ગુજરાતી ફિલ્મ Khaatti Meethi સેટીંગથી પેનોરામા સ્ટુડિયો પહેલીવાર ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં
ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં હવે ફિલ્મોનો પહેલાંની જેમ દુકાળ નથી રહ્યો, એક એકથી ચઢીયાતી ફિલ્મો બને છે અને રીલિઝ પણ થાય છે. લોકોને સારૂ મનોરંજન પણ મળે છે. ત્યારે ફરીએક વાર દર્શકો સામે એક નવી ગુજરાતી ફિલ્મ Khaatti Meethi સેટીંગ આવી રહી છે. આ ફિલ્મ વિશે તેના અભિનેતા દિવ્યાંગ ઠક્કરે કહ્યું હતું કે હું ઘણા સમયથી એવી ફિલ્મની રાહ જોતો હતો જેમાં સિચ્યુએશન રોમેન્ટિક કોમેડી હોય. આ ફિલ્મમાં મારી મનગમતી સ્ટોરી છે એટલે તેમાં મને કામ કરવાની મજા આવી છે. તે ઉપરાંત ફિલ્મના લેખક અને દિગ્દર્શક કિલ્લોલ પરમારે કહ્યું હતું કે દર્શકોને મજા પડે એવી ફિલ્મ છે.
આ ફિલ્મને લઈને આપણે ખાસ વાત એ કરવી છે કે પેનોરામા સ્ટુડિયો વિશે અનેક વખત સાંભળવા મળ્યું હશે, પણ ખરેખર તે શું છે, આવો જાણીએ, છેલ્લા ત્રીસ વર્ષથી આ સ્ટુડિયો ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં પ્રોડક્શન અને ડિસ્ટ્રીબ્યુશન હાઉસ તરીકે જાણીતો બન્યો છે. તે 300થી વધુ ફિલ્મો સાથે સંકલાયેલો સ્ટુડિયો છે. હોલિવૂડ અને બોલિવૂડની સાથે આ સ્ટુડિયો પ્રાદેશિક ભાષાની ફિલ્મો જેવી કે, મરાઠી, સાઉથ ઈન્ડિયન અને પંજાબી વગેરે જેવી ભાષાઓની ફિલ્મો સાથે આ સ્ટુડિયો સંકળાયેલો છે. હવે આ સ્ટુડિયો ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ કામ કરવા માટે હવે તત્પર છે. સ્ટુડિયો વિશે થોડીક વાત કરીએ તો સ્પેશિયલ 26, સિંઘમ રિટર્ન્સ, ગબ્બર ઈઝ બેક, ઓહ માય ગોડ, પ્યાર કા પંચનામા(1&2), રૂસ્તમ જેવી ફિલ્મોનું ડિસ્ટ્રીબ્યુશન આ સ્ટુડિયો દ્વારા થયું છે. તે ઉપરાંત પ્રોડક્શનની વાત કરીએ તો ઓમકારા, દ્રશ્યમ અને પ્યાર કા પંચનામા (1 & 2) જેવી ફિલ્મોમા આ સ્ટુડિયો દ્વારા પ્રોડક્શન પણ થયું છે. જ્યારે હોલિવૂડની ફિલ્મોની વાત કરીએ તો હેંગઓવર, હેરીપોર્ટર જેવી ફિલ્મોમાં આ સ્ટુડિયો દ્વારા કામ કરવામાં આવ્યું છે.
આ અંગે પેનોરામા સ્ટુડિયોના એમડી અભિષેક પાઠકે કહ્યું હતું કે ફિલ્મ ચલાવવા માટે તેનું જબરદસ્ત માર્કેટિંગ જરૂરી છે પણ હાલમાં ગુજરાતી ફિલ્મોનું માર્કેટિંગ જોઈએ તેવું નથી. એટલે તે થોડા સમયમાં દર્શકોની નજરમાંથી ઉતરી જાય છે અથવા તો ત્યાં સુધી પહોંચી જ શકતી નથી, જેથી આ ઈન્ડસ્ટ્રીને પ્લેટફોર્મ પર લાવવા માટે માર્કેટિંગની ખાસ જરૂર છે.
Khaatti Meethi સેટીંગ ફિલ્મની સ્ટાર કાસ્ટ વિશે જોઈએ તો આ ફિલ્મમાં કેવી રીતે જઈશ અને બે યાર જેવી સુપરહીટ ગુજરાતી ફિલ્મના લીડ એક્ટર દિવ્યાંગ ઠક્કરે મુખ્ય ભૂમિકા અદા કરી છે. તેમની સાથે સ્ટુડન્ટ ઓફ ધ યર અને મુજસે ફ્રેન્ડશીપ કરોગી ફેમ માનસી રાછ જોવા મળશે. જાણીતા નાટ્યકાર કમલ જોશીએ દિવ્યાંગના પિતાનો રોલ કર્યો છે અને અદિતી દેસાઈએ માનસીની માતાનો રોલ કર્યો છે. ફિલ્મમાં રઘુલીલા ફિલ્મ દ્વારા પ્રોડક્શન કરવામાં આવ્યું છે. સંગીત રિશી સિદ્ધાર્થનું છે. ગીતો નિરેન ભટ્ટે લખ્યાં છે.