મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Modified: શનિવાર, 7 જુલાઈ 2018 (16:12 IST)

સફેદ વાળ નથી ગમતા?...અટકાવવા માટે કરો આ ઉપાયો...

ઉંમરની સાથે સાથે વાળ સહેદ કે આછા થાય સામાન્ય વાત છે, પરંતુ ઉંમર પહેલા વાળનું પાકવું તે ચિંતાનો વિષય બની શકે છે. વાળને કસમયે પાકતા રોકવા માટે ચા, કોફીનું સેવન ઓછુ કરી દેવું જોઈએ. સાથે જ આલ્કોહોલનું સેવન બિલકુલ ન કરવું જોઈએ. ભોજનમાં ખાટુ, અમ્લીય ખાદ્યપદાર્થો, તેલ અને તીખા પદાર્થોથી પણ આ સમસ્યા વધે છે. આ સિવાય માનસિક તણાવ, ચિંતા, ધુમ્રપાન, દવાઓ અને લાંબા સમય સુધી વાળોને બ્લીચ કરવા, રંગ લગાવવો વગેરે વાળને પાકતા, ખરતા કે બે મોંવાળા થવાના સિલસિલાને વધુ તેજ બનાવે છે. જો તમે આ પરેશાનીઓથી બચવા માંગતા હો તો અપનાવો આ નુસખાઓ જે વાળ માટે વરદાનરૂપ સાબિત થઈ શકે તેમ છે..

-આદુને બરાબર ખાંડીને મધના રસમાં ભેળવી લો. એને વાળમાં અઠવાડીયામાં ઓછામાં ઓછું બે વાર નિયમિત રૂપથી લગાવો. જેનાથી વાળ સફેદ થતાં ઓછા થશે.

– જાસુદના ફુલોને પીસીને તેની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને વાળમાં લગાવો. આ પેસ્ટ એક નેચરલ કંડિશનરની માફક કામ કરે છે. આ પેસ્ટનો સતત ઉપયોગ કરવાથી વાળ ખરવાનું બંધ થઈ જાય છે.


– સુકા આમળાના પાણીને ઉકાળી લો. આ પાણી અડધુ રહી જાય ત્યાં સુધી ઉકાળો. તેમાં મહેંદી અને લીંબુના રસને ભેળવીને વાળમાં લગાવો. મનાય છે કે આવું કરવાથી અકાળે વાળ સફેદ થતા અટકી જાય છે.

-મેથીના દાણાને પીસીને મહેંદીમાં ભેળવી દો. તેમાં તુલસીના પાનનો રસ તેમજ સુકી ચાની પત્તીઓની ભેળવીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને વાળમાં લગાવી બે કલાક સુધી રાખો. કોઈ હર્બલ શેમ્પુથી વાળને ધોઈ લો, ફાયદો થશે.

-1/2કપ નારિયેલ તેલ કે ઓલિવ ઓઈલને હળવું ગરમ કરી લો. તેમાં 4 ગ્રામ કપુર ભેળવી લો. જ્યારે કપુર સંપૂર્ણપણે ઓગળી જાય એ પછી તે તેલથી માલિશ કરો. અઠવાડિયામાં એકવાર આની માલિશ જરૂર કરવી જોઈએ. થોડા જ સમયમાં ખોડો દુર થશે.

વાળમાં અઠવાડિયામાં એકવાર તલનું તેલ જરૂર લગાવવું જોઈએ. આ તેલના સતત ઉપયોગથી વાળ ખરવાનું બંધ થઈ જાય છે.

-નારિયેલ તેલમાં થોડું દહીં ભેળવીના માથામાં માલિશ કરો. તેનાથી બે મોં વાળા વાળ નહિં થાય. સાથે જ વાળ ખરવાનું બંધ થઈ જશે.

-દહીં અને ટમેટાને પીસી લો. તેમાં થોડો લીંબુનો રસ અને નિલગીરીનું તેલ ભેળવો. તેનાથી અઠવાડિયામાં બે વાર વાળમાં માલિશ કરો. વાળ લાંબી ઉંમર સુધી કાળા અને ઘાટા રહેશે. આમળાના કેટલાક ટુકડાઓને નારિયેલ તેલમાં ઉકાળી લો. તેલને એટલું ઉકાળો કે આમળા કાળા થઈ જાય. આ તેલને દરરોજ વાળમાં લગાવવાથી સફેદ વાળ ફરીથી કાળા થવા લાગે છે.


-સુરજમુખી, જરદાળુ, ઘઉં, પાર્સલી અને પાલક વગેરે લોહતત્વોથી ભરપૂર વસ્તુઓનું સેવન કરો. કેળા, ગાજર અને માછલી જેવી આયોડિનયુક્ત ચીજો ખાવાથી ફાયદો થાય છે. આ સિવાય વિટાબીન બી5 અને બી2ને પણ તમારા ભોજનમાં સામેલ કરવી જોઈએ.

-અઠવાડિયામાં બે વાર ગાયના દુધથી બનેલી છાસને વાળના મુળમાં લગાવો. નાની ઉંમરમાં વાળ સફેદ નહીં થાય.

-આદુને છીલીને મિક્સરમાં પીસી લો. તેને નીચોવીને રસ કાઢી લો. પછી આદુના રસમાં મધને ભેળવીને વાળના મુળમાં લગાવો. એક કલાક બાદ વાળને ધોઈ લો. સતત આ ઉપાય કરવાથી નાની ઉંમરમાં સફેદ થયેલા વાળ ફરી કાળા થઈ જશે.

-નારિયેલ તેલમાં લીંબુનો રસ ભેળવીને તાળવામાં લગાવો. આ ઉપાય દરરોજ કરો. સફેદ વાળ કાળા થવા લાગશે.

-નારિયેલ તેલમાં મીઠા લીમડાના પાનને ઉકાળો, જ્યારે પાન કાળા થઈ જાય ત્યારે તેલને ઠંડુ કરી બોટલમાં ભરી લો. આ તેલને દરરોજ લગાવવાથી લાભ થશે

-ડુંગળીના ટુકડા કરી મિક્સરમાં પીસી લો. આ રસને વાળના મુળમાં લગાવો. આના નિયમિત ઉપયોગથી ઓછી ઉંમરમાં સફેદ થયેલા વાળ કાળા થઈ જાય છે. સાથે જ વાળ ખરતાં ઓછા થઈ જાય છે.

-બે ચમચી મહેંદી પાઉડર, એક ચમચી દહીં, 1 ચમચી મેથીના દાણાનો પાઉડર, ત્રણ ચમચી કોફી, બે ચમચી તુલસીના પાઉડરનું મિશ્રણ વાળમાં લગાવો અને ત્રણ કલાક બાદ વાળ ધોઈ લો.

-અડધા કપ દહીંમાં એક ગ્રામ મરીના પાઉડર અને થોડા લીંબુના રસને ભેળવીને વાળમાં લગાવો. ફાયદો થશે.

-દુધીને સુકવીને નારિયેલ તેલમાં ઉકાળી લો. આ તેલને ગાળીને બોટલમાં ભરી લો. આ તેલથી મસાજ કરવાથી વાળ કાળા થઈ જશે.
જામફળના પાનની પેસ્ટ બનાવી વાળમાં લગાવો. લાભ થશે.

– વાળ ધોતા પહેલા વાળને એલોવેરા જેલની મસાજ કરો. વાળ ઘટ્ટ અને કાળા થઈ જશે.

– 250 ગ્રામ સરસવના તેલમાં મહેંદીના પાનને ઉકાળો. આ તેલને ગાળીને બોટલમાં ભરીને રાખો. રોજ રાત્રે સુતા પહેલા વાળમાં લગાવો.

– મહેંદીના પાનમાં થોડા લીંબુના રસને ભેળવીને પીસી લો. આમાં એક ચમચી કોફી પાઉડર અને એક ઈંડું ભેળવી દો. આ મિશ્રણને વાળમાં લગાવો અને 45 મિનીટ બાદ વાળ ધોઈ લો.

-બ્રાહ્મીના પાનને પીસીને કે તેનું તેલ બનાવીને વાળને લગાવો, વાળ કાળા થવા લાગશે.

– તુરીયાને કાપીને નારિયેલ તેલમાં ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી તે કાળા ન થઈ જાય. આ તેલને રોજ વાળમાં લગાવવાથી વાળ કાળા થઈ જાય છે.

– આમળાની સાથે કેરીની ગોટલીને પાણીમાં ભેળવીને પીસી લો. આ મિશ્રણે વાળમાં લગાવી એક કલાક બાદ વાળ ધોઈ લો.

– કાળા અખરોટને પાણીમાં ઉકાળી તે પાણીને ઠંડુ કરી વાળ ધોઈ લો. નાની ઉંમરમાં સફેદ થયેલા વાળ ફરીથી કાળા થઈ જશે.

-વાળને હંમેશા ઠંડા અને સાફ પાણીથી ધોવા જોઈએ.

-લીલા આમળાની પેસ્ટ બનાવી વાળના મુળમાં લગાવો અથવા આમળા પાઉડરમાં લીંબુના રસને મેળવીને વાળમાં લગાવો.
એક લીંબુના રસમાં તેટલું જ પાણી મેળવીને મિશ્રણ બનાવી લો. શેમ્પુ કર્યા બાદ વાળમાં તેને લગાવો. થોડી વાર રહેવા દિધા બાદ તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો.

– આમળાનો રસ, લીંબુનો રસ અને બદામના તેલને મિક્સ કરી વાળના મુળમાં લગાવો.

– મેથીના દાણાને રાતભર પાણીમાં પલાળી દો, સવારે મેથીના દાણાને દહીમાં પીસીને વાળમાં લગાવી દો. એક કલાક બાદ ધોઈ નાંખો.