રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ભારતીય રાષ્ટ્રપતિ ચૂંટણી
Written By
Last Modified: મંગળવાર, 19 જુલાઈ 2022 (10:49 IST)

રાષ્ટ્રપતિની ચૂંટણી 2022 માટે શાંતિપૂર્ણ રીતે મતદાન , 4796 મતદારોમાંથી 99%થી વધુએ તેમનો મત આપ્યો

president election
દેશનું સર્વોચ્ચ ચૂંટાયેલ કાર્યાલય એવા ભારતના રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટેનું મતદાન, સોમવારે સંસદ ભવન અને દિલ્હીની એનસીટીની અને કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીની વિધાનસભા સહિત રાજ્ય વિધાનસભાઓમાં 30 સ્થળોમાંનાં દરેક સ્થળે મુક્ત, ન્યાયી અને પારદર્શી રીતે સફળતાપૂર્વક સંપન્ન થયું હતું. ભારતીય પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિના પદની ચૂંટણી એ સૌથી મહત્વપૂર્ણ ચૂંટણીઓમાંની એક છે, જે ભારતીય ચૂંટણી પંચ ભારતનાં બંધારણની કલમ 324ના આદેશ દ્વારા હાથ ધરે છે. 16મી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે દ્રૌપદી મુર્મુ અને યશવંત સિંહા નામના બે ઉમેદવારો હતા. 31 સ્થળોએ સવારે 10થી સાંજના 5 વાગ્યા સુધી મતદાન યોજાયું હતું.
 
બંધારણની કલમ 54 મુજબ, ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી ઈલેક્ટોરલ કોલેજ-મતદાર મંડળના સભ્યો દ્વારા કરવામાં આવે છે, જેમાં (એ) સંસદના બંને ગૃહોના ચૂંટાયેલા સભ્યો અને (બી) તમામ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો (રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ-એનસીટી દિલ્હી અને કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરી સહિત)નો સમાવેશ થાય છે. સંસદના બેમાંથી કોઇ પણ ગૃહ કે એનસીટી-દિલ્હી અને કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરી સહિત રાજ્યોની વિધાનસભાઓમાં નિયુક્ત સભ્યો ઇલેક્ટોરલ કોલેજમાં સામેલ થવાને પાત્ર નથી.
 
રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી નિયમો, 1974ના નિયમ 40 હેઠળ, ભારતનાં ચૂંટણી પંચે ઇલેક્ટોરલ કોલેજના સભ્યોની યાદી જાળવવી જરૂરી છે. આ યાદીમાં રાજ્યસભા, લોકસભાના ચૂંટાયેલા સભ્યો અને રાજ્યોની વિધાનસભાઓ, એનસીટી ઓફ દિલ્હી અને કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીના ચૂંટાયેલા સભ્યોનાં નામ તે ક્રમમાં છે. સક્ષમ અદાલતના ચુકાદા પછી જન પ્રતિનિધિ કાયદા, 1951ની કલમ 8 હેઠળ ગેરલાયક ઠેરવવાને કારણે અનંતકુમાર સિંહ અને મહેન્દ્ર હરિ દલવી નામના બે સભ્યો  ચૂંટણીમાં મતદાન કરવા માટે પાત્ર ન હતા. આ ઉપરાંત, રાજ્યસભામાં 05 અને રાજ્યોની વિધાનસભાઓમાં 06 જગ્યાઓ ખાલી છે. આથી આ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઈલેક્ટોરલ કોલેજની યાદીમાં કુલ ૪૭૯૬ મતદારો ચૂંટણીમાં ભાગ લેવા માટે હતા.
 
નવી દિલ્હીમાં સંસદ ભવનમાં રૂમ નં. 63 અને તમામ રાજ્ય વિધાનસભા સચિવાલયોમાં (રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી અને કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરી સહિત) અન્ય 30 મતદાન મથકોને મતદાનનાં સ્થળ તરીકે નક્કી કરવામાં આવ્યા હતા. સંસદના સભ્યોએ નવી દિલ્હીમાં મતદાન કર્યું હતું અને એનસીટી ઓફ દિલ્હી અને કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીની વિધાનસભાના સભ્યો સહિત રાજ્ય વિધાનસભાઓના સભ્યોએ દરેક વિધાનસભામાં નક્કી કરેલાં સ્થળે મતદાન કર્યું હતું. 
 
જો કે, પંચ દ્વારા કોઈ પણ સંસદસભ્ય/વિધાનસભાના સભ્યને તેમના પોતાના સિવાયના મતદાનનાં સ્થળે મતદાન કરવા માટે સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી હતી. તદનુસાર, રાજ્યના મુખ્યાલયમાં 44 સાંસદો, સંસદ ભવન ખાતે 09 ધારાસભ્યો અને અન્ય રાજ્ય મુખ્યાલયોમાં 02 ધારાસભ્યોને મતદાન કરવાની મંજૂરી આપવામાં આવી હતી.
 
પ્રાપ્ત અહેવાલો અનુસાર, કુલ 771 સાંસદોમાંથી (05 ખાલી) અને તે જ રીતે મતદાન માટે હકદાર વિધાનસભાઓના કુલ 4025 સભ્યોમાંથી (06 ખાલી અને 02 ગેરલાયક) આજે 99 ટકાથી વધુએ પોતાનો મત આપ્યો હતો. જો કે છત્તીસગઢ, ગોવા, ગુજરાત, હિમાચલ પ્રદેશ, કેરળ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મણિપુર, મિઝોરમ, પુડુચેરી, સિક્કિમ અને તમિલનાડુમાંથી ધારાસભ્યો દ્વારા 100 ટકા મતદાન થયું હોવાના અહેવાલ છે.
 
મતદાનની ગુપ્તતા અને અને સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે અમલમાં મૂકવામાં આવેલી કેટલીક મુખ્ય લાક્ષણિકતાઓ નીચે મુજબ છે:
 
ચૂંટણી પંચ દ્વારા વાદળી રંગની શાહીની યુનિક સિરિયલ નંબરવાળી પેન કેન્દ્રીય રીતે પૂરી પાડવામાં આવી હતી, જેથી મતદાર દ્વારા મતની પસંદગીનાં માર્કિંગ માટે અન્ય કોઈ સાધનનો ઉપયોગ ન થાય તે સુનિશ્ચિત કરી શકાય.·
 
· ચૂંટણી પંચ દ્વારા મતદાન મથકોની બહાર મુખ્ય સ્થળોએ પ્રદર્શિત કરવા માટે મતદાન કરવા માટે ખાસ પેનના ઉપયોગ અને શું કરવું અને શું ન કરવું જોઈએ તેના પર વિશેષ પોસ્ટર્સ પ્રદાન કરવામાં આવ્યા હતા.
 
· આરઓ/એઆરઓ/સીઈઓ/ઇસીઆઈ અધિકારીઓ, ચૂંટણી પંચના નિરીક્ષકો, સિક્યુરિટી પર્સન્સ વગેરે માટે વિવિધ વૉટ્સએપ ગ્રૂપ્સ રચવામાં આવ્યાં હતાં અને રાજ્યનાં મુખ્યાલયો, સંસદ અને ભારતીય ચૂંટણી પંચ સાથે પ્રવૃત્તિઓ પર બારીકાઈથી નજર રાખવા અને સંકલન સ્થાપિત કરવા માટે તેનો વ્યાપકપણે ઉપયોગ કરવામાં આવ્યો હતો.
 
· રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશો તેમજ સંસદમાં મતદાન વ્યવસ્થાનાં તમામ સ્થળોએ નિરીક્ષકોની નિયુક્તિ કરવામાં આવી હતી, જેથી મતદાન પ્રક્રિયા તેમજ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતિઓ થઈ હોય તેના પર નજર રાખી શકાય.
 
· સંસદ ભવનમાં મતગણતરીની પ્રક્રિયા માટે 02 નિરીક્ષકો પણ તૈનાત છે.
 
·16મી રાષ્ટ્રપતિની ચૂંટણી, 2022 માટે રજૂ કરવામાં આવેલી નવી વિશેષતાઓમાં સામેલ છેઃ
 
• કોવિડ19 પોઝિટિવ મતદારો માટે સુવિધા – પંચે કોવિડ -19 પોઝિટિવ હોય તેવા મતદારોને મતદાનના છેલ્લા કલાકમાં અથવા તમામ નોન-કોવિડ મતદારોએ મતદાન કરી લીધા પછી, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી / સંબંધિત રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા સમયાંતરે જારી કરવામાં આવેલી તમામ હાલની કોવિડ માર્ગદર્શિકા / સૂચનાઓનું પાલન કરીને મતદાન કરવાની મંજૂરી આપી હતી. તમિલનાડુ વિધાનસભામાં બે કોવિડ -19 પોઝિટિવ મતદારોએ પોતાનો મત આપ્યો હતો અને એક કોવિડ -19 પોઝિટિવ સંસદસભ્યએ કેરળના તિરુવનંતપુરમ ખાતે પોતાનો મત આપવાનું પસંદ કર્યું હતું.
 
• આ વખતે ચૂંટણી પંચે સંબંધિત રિટર્નિંગ ઓફિસર અને આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર્સને ઇકો-ફ્રેન્ડલી અને બાયોડિગ્રેડેબલ મટિરિયલનો ઉપયોગ સુનિશ્ચિત કરવા અને ભારત સરકારની હાલની સૂચનાઓ અનુસાર પ્રતિબંધિત પ્લાસ્ટિક/મટિરિયલ્સના ઉપયોગને નાબૂદ કરવા સૂચના આપી હતી.
 
બંધારણની કલમ ૫૫ (૩) મુજબ ભારતના રાષ્ટ્રપતિના પદની ચૂંટણી સિંગલ ટ્રાન્સફરેબલ વોટના માધ્યમથી પ્રમાણસર પ્રતિનિધિત્વની વ્યવસ્થા અનુસાર યોજવામાં આવે છે અને આવી ચૂંટણીમાં મતદાન ગુપ્ત મતદાન દ્વારા થાય છે. બંધારણ (84મો) સુધારા અધિનિયમ, 2001માં જોગવાઈ કરવામાં આવી છે કે, જ્યાં સુધી વર્ષ 2026 પછી લેવામાં આવનારી પ્રથમ વસ્તી ગણતરી માટે સંબંધિત વસ્તીના આંકડા પ્રકાશિત ન થાય ત્યાં સુધી, રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતનાં મૂલ્યની ગણતરીના હેતુસર રાજ્યોની વસ્તીનો અર્થ 1971ની વસ્તી ગણતરીમાં નક્કી કરવામાં આવેલી વસ્તી એવો થશે.
 
12 અને 13 જુલાઈ, 2022ના રોજ ભારતના ચૂંટણી પંચ (ઈસીઆઇ)થી રાજ્યો સુધી ખાલી મતપેટીઓની સલામત કસ્ટડી અને મુશ્કેલીમુક્ત પરિવહન સુનિશ્ચિત કરવા માટે ફૂલપ્રૂફ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. ૩૦ મતદાન થયેલ મતપેટીઓ પરત લાવવા માટે રાજ્યની ટીમો માટે સમાન પરિવહનની વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ મતપેટીઓ અને અન્ય ચૂંટણી સામગ્રી 19 જુલાઈ 2022 સુધીમાં સંસદ ભવન એટલે કે મતગણતરીનાં સ્થળે પહોંચી જશે. મતગણતરી 21 જુલાઈ, 2022ના રોજ 1100 કલાકે હાથ ધરવામાં આવશે.