શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: મંગળવાર, 6 સપ્ટેમ્બર 2016 (18:06 IST)

પાટણના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરનું કોંગ્રેસમાંથી રાજીનામું

પાટણના પૂર્વ સાંસદ અને ગુજરાત કોંગ્રેસના મોટા નેતા જગદીશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું આપતા પક્ષની અંદરોઅંદર ફેલાયેલો જુથવાદ સામે આવ્યો છે.આંતરિક વિવાદો અને મતભેદોના કારણે કોંગ્રેસના ઉત્તર ગુજરાતના મહત્વના નેતા અને પાટણના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરે કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપતા કોંગ્રેસનું આંતરિક રાજકારણ ગરમાયું છે. જગદીશ ઠાકોરે સાબરકાંઠાના કોંગ્રેસના પ્રભારી પદે તેમજ ગુજરાત કોંગ્રેસની કોર કમિટીના સદસ્ય પદેથી રાજીનામું આપ્યું છે.કોંગ્રેસના ૫૯ વર્ષીય નેતા જગદીશ ઠાકોર વર્ષ ૨૦૦૨ થી ૨૦૦૮ સુધી દહેગામ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રહી ચુક્યા છે, તો વર્ષ ૨૦૦૯ થી વર્ષ ૨૦૧૪ દરમિયાન ૧૫ મી લોકસભાના સાંસદ પદે પણ રહી ચુક્યા છે.કોંગ્રેસના આગેવાન જગદીશ ઠાકોર વર્ષ ૨૦૧૪ થી જ પાટણ લોકસભા બેઠક પરથી ટીકીટ ના મળતા નારાજ હોવાનું કહેવાઈ રહ્યું હતું. વર્ષ ૨૦૦૯ માં જગદીશ ઠાકોરે પાટણ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ભાવસિંહ રાઠોડ સામે ૧૮ હજાર જેટલા મતોથી વિજય મેળવ્યો હતો તો વર્ષ ૨૦૧૪ માં વિપરીત સંજોગોમાં પાંચ વર્ષ અગાઉ ૨૦૦૯ માં પાટણ બેઠક પરથી ભાજપ તરફથી ચૂંટણી લડનારા ભાવસિંહ રાઠોડને કોંગ્રેસે ટીકીટ આપી હતી, જેમનો ભાજપના લીલાધર વાઘેલા સામે ૧.૩૮ લાખ મતોથી પરાજય થવા પામ્યો હતો. જગદીશ ઠાકોરે રાજીનામું આપતા કોંગ્રેસને બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતમાં મોટું નુકસાન થવાની સંભાવના છે. 2014માં જગદીશ ઠાકોરે ચૂંટણી લડવાની ના પાડી ત્યારે ઠાકોર સમાજે કોંગ્રેસના પ્રદેશ નેતા સામે મોરચો માંડયો હતો. જગદીશ ઠાકોરના ચૂંટણી લડવાના ઇનકાર માટે પક્ષનાં કેટલાંક સ્થાપિત હિ‌તોનું દબાણ હોવાનો આક્ષેપ ઠાકોર સમાજે કર્યો હતો. કહેવાય છે કે, ભાવસિંહ રાઠોડ પણ પાટણ બેઠકની ટિકિટ લેવા ઉત્સુક હતા અને પ્રદેશ નેતાઓને રજૂઆત કરી હતી, પરંતુ મોવડીઓએ નિર્ણય લીધો નહોતો. છેવટે સમાજ અને પક્ષના હિ‌તમાં જગદીશ ઠાકોરે ચૂંટણી ન લડવા નિર્ણય કર્યો હતો.