં આવ્યો તેણે પોતાના સમાજને ન્યાય અપાવવા માટે આંદોલનનું બીડુ ઝડપ્યું. આટલું બધુ થયું ત્યાં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં પોતાનો પગ પેસારો કરવા માટે આવ્યાં અને આંદોલનમાં શહીદ થઈ ગયેલા પાટીદાર યુવાનના પરિવારોને મળ્યાં. આ મુલાકાત દરમિયાન તેમનો ચારેબાજુ વિરોધ થયો. એક બાજુ પટેલ સમાજ ભાજપનો વિરોધ કરતો દેખાય છે. તો બીજી બાજુ આ જ પટેલ સમાજ ભાજપની પડખે ઉભો છે. તે કેજરીવાલના વિરોધ બાદ સીધે સીઘું દેખાતું હતું.
સરકારે ગુજરાતીઓને રીઝવવા માટે અનેક પ્રોજેક્ટો જાહેર કર્યાં અને તેને અમલમાં પણ મુક્યાં, પણ મુદ્દો જ્યારે ગુજરાતમાં ત્રીજા પક્ષનો આવે છે ત્યારે કેજરીવાલ ક્યારેય ગુજરાતમાં ચાલી નહીં શકે એ વાત સો ટકા સત્ય છે, કારણ કે ભાજપ અને કોંગ્રેસની પાસે પોતપોતાની વોટ બેંક છે. જો કેજરીવાલ ભાજપની વોટબેંકમાં કાણું પાડે તો કોંગ્રેસને ફાયદો થાય અને કોંગ્રેસમાં કાંણું પાડે તો ભાજપને ફાયદો થાય એમ છે. પોતાની પાર્ટીને કયો સમાજ મત આપશે એ વાત એમની જ સમજમાં નહીં હોય એટલે તેઓ હવે પાટીદાર કોમને સમજાવવા માટે ગુજરાતના આંટાફેરા કરી રહ્યાં છે. મોદી સરકારની સામે પડેલા કેશુભાઈની પાર્ટીનું શું થયું તે સૌ કોઈ જાણે છે અને ગોરધન ઝડફિયાએ શરૂ કરેલી મહાગુજરાત જનતા પાર્ટી કયાં ગઈ એ જ કોઈને ખબર નથી. તો કેજરીવાલ કેવી રીતે ચૂંટણી જીતી શકે એ એક સવાલ છે. ગુજરાતમાં પાટીદારો અને અન્ય સમાજોમાં ખાસ કરીને ભાજપના મત પાટીદારોના હાથમાં છે અને કોંગ્રેસના મોટા ભાગના મત લઘુમતીઓના હાથમાં છે. કેજરીવાલ આ મુદ્દાને લઈને પાટીદારોમાં તીરાડ પાડવા મથે છે પણ તે ક્યારેય શક્ય નથી.
જે પાટીદારો સરકાર સામે લડી રહ્યાં છે તે ક્યારેય અન્ય પક્ષને મત નહીં આપે કારણ કે તેમનો આ માટે એક ખાસ પર્પઝ છે. જો તેઓ સરકારને હટાવે તો નુકસાન પાટીદારોને જ થવાનું છે. બીજી બાજુ દરબારો અને ઠાકોરો જો કોંગ્રેસ છોડીને ભાજપની સાથે જાય તો જૂથ વાદ ઉભો થાય તેવી પરિસ્થિતી છે. જેથી કોંગ્રેસની પણ એક મજબૂત મતબેંક છે. ત્યારે કેજરીવાલ ગુજરાતમાં સીટ મેળવવા માટે હવે હાર્દિક પટેલને સીએમ તરીકે પ્રોજેક્ટ કરવા માંગે છે અને આ માટે હાર્દિક સતત કેજરીવાલના સંપર્કમાં રહ્યો છે તે સૌ કોઈ જાણે છે. એક સમયે હાર્દિકે રાજકારણમાં નહીં જોડાવાના સોગંદ લીધા હતા પણ રાજકારણનો નશો એમ આસાનીથી ઉતરે એમાંનો નથી પરંતું પ્રજા સૌ કોઈને જાણે છે.એમ પાટીદારો પણ હાર્દિકને ઓળખી ગયાં છે. જ્યારે ગુજરાતની પ્રજા પણ કેજરીવાલ જેવા સ્વચ્છ અને સાફ નેતાને પણ ઓળખી ગઈ છે. હવે જોવાનું એ છે કે ગુજરાતમાં કેજરીવાલ  પરિવર્તન લાવી શકશે કે મેદાનમાંથી પરત ફરશે.