શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 21 ડિસેમ્બર 2016 (15:34 IST)

ક્રિસમસનું વેકેશન ગુજરાત ટુરિઝમમાં 65 ટકા પ્રવાસીઓ ઘટ્યાં

કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નોટબંધીને ૪૨ દિવસ પૂરા થયા છે છતાં અનેક ક્ષેત્રો હજુ પણ  તેના 'મૂઢમાર'માંથી બેઠા થઇ શક્યા નથી. સામાન્ય રીતે નવેમ્બર-ડિસેમ્બરમાં ખાસ કરીને વિદેશથી આવતા પ્રવાસીઓના પ્રમાણમાં વધારો થઇ જતો હોય છે. પરંતુ નોટબંધી બાદ ગુજરાતના ડોમેસ્ટિક ટૂરિઝમને ૬૫ %નો ફટકો પડયો છે અને વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં ૪૦% સુધીનો ઘટાડો નોંધાયો છે. ધ એસોસિયેટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ઓફ ઇન્ડિયા (એસોચેમ) દ્વારા હાથ ધરાયેલા સર્વેક્ષણ અનુસાર ગત વર્ષે નવેમ્બર, ડિસેમ્બર માસ દરમિયાન ડોમેસ્ટિક ટૂરિઝમમાં ૩૫%નો અને વિદેશથી આવતા પ્રવાસીઓની સંખ્યામાં ૨૦%નો વધારો નોંધાયો હતો. પરંતુ નોટબંધી બાદ પ્રવાસન્ ક્ષેત્રને મોટો ફટકો પડયો છે. ક્રિસમસના વેકેશન દરમિયાન રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉતર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને કેરળ જવા માટે પ્રવાસીઓનું પ્રમાણ ખૂબ જ વધારે જોવા મળે છે. પરંતુ આ વખતે ડોમેસ્ટિક ટૂરિઝમમાં ૬૫%ન બૂકિંગનો ઘટાડો નોંધાયો છે. છેલ્લા કેટલાક દિવસોમાં એકમાત્ર ગોવા જવા માટેના બૂકિંગમાં વધારો નોંધાઇ રહ્યો છે. બૂકિંગમાં ઘટાડો થતાં અનેક હોટેલ દ્વારા ટેરિફમાં ડિસ્કાઉન્ટ ઉપરાંત કોમ્પલિમેન્ટરી બ્રેકફાસ્ટ-ડિનરની પણ જાહેરાત કરી છે જ્યારે એરલાઇન્સ દ્વારા પણ ટિકિટના દર ઘટાડવામાં આવ્યા છે. આ ડિસ્કાઉન્ટ અને સ્કિમ છતાં બૂકિંગ કરાવવા માટે નીરસ માહોલ જોવા મળી રહ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે નોટબંધી બાદ મોટાભાગના ગ્રાહકોનો વિશ્વાસ ડગી ગયો છે. ક્રિસમસ વેકેશન દરમિયાન ખાસ કરીને જેમને પોતાનો વ્યવસાય હોય તેમના બૂકિંગમાં ઓટ છે. ઓર્ગેનાઇઝ ટ્રિપને ખાસ અસર પડી નથી. કેમકે, તેમાં અગાઉથી જ તમામ પેમેન્ટ કરી દેવામાં આવ્યું હોય છે.