પંજાબી વાનગી - દાળ મખાની

dal makhani

સામગ્રી - 100 ગ્રામ કાળા આખા અડદ, 50 ગ્રામ કાળા ચણા કે રાજમા, 1/4 ચમચી ખાવાનો સોડા, 4 મીડિયમ સાઇઝના ટામેટાં, 2-3 લીલા મરચાં, 2 ઇંચના ટૂકડામાં આદું, 2-3 મોટી ચમચી ક્રીમ કે માખણ, 1થી 2 મોટી ચમચી ભરીને દેશી ઘી, 1-2 ચપટી હિંગ, 1/2 ચમચી જીરું, 1/4 ચમચી મેથી, 1/4 ચમચી હળદરનો પાવડર, 1/4 ચમચી મરચું પાવડર, 1/4 ચમચી ગરમ મસાલો, સ્વાદાનુસાર મીઠું, અડધી વાટકી લીલી કોથમીર(બારીક કાપેલી).


બનાવવાની રીત - અડદ અને ચણા કે રાજમાને ધોઇને 8 કલાક માટે કે આખી રાત પાણીમાં પલાળી રાખો. ત્યારપછી તેમાંથી પાણી કાઢી લઇ ધોઇ તેને કૂકરમાં ખાવાના સોડા, મીઠું નાંખી અઢી કપ પાણી સાથે ઉકાળવા મૂકો. કૂકરમાં સીટી વાગે એટલે ગેસની આંચ ધીમી કરી દો અને અડદ અને ચણા(કે રાજમા)ને ધીમી આંચ પર રંધાવા દો. પછી ગેસની આંચ બંધ કરી દો.

ટામેટાં, લીલા મચરાં અને અડધા આદુંને ધોઇને બારીક પીસી લો, જ્યારે બાકીનું આદું નાના નાના ટૂકડાંમાં કાપી લો.

કઢાઈમાં ઘી ગરમ કરી હીંગ અને જીરું નાંખો. જીરુંનો વઘાર થયા બાદ આદું, હળદર પાવડર, ધાણાજીરું પાવડર અને લાલ મરચું પાવડર નાંખો. આ મસાલામાં તુરંત જ ટામેટા, લીલા મરચાની પેસ્ટ અને ક્રીમ નાંખો. ચમચાછી હલાવતા રહો. જ્યારે મસાલા પર તેલ તરવા લાગે એટલે ગેસની આંચ બંધ કરો.

હવે આ મસાલાને કૂકરમાં બાફેલા અડદ-ચણા(કે રાજમા)ની દાળમાં મિક્સ કરો. દાળ તમારે જેટલી ઘટ્ટ રાખવી હોય તે પ્રમાણે પાણી મિક્સ કરો અને ઉકાળો. ઉકળી જાય એટલે 3-4 મિનિટ પછી ગેસની આંચ બંધ કરી ગરમ મસાલો અને અડધી કોથમીર નાંખી મિક્સ કરો. તૈયાર છે તમારી ટેસ્ટી દાલ મખની.

જ્યારે સર્વ કરવાની હોય ત્યારે બાઉલમાં કાઢી ઉપરથી કોથમીર અને માખણ નાંખઈ ગાર્નિશ કરો. ગરમા-ગરમ દાલ મખનીને નાન, પરોઠા, ચપાટી કે ભાત સાથે પીરસો અને તમે પણ તેનો સ્વાદ માણો.

નોંધ - તમે ડુંગળી અને લસણ પસંદ કરો છો તો એક ડુંગળી અને લસણની 5-6 કળી કાપીને પેસ્ટ બનાવી હિંગ અને જીરુંનો વઘાર કર્યો ત્યારે તેમાં મિક્સ કરીને ઉપર મુજબના મસાલા નાંખી દાલ મખની તૈયાર કરી શકો છો.

- ઉપરની સામગ્રીના આધારે આટલી દાલ મખની 4-5 લોકો માટે તૈયાર થશે.


આ પણ વાંચો :