મંગળવાર, 5 માર્ચ 2024
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 14 ફેબ્રુઆરી 2023 (09:48 IST)

પ્રસિધ્ધ લેખક અને જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા પન્નાલાલ પટેલની આત્મકથાની અંગ્રેજી આવૃત્તિનું વિમોચન

પન્નાલાલ પટેલની આત્મકથા: દાદાની આત્મકથા પૌત્રીએ અંગ્રેજીમાં પ્રસિદ્ધ કરી
 
પ્રસિધ્ધ લેખક અને જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા પન્નાલાલ પટેલની આત્મકથાના અંગ્રેજી રૂપાંતર Finding Gattu: The Compelling Journey of Pannalal Patel નું વિમોચન ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે રવિવારે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે ગુજરાતી સાહિત્યના અગ્રણી મહાનુભવોની હાજરીમાં કરવામાં આવ્યું હતું. લાલ પટેલની જીવનકથા ‘જીંદગી સંજીવની’ જે વર્ષ 1986માં લખવામાં આવી હતી તેનુ તેમની પૌત્રી નતાશા પટેલ નેમાએ અંગ્રેજીમાં રૂપાંતર કર્યું છે.
 
આ પુસ્તક વિમોચન સમારંભમાં ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે “હું પન્નાલાલ પટેલની જીવનકથાનું અંગ્રેજીમાં રૂપાંતર કરવા બદલ નતાશા પટેલ નેમાને અભિનંદન પાઠવું છું. તેમની આ કથા વધુમાં વધુ લોકો સુધી પહોંચવી જોઈએ. મને વિશ્વાસ છે કે આ પુસ્તકને ભવ્ય સફળતા હાંસલ થશે.” ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેન ભાગ્યેશ જ્હા અને મોટીવેશનલ સ્પીકર જય વસાવડા અને કાજલ ઓઝા વૈધ તથા ફિલ્મ નિર્માકા અભિષેક જૈન પણ આ સમારંભમાં હાજર રહ્યા હતા.
 
આ પ્રસંગે નતાશા પટેલ નેમા એ જણાવ્યું હતું કે “મારા દાદા પન્નાલાલ પટેલની જીવનકથા લખવી તે મારા માટે સાચા અર્થમાં જીવન બદલી નાંખે તેવો અનુભવ છે. તેમનું જીવન સાચા અર્થમાં પ્રેરણારૂપ હતું. મેં મારા બાળપણમાં તેમની કથા સાંભળી હતી, પરંતુ જીંદગી સંજીવન પુસ્તક વાંચતાં મને અનોખો અનુભવ થયો છે. હું માત્ર કલ્પના જ કરી શકું છું કે તેમણે જીવનમાં કેવા સંઘર્ષનો અનુભવ કર્યો છે. 
 
તેમણે નાની ઉંમરે પોતાના માતા અને પિતા બંને ગૂમાવ્યા હતા અને શાળાનો અભ્યાસ છોડી દેવો પડ્યો હતો. પોતાનું અને પરિવારનું જીવન ટકાવી રાખવા માટે મજૂરી કરવી પડી હતી અને આ ગાળા દરમ્યાન તેમની નજીકના અનેક લોકો ગૂમાવ્યા હતા, પરંતુ તેમનામાં પડેલો તણખો બુઝાયો ન હતો. તે હતાશ થયા ન હતા અને આપણે જાણીએ છીએ કે તેમણે કેવી સિધ્ધિઓ હાંસલ કરી હતી.”
 
નતાશાએ વધુમાં જણાવ્યું હતું કે “મારા દાદાએ જીવનના પડકારોનો કઈ રીતે સામનો કર્યો તેની કથા આજે પણ પ્રેરણાદાયક અને જીવન સાથે સાંકળી શકાય તેવી છે. તેમની કથા વ્યાપક જનસમુદાય સુધી અને ખાસ કરીને યુવાનો સુધી પહોંચવી જોઈએ અને આ હેતુથી જ મેં તેમની જીવનકથા અંગ્રેજીમાં લખવાનો નિર્ણય કર્યો હતો. મારા દાદાએ લખેલી મૂળ ગુજરાતી આત્મકથાનો ભાવ જાળવી રાખવાનો મેં મારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે. મને વિશ્વાસ છે કે તે વાચકોના હૃદય સુધી જરૂર પહોંચશે.”
 
પન્નાલાલ પટેલનો જન્મ વર્ષ 1912માં થયો હતો, પરંતુ તેમણે માત્ર 2 વર્ષની ઉંમરે તેમના પિતા ગૂમાવ્યા હતા. તેમની માતાએ અનેક મુસીબતો વચ્ચે તેમનો ઉછેર કર્યો હતો અને તે પછી તેમની માતાનું પણ અવસાન થતાં તેમણે શાળા છોડવાની ફરજ પડી હતી. આ પછી તેમણે પોતાનું અને પરિવારનું જીવન ટકાવી રાખવા માટે નોકર તરીકે કામ કરવું પડ્યું અને તેલની મિલમાં 7 વર્ષ સુધી નોકરી કરી હતી. તેમના શાળાના મિત્ર અને પ્રસિધ્ધ લેખક ઉમાશંકર જોષીના આગ્રહને કારણે તેમણે લખવાનું શરૂ કર્યું હતું. ખૂબ જ ટૂંકાગાળામાં પન્નાલાલ પટેલ તેમને ગુજરાતી સાહિત્ય જગતમાં મોખરાન સ્થાને સ્થાપિત કરી શક્યા હતા.
 
પોતાની પાંચ દાયકાની લેખન કારકીર્દિમાં પન્નાલાલ પટેલે 61 નવલકથાઓ, ટૂંકી વાર્તાઓના 26 સંગ્રહ અને અનેક પુસ્તકો લખ્યા છે. ભારતમાં સાહિત્યનું સર્વોચ્ચ બહુમાન ગણાતો જ્ઞાનપીઠ એવોર્ડ તેમને 1985માં એનાયત કરવામાં આવ્યો હતો. વર્ષ 1989માં પન્નાલાલ પટેલનું 77 વર્ષની વયે અવસાન થયું હતું.