ગુજરાતમાં હાલમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે નરેન્દ્ર મોદીના બાળપણ પર ફિલ્મ બની છે. આ ફિલ્મ સંપૂર્ણ પણે મોદીજીની બાયોપિક નથી પણ તેમના બાળપણના કેટલાક કિસ્સાઓને ટાંકીને કોમર્શિયલ બેઝ પર બનાવવામાં આવેલી ફિલ્મ છે. આ ફિલ્મના લેખક અને દિગ્દર્શક અનિલ નરયાણીએ આજે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે અમે આ ફિલ્મ આગામી 15મી ડિસેમ્બરના રોજ રિલિઝ કરવા જઈ રહ્યાં છીએ. અનિલ ભાઈએ બોલિવૂડ તથા પ્રાદેશિક ફિલ્મો બનાવવાનું કામ કર્યું છે.
તેમણે કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે મોદીની આસપાસના લોકો સાથે મળીને અમે ફિલ્મની કથા લખવા માટે ઘણું રિસર્ચ કર્યું છે. ફિલ્મનું શૂટિંગ ગુજરાતના ઉદવાડા સ્ટેશન, બરોડા, અમદાવાદ જેવા શહેરોમા કરવામાં આવ્યું છે. પરંતુ મોદીનું જે મુળ વતન છે તેમાં પરમિશનના વાંધાના કારણે વડનગરમાં શૂટિંગ નથી કર્યું. તેમણે ફિલ્મ વિશે કહ્યું હતુંકે "હું નરેન્દ્ર, મોદી બનવા માંગુ છું " એ એક કિશોર વયના બાળકની ગુજરાતી ફિલ્મ છે, જે કિશોરના રોલ મોડેલ છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી। તેનું સપનું છે કે મોટા થઈને નરેન્દ્ર મોદી અને સરદાર વલ્લભ ભાઈ પટેલ જેવા બનવું. આ એક પ્રેરણાદાયી અને મોટીવેટ કરતી ફિલ્મ છે જેમાં વાર્તા છે એક નાના ચ્હા વેચતા છોકરાની અને તેના જીવનમાં રહેલી નકારાત્મકતા અને પડકારો સામે લડીને જુસ્સાભેર તેના ધ્યેયને હાંસલ કરવાની। આ એક ચિલ્ડ્રન ફિલ્મ છે જે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બાળપણથી પ્રેરિત છે. આ સંપૂર્ણ સામાજિક ફિલ્મ હોવાની સાથે-સાથે એક બાળકના સંઘર્ષ અને તેના સ્વપ્નને પૂરું કરવાની જર્ની પણ કથામાં આવરી લેવામાં આવી છે. આ ફિલ્મ માનવજાત અને સંઘર્ષની ખૂબ જ હકારાત્મક વાર્તા છે. મોદી- ધ ફિલ્મ બે ભાગમા બનાવવામાં આવશે. આ ફિલ્મમાં બાળક નરેન્દ્રનો રોલ કરણ પટેલ કરી રહ્યો છે. તેણે ઓછામાં ઓછી 15 ફિલ્મોમાં કામ કર્યું છે. કરણને આશરે 2 હજારથી વધુ બાળકોના ઓડિશન બાદ સીલેક્ટ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં ત્રણ ગીતો છે જેમાં નમો નમો ગીત સૌથી વધુ હોટફેવરીટ સાબિત થયું છે. જે આજે જ રિલીઝ કરવામાં આવ્યું હતું.