ઠંડીની માઠી અસરથી પ્રાણીઓ પ્રભાવિત

દેવાંગ મેવાડા|

તાપમાનમાં થયેલા ઘટાડાના કારણે સમગ્ર દેશમાં ઠંડીનુ સામ્રાજ્ય ફેલાયુ છે. ઠંડીથી માત્ર માણસ જ નહીં પરંતુ પ્રાણીઓને પણ માઠી અસર પહોંચે છે. જંગલમાં રહેતા વન્યજીવો ટાઢથી બચવા માટે પોતાની મેળે ઉપાયો કરતા હોય છે. આ અંગે જાણીતા પ્રાણીપ્રેમી કાર્તીક ઉપાધ્યાયે જણાવ્યુ હતુ કે, સામાન્ય રીતે ઠંડીનુ પ્રમાણ વધે ત્યારે પારિવારીક પ્રાણીઓ ટોળાંમાં વધારે ફરતાં દેખાય છે. એકબીજાની નજીક રહીને તેઓ ગરમી મેળવવામાં સફળ થાય છે. તેવી જ રીતે મગર જેવુ જળચર પ્રાણી પણ પોતાના શરીરનુ તાપમાન જાળવી રાખવા માટે કલાકો સુધી તડકામાં પડી રહે છે.

ઠંડીમાં કેટલાક શિકારી પક્ષીઓ સુર્યોદય થયા પછી જ પોતાનુ કાર્ય શરૂ કરે છે. શિયાળ જેવુ ચાલાક પ્રાણી ઠંડીથી બચવા માટે જમીનમાં ઉંડી બખોલ બનાવી દે છે, અને બચ્ચા સાથે તેમાં ભરાઈ જાય છે. પરંતુ સાપ અને અજગર જેવા સરીસૃપો વધુ ટાઢથી બચવા માટે ભુગર્ભમાં ઉતરી જાય છે. સામાન્ય રીતે 18થી 35 ડિગ્રી સુધીનુ તાપમાન સાપ અને અજગર પ્રજાતી માટે આદર્શ હોય છે. પરંતુ 18 ડિગ્રીથી તાપમાન ઘટે ત્યારે તે જમીનની અંદર પોલાણમાં ઉતરીને ગરમી મેળવવા લપાઈને બેસી જાય છે. ગુજરાતમાં જોવા મળતાં કેટલાક સાપ તથા અજગર ભુગર્ભમાં જઈને સુષુપ્ત અવસ્થામાં પહોંચતા નથી, પરંતુ તેઓ દિવસ દરમિયાન સુર્યપ્રકાશની ગરમી લેવા માટે બહાર આવી જાય છે.
જે વન્યજીવો પોતાના પ્રાકૃતિક આવાસમાં નથી રહેતા તેઓને શિયાળામાં ગરમી મેળવવા માટે અન્યનો સહારો લેવો પડે છે. દેશમાં આવેલા સેંકડો પ્રાણી સંગ્રહાલયોમાં રહેતા વન્યજીવોને ઠંડીથી બચાવવા માટે તંત્ર દ્વારા અનેક ઉપાયો કરવામાં આવે છે. આ અંગે વડોદરાના જંગલ વિભાગના રાઉન્ડ ફોરેસ્ટર એમ આર ગઢવીએ જણાવ્યુ હતુ કે, પ્રાણીસંગ્રાહલયમાં રહેતા વન્યજીવોને ઠંડીથી બચાવવા માટે તેઓના પાંજરાની પાસે તાપણા કરવામાં આવે છે. રૂવાંટી વાળા રીંછને ઠંડીની માઠી અસર પહોંચતી નથી પરંતુ હરણ, સસલા, સિંહ, વાઘ, દિપડા જેવા પ્રાણીઓ માટે ઝુમાં ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવે છે. ઉપરાંત પક્ષીઓને ઠંડા પવનથી બચાવવા માટે તેઓના પાંજરાની બહાર કપડું અથવા પ્લાસ્ટીકની નેટ લગાડી દેવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં હિમાચલપ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં થયેલી ભારે હિમવર્ષા બાદ સમગ્ર દેશમાં હાડ થીજાવતી ઠંડી ફેલાઈ હતી. ધાબડા અને તાપણાથી માણસોએ પોતાના શરીરને ઠંડીથી બચાવી લીધુ, પરંતુ મુંગા પ્રાણીઓએ તેનાથી બચવા માટે કેટલી જહેમત ઉઠાવી હશે તે સમજી શકાય તેવી બાબત છે.


આ પણ વાંચો :