શનિવાર, 16 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 9 મે 2016 (12:28 IST)

"પ્રીત પિયુને પાનેતર " : છેલ્લા 53 વર્ષથી 1 કરોડ લોકોએ માણેલું એકમાત્ર કોમેડી અને વિક્રમસર્જક નાટક

ગુજરાતી નાટકોની વાત આવે એટલે સૌથી પહેલા કોમેડી નાટકો યાદ આવે કારણ કે આપણે કોમેડી નાટકો જોવા માટે ટેવાયેલા છીએ. શેરીઓમાં, કોલેજમાં કે ટીવી પર નાટકને આપણે સતત માણતા આવ્યા છીએ. આ અંકમાં જ્યારે નાટકો વિશે ચર્ચા થઈ રહી છે ત્યારે એક એવા નાટકની વાત કરવી છે જેને વિક્રમોના પણ વિક્રમ સર્જી દીધા છે. છેલ્લા ૫3 વર્ષથી લોકોને ખડખડાટ, પેટ પકડીને હસાવતા નાટક પ્રીત પિયુને પાનેતરની કેટલીક વાતો અહીં રજુ કરી છે. આ નાટકના સર્જક વિનોદ જાની મુળ તો શિક્ષક હતાં. શિક્ષકની સાથે તેઓ નાટ્યકાર પણ હતાં. તેમણે પોતાના જીવનમાં ૨૮થી વધુ ત્રિઅંકી નાટકો લખ્યાં છે. તે ઉપરાંત ૧૦૦ કરતાં પણ વધુ એકાંકી નાટકો લખ્યાં છે.  તેમનું પ્રીત પિયુને પાનેતર નામનું એકમાત્ર નાટક જેણે સમગ્ર વિશ્વમાં ૧૦ હજાર કરતાં પણ વધારે શો કર્યાં છે. આ નાટક ભારત સહિત અમેરિકા, કેનેડા, ઈંગલેન્ડ, પોર્ટુગલ, દક્ષિણ આફ્રિકા, ઈસ્ટ આફ્રિકાના દેશો, યમન, દુબઈ, જર્મની, મસ્કત અને સલાલા જેવા દેશોમાં ભજવાઈ ચૂક્યું છે. આજે પણ  આ નાટક માત્ર ટિકીટબારી પર ચાલી રહ્યું છે.   વિનોદ જાની મુળ સુરેન્દ્રનગરના લખતર પાસે વણા ગામના હતાં. તેમનો જન્મ ૨૭-૩-૧૯૩૯ના રોજ થયો હતો. આ દિવસને વિશ્વ રંગભૂમી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં સૌથી વધુ લોકપ્રિય બનેલું પ્રીત પિયુને પાનેતર નામનું આ કોમેડી નાટક ૧૯૬૧માં લખાયું હતું. તેનો પ્રથમ પ્રયોગ ૧-૧-૧૯૬૩માં અમદાવાદના ટાઉનહોલ ખાતે થયો હતો.   પ્રીત પિયુને પાનેતર નામનું આ લોકપ્રિય નાટક છેલ્લાં ૫૩ વર્ષથી ચાલી રહ્યું છે. જેમાં અમદાવાદ અને મુંબઈના ૪૦૦ જેટલા કલાકારોએ કામ કર્યું છે. સૌ પ્રથમ જ્યારે આ નાટક લખાયું ત્યારે તેનું નામ જોડનો જોકર હતું. ત્યાર બાદ તેનું નામ બદલીને પ્રિતમ પ્રેમમાં પડ્યો રાખવામાં આવ્યું હતું. વિનોદભાઈને જ્યારે એક સજ્જન માણસે ફરીવાર આ નાટકનું નામ બદલવા કહ્યું ત્યારે એક ગુજરાતી ફિલ્મનું વણવપરાયેલું ટાઈટલ પ્રીત પિુયુને પાનેતરને આ નાટકનું નામ આપવામાં આવ્યું. ત્યાર બાદ સતત નાટકના શો થવા લાગ્યા અને લોકો વારંવાર તેને જોઈને નાટકની મજા માણવા લાગ્યા. જેને આજે પણ લોકો માણી રહ્યાં છે. સમગ્ર વિશ્વમાં આ નાટકને ૧ કરોડથી પણ વધારે લોકોએ માણ્યું છે.  

વિનોદ જાનીના પુત્ર રાગી જાને આ નાટક વિશે પોતાના પ્રવેશને લઈને કહે છે કે બાળપણથી જ ઘરમાં નાટકનું વાતાવરણ હોવાથી મને પણ નાટ્ય ક્ષેત્રે રસ જાગ્યો હતો. મે પ્રીત પિયુને પાનેતરમાં પ્રથમ વાર સુરતમાં યોજાયેલ શોમાં 22 વર્ષના બાબલાનું પાત્ર કર્યું હતું. છેલ્લા 24 વર્ષથી  હું આ પાત્ર હું કરી રહ્યો છું. આ નાટકને ભજવવાની પધ્ધતિમાં ફેરફારો કર્યા છે પણ  સંવાદોમાં ક્યારેય  ફેરફારો કર્યા નથી. આજે પણ આ સંવાદો નાટકમાં બોલાય છે. અમે નાટકના મૂળ તત્વને જાળવી રાખ્યું છે.નાટકની ગરિમા જાળવી રાખી છે. આ નાટકમાં સંગીત નથી. એક લાઇટ પર શરૂ થઇ પુરુ થાય છે. તો પણ લોકો ખડખડાટ હસે છે.  ઘણા પ્રેક્ષકોએ 25 વાર આ નાટક જોયું છે. મુંબઇમાં એક પ્રેક્ષકે 100 વાર આ નાટક જોયું છે. આ નાટકની બીજી ખાસ બાબત એ છે કે નાટકની જોડણી પણ ખોટી છે. પ્રીત પિયુને પાનેતર નામ હોવા છતાં સફળ રહી છે.આ સૌ પહેલું ગુજરાતી નાટક હશે જે વિદેશમાં શો થયા છે. મુંબઇની સ્ટિમરમાં પણ શો થયા છે. 

1961માં નાટક લખાયું
1963 જાન્યુઆરીમાં શે.મં.ટાઉનહોલમાં પ્રથમવાર રજૂઆત
1972 ઇસ્ટ આફ્રિકા ખાતે પબ્લિક શોનો પ્રારંભ વિદેશી નાટ્ય ટુરનું મંગલાચરણ થયું, અરુઆમાં ગુજરાતી ખોજા અને મેમણ પરિવારોએ સર્વપ્રથમ આ નાટક જોયું
1973 ઇગ્લેન્ડ ખાતે આ નાટકથી ગુજરાતી નાટકોની ટુરનો પ્રારંભ
1976 અમેરિકા, કેનેડા ખાતે આ નાટક રજૂ થયું
1982 પોર્ટુગલ- લિસ્બનમાં ગુજરાતી નાટક પ્રથમ વાર ભજવ્યું
53 વર્ષથી સતત રજૂ થતું પ્રહસન
સમગ્ર ભારત સહિત દેશ –વિદેશોમાં 10 હજારથી વધુ શો થયા
1 કરોડથી વધુ પ્રેક્ષકોએ આ નાટકને માણ્યું
280 રજત જયંતિ
140 સુવર્ણ જયંતિ
70 હીરક મહોત્સવ
400થી વધુ કલાકારોએ ભાગ લીધો
એક જ સમયે અમદાવાદમાં ત્રણ નાટ્યગૃહોમાં રજૂઆત
એક જ નાટ્યગૃહમાં એક દિવસે સળંગ ચાર શો થયા
પ્રીત પિયુને પાનેતર નાટકની જોડણી ખોટી હોવા છતાં સફળતાને શીરે
આ નાટકનું બે વાર નામ બદલાયું