હેલ્થ ટિપ્સ - મોઢાનું કેન્સર શું છે...? મોઢાનું કેન્સર થવાનું કારણ...?

Last Updated: ગુરુવાર, 1 ઑક્ટોબર 2015 (14:52 IST)

મોઢાના કેન્સરથી દર ૩ કલાકે ૧ વ્યક્તિનું મૃત્યુ થાય છે. ભારતમાં સૌથી સામાન્ય કેન્સર છે. ૧૦ માંથી ૪ કેન્સર મોઢાના કેન્સર હોય છે. દર વર્ષે ૧,૩૦,૦૦૦ મૃત્યુ મોઢાના કેન્સરથી થાય છે.

મોઢાનું કેન્સર શું છે...?
આપણું શરીર ઘણા બધા નાના-નાના એકમોથી બનેલું છે જેને કોષો કહેવાય છે. આ કોષો એક મર્યાદિત જીવનકાળ ધરાવતા હોય છે. નવા કોષો બનવાની અને જુના કે ઘવાયેલા કોષો મોત થવાની પ્રક્રિયા એ સતત ચાલનારી પ્રક્રિયા છે. આ એક વ્યક્તિનું સારૃં આરોગ્ય જાળવી રાખે છે. કોઈ કારણોસર આ પ્રક્રિયામાં ખલેલ પહોંચી શકે છે અને કોષો અનિયંત્રીત રૃપે વધવા લાગે છે. જ્યારે આવું બને છે, ત્યારે તેને કેન્સર કહેવાય છે. આ કોષો કેન્સરગ્રસ્ત ક્ષેત્રોની આજુબાજુના વિસ્તારોમાં પ્રવેશ કરે છે અથવા તો શરીરના દૂરના ભાગોમાં લોહીના કે શરીરના માસપેશીઓ અથવા ઈન્દ્રિયોમાંથી નીકળતા વણ હીન પ્રવાહીના પરિભ્રમણ દ્વારા ફેલાય છે.
મોઢાનું કેન્સર એ ભારતમાં આરોગ્યને અસર કરતી મહત્ત્વની બાબત છે. પુરુષોમાં તે સૌથી સામાન્ય કેન્સર છે અને સ્ત્રીઓમાં ત્રીજુ સૌથી સામાન્ય કેન્સર છે. આશરે તમાકુના વિભિન્ન ઉત્પાદનોના સેવનને લીધે આશરે ૯૦ ટકા દર્દીઓ મોઢાના કેન્સરથી પીડિત છે. આ બધા દર્દીઓમાંથી લગભગ ૭૮.૮૦ ટકા રોગનું નિદાન વધી ગયા પછી થતું હોય છે. જેથી તેની સારવાર અને નિયંત્રણ કરવું અઘરૃ બનાવી દે છે. આ સત્ય રોગને થતો અટકાવવા અને તે વધુ ફેલાઈ જાય તે પહેલા તેને
શરૃઆતના તબક્કાઓમાં શોધવાના ઉપાયોની જરૃરિયાતો પર ધ્યાન દોરનાર છે.

મોઢાનું કેન્સર થવાનું કારણ...?


તમાકુનો ઉપયોગ ખાસ કરીને ગુટખા, જર્દા, અને ધુમાડારહિત તમાકુના અન્ય સ્વરૃપો અને સોપારીએ જ ભારતભરમાં મોઢાના કેન્સર માટેનું એક માત્ર સૌથી મહત્ત્વનું જોખમકારક પરિબળ છે.
સિગારેટ/બીડી અને તમાકુના અન્ય સ્વરૃપોનો ઉપયોગ પણ મોઢાનું કેન્સર થવાનું જોખમ વધારી દે છે અને દારૃનો ઉપયોગ તમાકુની અસરોને વધારી દે છે.
અન્ય જોખમી પરિબળોમાં સામેલ છે તીક્ષ્ણ ધારવાળા દાંત કે બનાવટી દાંતના ચોક્ઠા દ્વારા થતી પેઢા અને ગાલમાં બળતરા, કુપોષણ અને હયુમન પેપીલોમા વાયરસ (એચપીવી) ને લીધે લાગતો ચેપ.
મને કેવી રીતે ખબર પડશે કે મને મોઢાનું કેન્સર છે...? અને લક્ષણો
૦ મોઢાની અંદર અથવા જીભ પર રહેલું ચાંદુ અથવા સફેદ કે લાલ ધાબુ જે ત્રણ અઠવાડિયાની અંદરના સમયમાં પણ મટ્યું ન હોય.
૦ મોઢાના જડબામાં અથવા ગળામાં ક્યાંય પણ આવેલો સોજો જે ત્રણ અઠવાડિયાથી પણ વધારે સમય પછી પણ હટે નહીં.
૦ પૂરૃં મોઢું ખોલવાની પડતી તકલીફ.
૦ ગળવામાં, ચાવવામાં અથવા જીભ કે જડબુ હલાવવામાં તકલીફ.
૦ અન્નનલિકા અથવા ગળામાં કંઈક અટકી ગયું હોય તેવું લાગે.
૦ લાંબા સમયથી ચાલી રહેલ ગળાની તકલીફ અથવા ઘોઘરાપણું જે છ અઠવાડિયાથી પણ વધારે સમય પછી પણ હટે નહીં.
૦ કોઈપણ કારણ વગર દાંત ઢીલા પડવા માંડે
મોઢાના કેન્સરનું નિદાન કેવી રીતે થાય છે...?
પ્રકાશના એક સારા સ્ત્રોત દ્વારા મોઢાનું કરેલું એક સાદુ પરીક્ષણ મોટા ભાગના કેન્સરના દર્દીઓનું નિદાન કરવામાં મદદરૃપ થાય છે. આ નિદાનને પુષ્ટિ આપવા માટે એક 'ફાઈન નીડલ એસ્પીટેશન (એફએનએ)' તરીકે ખોળખાતું પરીક્ષણ અથવા તો એક નાનું પેશી પરીક્ષણ (બાયોપ્સી) કરવામાં આવે છે. આ વિધિઓ દવાખાનામાં દાખલ થયા વિના પણ કરાવી શકાય છે. અન્ય તપાસો જેમાં એક્સ-રે, સિટી સ્કેન અને કેટલાક રક્ત પરીક્ષણો સામેલ છે તે રોગના ફેલાવો કેટલે છે છે તે શોધવા માટે અને દર્દીની સારવાર કરવા માટે કરવામાં આવે છે.
મોઢાના કેન્સરની સારવાર કેવી રીતે કરવામાં આવશે...?
શસ્ત્રક્રિયા (ઓપરેશન)ઃ શસ્ત્રક્રિયા અથવા અસર થયેલા શરીરના ભાગને કાઢવાની પ્રક્રિયા એ મોઢાના કેન્સરની સૌથી મહત્ત્વની સારવાર છે. આ પ્રક્રિયામાં અસર થયેલો શરીરના ભાગમાંથી સહેજ સાધારણ કદનો કોષમંડળ કાઢવામાં આવે છે અને પરીક્ષણ માટે મોકલવામાં આવે છે. જો પેથોલોજીસ્ટ આ સાધારણ કદના નમૂનામાં કેન્સર શોધી લે છે તો દર્દીને બીજી વખત શસ્ત્રક્રિયા કરાવવાની જરૃર પડી શકે છે જેથી એ ચોક્કસ કરી શકાય કે કેન્સરની અસર થયેલા ભાગોની આસપાસ સફાઈ થઈ જાય.
રેડિયોથેરાપી (વિકિરણોથી શેક લેવાની પધ્ધતિ)ઃ વિકિરણોનો ઉપયોગ કરીને કેન્સર મટાડવાની રીતને રેડીએશન થેરાપી કહે છે. રેડિયોથેરાપીનો ઉપયોગ એવી ગાંઠોની સારવાર માટે કરવામાં આવે છે જે કદમાં મોટી હોય અને ઓપરેશન દ્વારા કાઢી શકાય તેમ ન હોય. ઓપરેશન કરાવ્યા પછી કેન્સરને ઉથલો મારતું અટકાવવા માટે પણ અમુક દર્દીઓને આપવામાં આવે છે.
કેમોથેરાપી/સિસ્ટેમિક થેરાપીઃ દવાઓ (રસાયણો) નો ઉપયોગ કરીને શરીરમાં ક્યાંય પણ કેન્સરના કોષો હોય તેને મારી નાખવાનું કામ આ થેરાપી દ્વારા કરવામાં આવે છે. આ દવાઓ કેન્સરના કોષોને મારી નાખે છે જે ઝડપથી વધતા હોય છે, પરંતુ શરીરના એવા કોષોને પણ મારી નાખે છે જે કેન્સરના કોષોની જેમ ત્વરીત વિકાસનો ગુણ ધરાવતા હોય. આના પરિણામ સ્વરૃપ આ દવાઓની આડઅસર પેદા કરી શકે છે જેમ કે વાળ ખરી જવા, રક્તકણોની સંખ્યા ઘટવી, નબળાઈ આવવી વિગેરે.
કેમોથેરાપીનો ઉપયોગ મોઢાના એવા કેન્સર માટે થાય છે કે જે ઓપરેશન દ્વારા દૂર કરવા માટે બહુ મોટા પડતા હોય ગાંઠનું કદ ઓછું કરવામાં કેમોથેરાપી મદદ કરે છે. જેથી તેને પછી ઓપરેશન દ્વારા કાઢી શકાય.
મોઢાનું કેન્સર થતાં પહેલા મોઢામાં દેખાતા લક્ષણો કે જે ભવિષ્યમા વહેલી તકે યોગ્ય સારવાર ન કરવામાં આવે તો કેન્સરમાં રૃપાંતરીત થઈ શકે
૦ મોઢાની અંદર રોગિષ્ટ વ્રણ અથવા સફેદ અથવા લાલ ધાબુ (તમાકુની નાની ગોળી બનાવીને ગાલ પાસે કે પેઢા પાસે ભરાવવાની અદાતથી એ જગ્યાએ આવા ધાબા થાય છે)
૦ પૂરૃં મોઢું ખોલવામાં પડતી તકલીફ (સોપારીનો પાન સાથે મિક્સ કરી ઉપયોગ કરવાથી આવું થાય છે)
શું મોઢાનું કેન્સર અટકાવી શકાય છે...?
તમાકુનું સેવન છોડી દેવું તે મોઢાનું કેન્સર થતું રોકવા માટેનું એક મહત્ત્વનું પગલું છે. તમાકુ અને દારૃનો ઉપયોગ કરવાનું બંધ કરી દેવાથી અને આરોગ્યપ્રદ, પોષણક્ષમ ખોરાક ખાવાથી આપણે કેન્સર થતું અટકાવી શકીએ.

ડોક્ટરને પૂછવા માટેના પ્રશ્નો
૦ મને મોઢાનું કેન્સર હોઈ શકે છે તેવું તમે શા માટે વિચારો છો...?
૦ શું મને થતી તકલીફ કોઈ અન્ય કારણોને લીધે હોઈ શકે છે...?
૦ શું તમે મહેરબાની કરીને એ લખશો કે મને ક્યા પ્રકારનું કેન્સર હોઈ શકે તેવું તમે વિચારી રહ્યા છો...?
૦ મારે ક્યા-ક્યા પરીક્ષણો કરાવવાની જરૃર પડશે...?
૦ પરીક્ષણો કર્યા પછી આવેલા તેના પરિણામો અંગેની સમજ મને કોણ આપશે...?
૦ મારે કઈ સારવાર લેવી જોઈએ તેવું તમે વિચારો છો...?
૦ શું તમને લાગે છે તેનાથી કેન્સર મટી જશે...?
૦ આ સારવારથી મને કઈ આડઅસરો થઈ શકે છે...?આ પણ વાંચો :