એલ્લુરી સીથા રામા રાજુ : રેમ્પા બળવાનો લોકનાયક

Last Modified મંગળવાર, 9 ઑગસ્ટ 2016 (18:25 IST)
 એલ્લુરી સીથા રામા રાજુ : રેમ્પા બળવાનો લોકનાયક
























એલ્લુરી સીથા રામા રાજુનો સમાવેશ ભારતમાં જન્મેલા સૌથી મોટા પનોતા પુત્રોમાં થાય છે. તેણે ભારત માતાને આઝાદ કરવા માટે પોતાના પ્રાણની આહુતિ આપી હતી. તેની પ્રેરણાદાયી વિરત્વની વાતો હજુ પણ તેલુગુ પ્રજાને પ્રેરી રહી છે. જો કે તેની બ્રિટીશરો સાથેની લડાઈ માત્ર બે માસ ચાલી હતી, આમ છતાં તેણે ભારતની આઝાદીની ચળવળના ઈતિહાસમાં લાંબાગાળાની અમીટ છાપ છોડી દીધી છે અને દેશના લોકોના હૃદયમાં કાયમી સ્થાન પ્રાપ્ત કર્યું છે.
 
ઈતિહાસકાર સુમીત સરકારે તેમના પુસ્તક મોર્ડન ઈન્ડિયા 1885-1947 માં રામા રાજુએ કરેલા ઐતિહાસિક બળવાની નોંધ લેતા જણાવ્યું છે કે " આ બળવાનો નોંધપાત્ર પૂરાવો હંમેશા જાગૃત રહેતા ઉત્તર ગોદાવરી વિસ્તારમાં રેમ્પા રિજીયનમાં જોવા મળ્યો છે. અહીં ઓગષ્ટ 1922 થી મે 1924 સુધી સીથા રામ રાજુએ વાસ્તવિક ગેરીલા યુધ્ધ જેવા દ્રશ્યો ઊભા કર્યા હતા. તે નોંધપાત્ર રીતે આંધ્રના લોકસમુદાયમાં હીરો બની ગયો હતો."
સરકારે એ બાબતની પણ નોંધ લીધી છે કે રાષ્ટ્રના ઈતિહાસના પુસ્તકોમાં તેમની યોગ્ય નોંધ લેવાઈ નથી અને અન્ય સ્થળોએ પણ તે લગભગ અજાણ્યા રહ્યા છે.
 
તા. 4 જુલાઈ, 1897ના દિવસે એક મધ્યમ વર્ગના નમ્ર પરિવારમાં સાગરકાંઠે આવેલા શહેર નજીક નાના ગામમાં જન્મેલા રામા રાજુને તેના જીવનના શરૂઆતના વર્ષોમાં રાષ્ટ્રપ્રેમની વાતોની ઊંડી અસર થઈ  હતી. તેના એક મિત્રએ 13 વર્ષના રાજુને કીંગ જ્યોર્જનું ચિત્ર દર્શાવતા કેટલાક બેઝ આપ્યા ત્યારે તેણે એક બેઝ પોતાના શર્ટ  ઉપર લગાવ્યો અને બાકીના બેઝ ફેંકીને કહ્યું કે "આ બેઝ મને આપણી ગુલામીની યાદ અપાવશે. મેં તેને મારા શર્ટ ઉપર એટલા માટે લગાવ્યો છે કે વિદેશી શાસકો આપણા દેશને કચડી રહ્યા છે તેની મને સતત યાદ મળતી રહે."
પોતાના પિતાના મૃત્યુ પછી શાળાનું શિક્ષણ અટકી પડ્યું અને તે પોતાની કિશોર વયમાં પશ્ચિમ, ઉત્તર-પશ્ચિમ અને ઉત્તર અને ઉત્તર ભારતની યાત્રાએ નિકળી પડ્યો. બ્રિટીશ શાસન હેઠળ ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં ભારતની આર્થિક-સામાજીક સ્થિતિનું ચિત્ર તેને વ્યથિત કરી ગયું. પોતાના પ્રવાસ દરમિયાન તે ચિત્તાગોંગ (બંગ્લાદેશમાં આવેલું છે) માં ક્રાંતિકારીઓને મળ્યો.
રામા રાજુએ બ્રિટીશરો સામે ચળવળ કરવાનું મન મનાવી લીધું હતું . તેણે પૂર્વ ઘાટમાં આવેલા આદિવાસી વિસ્તારો (વિશાખાપટ્ટનમ અને ગોદાવરી જિલ્લાના વન વિસ્તારો)ને પોતાનું ઘર બનાવી લીધું. અહીંના વન વિસ્તાર (માન્યમ)માં લોકો દારૂણ ગરીબીમાં જીવતા હતા અને પોલીસ, વન અને મહેસૂલ ખાતાના અધિકારીઓ દ્વારા તેમની પરેશાની થઈ રહી હતી. અહીં તેણે કામ શરૂ કર્યું અને લાંબા પ્રવાસ દરમિયાન મળેલા પોતાના જ્ઞાનનો ઉપયોગ કરીને લોકોને સહાયક બની શિક્ષણ અને તબીબી સહાય પૂરી પાડવાનો પ્રારંભ કર્યો. તેણે માન્યમ વિસ્તારનો સઘન પ્રવાસ કર્યો.  લોકોને તેણે જણાવ્યું કે જંગલની પેદાશો પર તેમનો એક માત્ર અધિકાર છે. તેણે લોકોને મદ્રાસ ફોરેસ્ટ એક્ટ-1882 હેઠળ થઈ રહેલા અત્યાચાર સામે લડત ચલાવવા માટે  તૈયાર કર્યા. શરૂઆતમાં આસપાસના ગામોમાં તેને જે સફળતા મળી તેનાથી આદિવાસીઓ અને લોકોમાં આશા અને વિશ્વાસનો વધારો થયો અને વધુને વધુ લોકો રામા રાજુ સાથે જોડાયા.
 
પોતે પસંદ કરેલા માર્ગ અંગે તે ખૂબ વિશ્વાસ  ધરાવતો હતો. જોગાનુ જોગ શરૂઆતના ગાળામાં એક પત્રકારને આપેલી એક માત્ર મુલાકાતમાં જણાવ્યું હતું કે તે બે વર્ષમાં બ્રિટીશ રાજને ઉથલાવી દેશે.
 
જંગલની પેદાશો માટે પોતાના હક્કો માટે લડતા લડતા તેણે આદિવાસીઓને સંગઠીત કર્યા. આ વિસ્તારમાં તેણે બ્રિટીશ દળો સામે ગેરીલા પધ્ધતિથી વ્યાપક લડત લડવાની સમજ આપી. એક ક્ષણે તે એક સ્થળે દેખાતો હોય  અને બીજી ક્ષણે અદ્રશ્ય થઈને થોડાક સમયમાં જ બીજા સ્થળે દેખાઈને તેણે બ્રિટીશ દળોની ઊંઘ હરામ કરી દીધી હતી. તેણે પોલીસ સ્ટેશન ઉપર કરેલા હુમલાઓ આ વિસ્તારના લોકગીતોમાં વણી લેવાયા છે. તેણે અનુયાયીઓની એક મજબૂત ટીમ ઊભી કરી હતી. આ પરંપરાગત દળ કામઠા અને ભાલાને શસ્ત્રો તરીકે વાપરીને બ્રિટીશ દળો સામેની લડતમાં  અદ્દભૂત સફળતા હાંસલ કરી રહ્યા હતા.
 
સમય જતા તેણે આદિવાસીઓ પાસેથી કેટલીક  જાણીતી બનેલી પધ્ધતિઓ શિખી અને એ દ્વારા બ્રિટીશ દળોને પરંપરાગત શસ્ત્રો દ્વારા પ્રચંડ લડત આપવામાં આવી. દા.ત. તેની ટીમ વ્હિસલ અને નગારાંઓના તાલનો ઉપયોગ કરીને ક્રાંતિકારીઓ વચ્ચે સંદેશાઓનું આદાન-પ્રદાન કરતી હતી. ટૂંક સમયમાં તેને સમજાયું કે શસ્ત્રો ધરાવતા બ્રિટીશ દળો સામે પરંપરાગત શસ્ત્રો અર્થહીન બની રહે છે. તેણે વિચાર્યું કે દુશ્મનો પાસેથી શસ્ત્રો છીનવી લેવા જોઈએ અને ઝડપભેર પોલીસ સ્ટેશનો ઉપર હુમલા કરવા જોઈએ. આવો પ્રથમ હુમલો તા.22 ઓગષ્ટ, 1922ના રોજ વિશાખાપટ્ટનમ એજન્સી વિસ્તારમાં રાજુની આગેવાની હેઠળ 300 ક્રાંતિકારીઓએ કર્યો હતો. સમાન પ્રકારના હુમલાઓ ક્રિશ્નાદેવી પેટા પોલીસ સ્ટેશન અને રાજા ઓમાંગી પોલીસ સ્ટેશન પર કરવામાં આવ્યા હતા. આવા હુમલાઓમાં શસ્ત્રો અને શસ્ત્ર ભંડારો  લૂંટી લેવાયા હતા. બ્રિટીશ ઓફિસરોની આગેવાની હેઠળ પોલીસદળનો એક મોટો જથ્થો વિશાખાપટ્ટનમ, રાજા મુંદ્રી, પાર્વતીપુરમ અને કોરાપુટમાં મોકલવો પડ્યો હતો. આ લડાઈમાં તા.24 સપ્ટેમ્બર 1922ના રોજ સ્કોટ અને હેઈટર નામના બે અધિકારીઓ માર્યા ગયા અને અનેક લોકો ઘાયલ થયા. તમામ હુમલાઓનો અંત રાજુના હસ્તાક્ષર ધરાવતા એક ટ્રેડમાર્ક પત્રથી આવતો હતો, જેમાં કરાયેલી લૂંટ  અને સ્ટેશન ડાયરીની વિગતો અપાતી હતી.
 
એજન્સી કમિશ્નર જેઆર ફીગીન્સે રાજુના માથા માટે રૂ.10,000 અને તેના લેફ્ટેનન્ટસ ગન્ટમ ડોરા અને મલ્લુ દોરા બંને માટે રૂ.1,000નું ઈનામ જાહેર કર્યું. તેણે મલબાર સ્પેશિયલ પોલીસ અને આસામ રાયફલ્સના હજારો સૈનિકો ધરાવતું દળ સાબદું કરીને ટોચના બ્રિટીશ ઓફિસરોને આ ચળવળને કચડી નાંખવા માટે આગેવાની સોંપી. સ્પેન્ડર્સ અને ફોર્બસ જેવા અધિકારીઓએ ઘણીવાર રાજુની હિંમતને કારણે પીછેહઠ કરવી પડી હતી, પરંતુ રાજુએ બ્રિટીશરોને અટકાવવા કેટલાક હુમલાઓ કરવાનું ચાલુ રાખ્યું હતું.
માન્યમ દ્વારા વધી રહેલા હુમલાઓને કારણે બ્રિટીશ સરકારે બળવાને કચડી નાંખવા માટે એપ્રિલ 1924માં ટી જી રુધરફડને ડેપ્યુટ કર્યા. રુધરફડે રાજુ અને તેના મહત્વના અનુયાયીઓ અંગે માહિતી મેળવવા માટે  હિંસા કરવાની અને ત્રાસ આપવાની શરૂઆત કરી.
 
બ્રિટીશ દળોએ રાજુ માટે લાંબો સમય પિછો કર્યા પછી રામા રાજુ પકડાઈ ગયો અને 7મી મે, 1924ના રોજ શહીદ થયો. એ પછીના સપ્તાહોમાં રાજુના સેંકડો અનુયાયીઓને હિંસા દ્વારા ત્રાસ આપવાનો અને મારી નાંખવાનું શરૂ થયું. આશરે 400 જેટલા ચળવળકારોને રાજદ્રોહ સહિતના કેટલાક ગૂનાઓ હેઠળ પકડી લેવામાં આવ્યા હતા. બ્રિટીશરો સામે ગેરીલા પધ્ધતિથી લડવા બદલ રાજુની ખૂબ જ પ્રશંસા થઈ. બળવાખોરોને હરાવવા માટે સરકારે તે સમયે પણ રૂ.40 લાખનો ખર્ચ કર્યો હતો તે બાબત રામા રાજુના રેમ્પો બળવાની સફળતા અંગે ઘણું કહી જાય છે.
 
કમનસીબે રામા રાજુના જીવન અને ચળવળ અંગે ખાસ સંશોધન થયું નથી. આ રાષ્ટ્ર જ્યારે 70મા  પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવા સજ્જ બન્યું  ત્યારે તેના જીવન અને ચળવળ અંગે જાણકારી મેળવી તેને ખૂબ ખૂબ અંજલિ આપવાની જરૂર છે. તેના અસ્થિને વિશાખાપટ્ટનમ નજીક ક્રિશ્નાદેવી પેટામાં દાટવામાં આવ્યા હતા. આ મહાન રાષ્ટ્રભક્ત અંગે સ્મારક રચીને રાષ્ટ્ર બહેતર અંજલિ આપી શકે તેમ છે. 
 


આ પણ વાંચો :