શુક્રવાર, 6 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 3 નવેમ્બર 2016 (17:44 IST)

વિપૂલ મહેતાની ગુજરાતી ફિલ્મ ''કેરી ઓન કેસર'' 18મી નવેમ્બરે રિલીઝ થશે

ગુજરાતી નાટ્ય જગતના માનિતા અને સહુના જાણીતા વિપૂલ મહેતા ગુજરાતી ફિલ્મ જગતમાં લેખક અને દિગ્દર્શક તરીકે ધમાકેદાર એન્ટ્રી કરી રહ્યાં છે. તેમની પ્રથમ ગુજરાતી ફિલ્મ કેરી ઓન કેસર સાથે તેઓ દર્શકો સમક્ષ નવી જ વાત ફિલ્મ રૂપે રજુ કરી રહ્યાં છે. આ ફિલ્મના પ્રોડ્યુસર ભાવના મોદી તથા કમલેશ ભૂપતાણી છે. આ ફિલ્મ મનપસંદ ફિલ્મ્સ અને ગેલેક્ટીક મોશન પિક્ચર્સ પ્રા, લિ ના બેનર હેઠળ બની છે. આ ફિલ્મમાં ગુજરાતી અને હિન્દી ફિલ્મોમાં વર્ષોથી અભિનય પાથરી રહેલા સુપ્રીયા પાઠક અને દર્શન જરીવાલા પણ અભિનય કરી રહ્યાં છે. તે ઉપરાંત ગુજરાતી ગર્લ તરીકે જાણીતી બનેલી અભિનેત્રી અવની મોદી પણ આ ફિલ્મમાં લીડ રોલ કરી રહી છે. તે ઉપરાંત ફિલ્મ જગતના જાણીતા ચહેરા રીતેશ મોઢ, અર્ચન ત્રિવેદી, અમીશ તન્ના પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે.

આ ફિલ્મની વાર્તા એક 50 વર્ષની ઉંમરના દંપત્તિની આસપાસ ફરે છે. તેમની પાસે બધુ જ હોવા છતાં કંઈક ખુટતૂ હોવાનો અહેસાસ છે. તેઓ પોતાની લાઈફ મસ્તીથી જીવી રહ્યાં છે. ત્યાં જ તેમની જીવનમાં એક એવી વ્યક્તિનો પ્રવેશ થાય છે.  આ વ્યક્તિ પેરિસમાં ફેશન ડિઝાઈનિંગનો અભ્યાસ કરે છે તે ઉપરાંત એક ડોક્ટર પણ આ પરિવારમાં પ્રવેશ કરે છે. આ બંનેના પ્રવેશથી કેસર અને શ્યામજીના જીવનમાં જે ફેરફારો આવે છે. તેના તમામ પાસાઓ, જિંદગીના ઉતાર ચઢાવ વગેરે આ ફિલ્મની વાર્તામાં સારી રીતે વણી લેવામાં આવ્યાં છે.

પેરિસથી કેસર પાસે આવેલી છોકરી કેસર પાસેથી શું શીખીને જાય છે તથા શું શીખવાડી જાય છે. તે આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે. યુવાવર્ગ, મુક્ત વિચારો, વાળી આ છોકરી આ ફિલ્મમાં સૌથી મહત્વનો રોલ ભજવી રહી છે. આ ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ ગુજરાતના ગોંડલમાં થયું છે. સલમાનખાનની પ્રેમ રતન ધન પાયો જે પેલેસમાં શૂટ થઈ હતી તે પેલેસમાં આ ફિલ્મ શૂટ કરવામાં આવી છે. તે ઉપરાંત મુંબઈ અને પેરિસમાં પણ આ ફિલ્મનું શૂટિંગ થયું છે. ફિલ્મના સંવાદો અંકિત ત્રિવેદી અને ભૂમિકા ત્રિવેદીએ લખ્યાં છે. ફિલ્મનું સંગીત જાણીતી સંગીત બેલડી સચીન જીગરે આપ્યું છે. તે ઉપરાંત ઝી મ્યુઝિક દ્વારા ફિલ્મનું સંગીત લોન્ચ કરવામાં આવ્યું છે.