ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી વાર્તા
Written By
Last Updated : શુક્રવાર, 2 જાન્યુઆરી 2015 (16:54 IST)

...નાં કરતા તો કૂતરાં સારા!

આજે ગધેડા કે ગધેડા માણસો વિશે નહીં પણ કૂતરાંઓ વિશે વાત કરવી છે. કૂતરો આપણો વફાદાર મિત્ર છેને એવું બધું તો આપણે પ્રાથમિક શાળાના નિબંધોમાં લખી ચૂક્યા છીએ પણ જે કૂતરાંઓ વિશે અહીં વાત કરી રહી છું તેઓ નિશ્ર્ચિતપણે અસંખ્ય માનવીઓ કરતાં પણ વધુ સારા છે. તેમનું નામ છે પ્રેરિઅર ડોગ અથવા પ્રેરિઅર કૂતરાં. દેખાવમાં સસલાં અને ખિસકોલીના હાઇબ્રિડ એટલે કે વર્ણશંકર જાતિના લાગતા આ કૂતરાંઓ બહુ વિશિષ્ટ છે. સામાન્યત: ઝઘડતા રહેતા કે સતત ભસ-ભસ કરતા માણસને આપણે કૂતરો કે કૂતરી કહીને ભાંડતા હોઈએ છીએ, પરંતુ આ કૂતરાંઓ એટલે કે પ્રેરિઅર ડોગ્સ ખૂબ જ મળતાવડા, પ્રેમાળ અને પોતાના પરિવાર અને જાતભાઈઓ-બહેનોની સાથે હળીમળીને, સંપીને રહેતા ખૂબ જ આનંદ મિજાજના પ્રાણીઓ છે.

આ કૂતરાંઓને માનવજાતિના એક વર્ગ કરતાં પણ વધુ ગુણવાન અને સારા કહેવા પાછળનું કારણ ફક્ત તેમનો સ્વભાવ જ નથી પણ આ કૂતરાંઓ દરરોજ સૂર્યોદયના અડધો કલાક પહેલાં જાગી જાય છે અને હાથ જોડીને રીતસર સૂર્યદેવતાને નમન કરે છે. ઈથોલોજિસ્ટસ એટલે કે પશુઓની વર્તણૂક અને સ્વભાવનું લાંબા સમય સુધી કુદરતી વાતાવરણમાં જ નિરીક્ષણ કરનારાઓએ જોયું છે કે પ્રેરિઅર ડોગ્સ વહેલી સવારે સૂર્યોદય પહેલાં તેમના નાના-નાના પંજાઓ જોડીને નમસ્કારની મુદ્રામાં આંખ બંધ કરીને સૂર્યદેવતા સામે હાથ જોડીને ઊભા રહે છે. આ જ રીતે તેઓ સૂર્યાસ્ત સમયે પણ ડૂબતા સૂર્યને વંદન કરે છે. કેટલાંક ઈથોલોજિસ્ટે તો એવું પણ નોંધ્યું છે કે અમુક પ્રેરિઅર ડોગ્સ તો આ રીતે નમન મુદ્રામાં લગભગ અડધો કલાક સુધી પણ ઊભા રહે છે!

આ હકીકત જાણ્યા પછી એવું નથી લાગતું કે આ કૂતરાંઓનું નામ પ્રેરિઅર ડોગને બદલે પ્રેયર ડોગ અર્થાત્ પ્રાર્થના કરતા કૂતરાં એવું કરી નાખવું જોઈએ!

એક તરફ તો આપણા સમાજમાં એવા લાખ્ખો લોકો છે જે મોડી રાત સુધી શરાબ ઢીંચ્યા કરે છે, ટેલિવિઝન પરની રોના-ધોના સિરિયલો કે મેચ જોતાં-જોતાં જંક ફૂડ ખાઈ-ખાઈને શરીરને અદોદળાં બનાવતા રહે છે અને પછી મોડી સવાર સુધી ઘોર્યા કરે છે. સૂર્યદેવતાને તો શું પણ ત્રેત્રીસ કરોડમાંના એકે ય દેવી-દેવતાને યાદ કરવાનું તેમને સૂઝતું નથી અને દિવસભર માત્રને માત્ર પોતાનું પેટ ભરવાની અને ઐયાશીઓ માટેની પ્રવૃતિઓમાં રત રહે છે. તેમની સરખામણીમાં આ કૂતરાંઓ નિશ્ર્ચિતપણે વધુ સારા છે એવું કહી શકાય. આવી વ્યક્તિઓને ગધેડા કે કૂતરાં કહેવા એ જાનવરોનું અપમાન કરવા બરાબર છે. શક્ય છે કે પ્રેરિઅર ડોગ્સ કે અન્ય જનાવરોને જ્યારે ગાળ દેવાનું મન થતું હશે ત્યારે તેઓ પોતાના જાતભાઈઓને માણસ’ કહીને સંબોધતા હશે.

આ કૂતરાંઓની પોતાની ભાષા પણ છે એટલે કે અમુક પ્રકારના અવાજ દ્વારા તેઓ એકબીજા સાથે વાતચીત અથવા અભિવ્યક્તિ પણ કરતા હોય છે એવું પ્રાણીઓની ભાષા અંગેનો છેલ્લાં ૩૦ વર્ષથી અભ્યાસ કરી રહેલા પ્રોફેસર કોન સ્લોબોડિચિકોફ કહે છે. તેઓ કહે છે, પશુઓની પણ પોતાની ભાષા હોય છે પણ આપણે એના પર બહુ ધ્યાન નથી દેતા, કારણ કે આપણે એવું માનીને બેઠા છીએ કે પશુઓ બુદ્ધિ વિનાના હોય છે જે સત્ય નથી. ડૉ. કેને પ્રેરિઅર ડોગ્સ વિશે પણ ઘણું સંશોધન કર્યું છે.

તેમણે વર્ષો સુધી આ કૂતરાંઓનું નિરીક્ષણ કરીને લખ્યું છે કે આ વિશિષ્ટ પ્રાણીઓ જે લગભગ ૧૨થી ૧૬ ઇંચ જેટલી હાઇટ ધરાવતા હોય છે અને સસલા જેવી ખિસકોલી લાગે છે, તેઓ જમીનની અંદર દર બનાવીને રહે છે. તેઓ બહુ જ સારા હાઉસકીપર એટલે કે ઘરની સારસંભાળ રાખનારા હોય છે. તેમના દરમાં તેઓ શૌચાલય માટે અલગ વિસ્તાર બનાવે છે, તેમ જ બાળકોની સારસંભાળ રાખવા માટે અલગ ભાગ જેને આપણે અલગ ખંડ કહી શકીએ એવી જગ્યા ફાળવે છે! એટલું જ નહીં પણ તેમના આ દરમાં શયનખંડ પણ હોય છે એટલે કે રાતે સૂવા માટે તેઓ અમુક ચોક્કસ ભાગનો ઉપયોગ કરે છે અને પાછું શિયાળા માટે તેઓ અલગ દર બનાવે છે. આ કૂતરાંઓ એટલા સામાજિક છે કે એકબીજાને તેમના ઘરે મળવા જાય છે અને વાતચીત તેમ જ ગપ્પાં મારતા હોય એ રીતે એકમેકના ઘરે કલાકો બેસે પણ છે.

કેટલાંક માણસો કરતાં આ કૂતરાંઓ વધુ સારા એવું કહેવાનું બીજું એક કારણ એ પણ છે કે તેઓ કૂતરાં હોવા છતાં સભ્યતાથી વર્તન કરે છે. પ્રેરિઅર ડોગ્સ એકબીજાને કિસ કરીને પોતાના વહાલની અભિવ્યક્તિ કરે છે પણ આવું તેઓ ફક્ત પોતાના પરિવારના સભ્યો સાથે જ કરે છે. મતલબ કે દરકે પ્રેરિઅર ડોગ તેની જાતિના કોઈ પણ કૂતરાંને વળગવા કે કિસ કરવા ધસી જતો નથી. આ કૂતરાંઓ પરસ્પર એકબીજાની માવજત પણ કરે છે એટલે કે એકબીજાને ચાટીને તેમને સાફ કરવા વગેરે પણ અહીં સુધ્ધાં તેઓ સંયમ દાખવે છે. આ બધું તેઓ ફક્ત પોતાના કુટુંબીઓ સાથે જ કરે છે. કૂતરાંઓની આ જાતિ મુખ્યત્વે નૈઋત્ય અમેરિકામાં જોવા મળે છે.

આ બધું જાણ્યા પછી જો કોઈ આપણને ગુસ્સામાં કૂતરો કહે તો આપણે નારાજ થઈ જવાની કે સામે ગાળાગાળ કરવાને બદલે તેણે આપણને પ્રેરિઅર ડોગ કહીને મારી સરાહના કરી છે એવું માનીને ખુશ થઈ શકીએ.

સૂફી સંત બાબા બુલ્લેશાહના જીવનનો આવો જ એક કિસ્સો છે જે એક સંત પાસેથી સાંભળ્યો હતો. બાબા બુલ્લેશાહ એક વાર ચાલતા-ચાલતા જઈ રહ્યા હતા. પાછળથી તેમને કોઈએ આવી રીતે જ ગાળ આપી અને કહ્યું, સાલે કુત્તે...’ બાબા બુલ્લેશાહ ત્યાં જ થંભી ગયા. પાછળ વળીને જોયું અને દોડીને તે માણસ પાસે ગયા. તેઓ ન તો તે માણસ પર ગુસ્સે થયા ન તો સામે ગાળો ભાંડવા માંડી. બાબા બુલ્લેશાહ તો જે માણસે તેમને કૂતરો કહીને સંબોધ્યા હતા તેમના પગમાં પડી ગયા. ઘૂંટણિયે પડીને તેમના હાથ ચૂમવા માંડ્યા.

ગાળ દેનાર માણસ તો હેબતાઈ ગયો, કારણ કે ગાળ દીધા પછી કોઈ આવી વર્તણૂક કરે તો આંચકો લાગે એ તો સ્વાભાવિક બાબત છે. બાબા બુલ્લેશાહ તો તેના હાથ ચૂમતા જાય અને તેને દુઆ દેતા જાય કે વાહ, તારી જબાન કેવી મુબારક છે! ખુદા કરે કે તારી વાણી ફળે અને હું મારા મુરશદના (ગુરુ)ના ઘરનો કૂતરો થઈ જાઉં! જો ખરેખર આવું થાય તો દિવસ-રાત મારા ગુરુના દરવાજે બેસી શકું અને તેમની વફાદારીપૂર્વક સેવા કરી શકું. તેં તો મને એવા આશીર્વાદ દઈ દીધા છે કે હું ખુશખુશાલ થઈ ગયો છું.

આપણે જાનવરોને બુદ્ધિ વિનાના માનીએ છીએ અને માત્ર આપણી જાતિ એટલે કે માનવોને જ શ્રેષ્ઠ ગણીને અભિમાનમાં રાચતા રહીએ છીએ પણ હકીકત એ છે કે પ્રકૃતિમાં માનવ જેટલું વિનાશકારી, સ્વાર્થી, ડંખીલું પ્રાણી કદાચ બીજું કોઈ નથી.

આ વિશાળ સૃષ્ટિમાં પ્રેરિયર ડોગ્સ જેવાં અનેક આશ્ર્ચર્યો વેરાયેલા પડ્યા છે પણ આપણી માનસિક સંકુચિતતામાં કેદ આપણે એ બધું જોવાની દૃષ્ટિ અને વિસ્મય બંને ગુમાવી બેઠા છીએ.