શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 14 નવેમ્બર 2016 (12:21 IST)

વડોદરામાં બેન્ડ બાજા સાથે નિકળેલા યુવકે બેંકમાં ચાર લાખ જમા કરાવ્યા

મોટી નોટોની બંધી બાદ લોકો બેંકમાં નોટો જમા કરાવવા માટે કેવા પેંતરા અજમાવી રહ્યાં છે તે જોવા મળી રહ્યું છે. વડોદરાના સાવલીમાં રહેતા યુવકે દેશમાં રદ થયેલા નાણા બાદ બેંકોમાં જમાં કરાવવા બાબતે ગભરાતા લોકોને અનોખો સંદેશ આપ્યો હતો. યુવાને બેન્ડવાજા સાથે વરઘોડો કાઢીને બેંકમાં 4 લાખ રૂપિયા ભર્યા હતા. જેથી લોકોમાં આશ્ચર્ય ફેલાઇ ગયુ હતુ. સાવલીમાં રહેતા વિશાલ પટેલ નામના 35 વર્ષીય યુવકના માતા-પિતા નિવૃત્ત થયા બાદ પાંચેક લાખ રૂપિયાની એફ.ડી. પાકી હતી. આ એફ.ડી. થોડા સમય પહેલા વિશાલે ઉપાડી લીધી હતી. જેમાંથી 4 લાખ રૂપિયા ભરવા માટે વિશાલ બેંક પર પહોંચ્યો હતો. એક લાખ રૂપિયા વપરાઇ જતા તેમાંથી 4 લાખ રૂપિયા બચી ગયા હતા. તેવામાં અચાનક કેન્દ્ર સરકારે 5000 અને 1000ના દરની નોટો રદ કરી દેતા સમગ્ર દેશના લોકોમાં ભારે ગભરાટની લાગણી પ્રસરી ગઈ હતી. અને કેટલીક જગ્યાએ નોટો બાળવાની અને ફેંકી દેવાના બનાવો બન્યા હતા. જ્યારે કેટલાક લોકો પાસે ઘરમાં પડેલા રૂપિયા જમા કરાવવા માટે ફાંફા મારતા અને અલગ અલગ ખાતાઓમાં જમા કરાવતા જોવા મળતા હતા અને અઢી લાખથી વધુ નાણાં ન જમા કરાવવાનો નિર્ણય મોટાભાગના લોકોએ કરીને અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. વિશાલ પટેલે પોતાની પાસે રહેલા 4 લાખ રૂપિયાના બંડલોની આજે વિધિવત પુજા કરી દર્શન કરીને વાજતે ગાજતે બેન્ડ વાજા સાથે સાવલીની એસબીઆઈની શાખામાં જમા કરાવ્યા હતા. અને લોકોને સંદેશો આપ્યો હતો કે તમારી પાસે વ્હાઈટ રૂપિયા છે. તો ઈન્કમટેક્સથી કોઈ ગભરાવવાની જરૂર નથી અને 4ના બદલે 40 લાખ રૂપિયા જમા કરાવો તો પણ વાંધો નથી. તેવો સંદેશ લોકોને આપ્યો હતો.  વિશાલે જણાવ્યુ હતુ કે, મારા પરસેવાની કમાણી હું શા માટે જતી કરૂ. કોઇએ પોતાના પરસેવાની કમાણી જતી કરવાની જરૂર નથી. અને ગટર અને નદીઓમાં ફેંકી પણ ન દેશો. તેને બેંકમાં જમા કરાવો.