ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. યોગ
  3. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
Written By
Last Modified: રવિવાર, 20 જૂન 2021 (08:44 IST)

વિશ્વ યોગ દિવસ ૨૦૨૧: બે લાખથી વધુ સૂર્યનમસ્કારનો વિડીયો કરશે અપલોડ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સાર્થક પ્રયાસોથી યુનો એ ૨૧ મી જુનને વિશ્વ યોગ દિવસ તરીકે માન્યતા આપી છે. આ દિવસ માત્ર દેશમાં નહિ પણ યુનોના સદસ્ય દેશોમાં યોગને લોકપ્રિય અને સર્વ જન પ્રચલિત કરવા આ દિવસની યોગ અભ્યાસ સહિતના કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવે છે.
 
યોગને રાજ્યના ગામો અને જન જન સુધી પહોંચાડવા મુખ્યમંત્રીની પ્રેરણાથી ગુજરાતે રાજ્ય યોગ બોર્ડનું ગઠન કર્યું છે. જેના દ્વારા યોગ વિદ્યાને લોક સુલભ વ્યાયામ બનાવવા વર્ષભર નિરંતર તાલીમ સહિતના કાર્યક્રમો ચલાવવામાં આવે છે.
 
તેના ભાગરૂપે યોગ બોર્ડે ગયા એક વર્ષના સમયગાળામાં ૨૧ હજાર યોગ ટ્રેનરોનું યોગ કોચિસના માધ્યમથી ઘડતર કર્યું છે. બોર્ડના વડોદરાના યોગ કોચીસ પૈકીના એક એવા ડો.સોનાલી માલવીયાએ જણાવ્યું કે વડોદરા શહેર અને જિલ્લામાં હાલમાં બોર્ડ પ્રશિક્ષિત બે હજાર જેટલા ટ્રેનરો યોગને સામાજિક અને કૌટુંબિક આદત બનાવવા અને ઘર ઘર સુધી પહોંચાડવા પ્રયત્ન કરી રહ્યાં છે.
સોનાલીબહેને જાતે લગભગ ૫૮૫ જેટલા યોગ ટ્રેનરને પ્રશિક્ષિત કર્યા છે. તેમણે ૨૦૨૦ માં ગાંધીનગરમાં યોજાયેલા વિશ્વ યોગ દિવસના રાજ્યસ્તરના કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. વડોદરા શહેર અને જિલ્લામાં તેમના જેવા યોગ બોર્ડ માન્ય ૪૩ જેટલાં યોગ કોચિસ્ પ્રવૃત્તિશીલ છે.
 
કોરોનાને અનુલક્ષીને સતત બીજા વર્ષે જાહેર યોગ અભ્યાસના મોટા કાર્યક્રમો યોજવાનું શક્ય બન્યું નથી.એટલે આ વર્ષે સોમવાર તા.૨૧ મી જૂનના રોજ કલેકટર કચેરીમાં સવારના ૧૦ વાગે યોગ કોચ સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેમાં ૧૦ મોખરાના યોગ કૉચિસનું પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવશે.તે અગાઉ રાજ્યના મુખ્યમંત્રીના નિવાસ સ્થાને આયોજિત યોગ દિવસ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.
 
આ ઉપરાંત કોરોના ગાઈડ લાઇન પાળીને શહેર જિલ્લામાં યોગ નિકેતન સહિતની સંસ્થાઓ અને મંડળો સૂર્ય નમસ્કાર અને યોગ અભ્યાસના કાર્યક્રમો યોજશે. જેમાં સાધકો ઘેર રહીને ઓનલાઇન જોડાશે. યોગ બોર્ડ દ્વારા સૂર્ય નમસ્કાર ચેલેન્જ નો ઓનલાઇન કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેમાં બે લાખથી વધુ સાધકો પોતાના ઘરમાં રહી ૨૫/ ૫૦/૭૫/૧૦૦ જેટલા સૂર્ય નમસ્કાર કરીને પછી તેનો વીડિયો અપલોડ કરશે.
 
ડો.સોનાલીએ કહ્યું કે યોગ બોર્ડના ટ્રેનરોને દર મહિને ઓછામાં ઓછાં ૨૦ લોકોને યોગ સાથે જોડવાનો લક્ષ્યાંક આપવામાં આવે છે. સામાન્ય સંજોગોમાં તેઓ જાહેર બગીચાઓ,સોસાયટીઓમાં અને ફ્લેટ્સના કોમન પ્લોટ્સમાં આ પ્રવૃત્તિ કરતાં હતાં. કોરોના કાળમાં બહુધા ઓનલાઇન તાલીમ ચાલુ રાખવામાં આવી છે.
 
નાશિકની હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં યોગ પ્રાણાયામ કરાવ્યા
ડો. સોનાલીના ભાઈ ગયા વર્ષે વડોદરાની સયાજી હોસ્પિટલ જેવી નાશિકની જનરલ હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં દાખલ થયા ત્યારે તેમણે જરૂરી પરવાનગીઓ લઈ અને તકેદારી સાથે ભાઈને અને અન્ય દર્દીઓને ફાયદાકારક યોગ અને પ્રાણાયામ કરાવ્યા હતા. તેમના ભાઈ કમનસીબે બચી ના શક્યા પણ તેમની સાથેના ૨૦૦ થી વધુ દર્દીઓને યોગાભ્યાસનો લાભ મળ્યો હતો.
 
તેમના જણાવ્યા પ્રમાણે શહેરના યોગ કોચ અને ટ્રેનરોએ પોસ્ટ કોરોના રિહેબીલિટેસનના ભાગ રૂપે કોરોનાથી મુક્ત થયેલા લોકોને ઘેર જઈને અથવા ઓનલાઇન યોગ, પ્રાણાયામ અને ડાયટનું માર્ગદર્શન આપ્યું હતું.
 
યોગ ભારતીય સંસ્કૃતિનો હિસ્સો છે જે શારીરિક અને માનસિક લાભો આપે છે. યોગના આસનો અને યમ,નિયમ પાળવાથી વિનામૂલ્યે તંદુરસ્તીની જાળવણી, મનની પ્રસન્નતા અને કાર્યશક્તિનું સંવર્ધન જેવા લાભો થાય છે. યોગને દૈનિક જીવનનો ભાગ બનાવવાથી સુયોગ્ય બનવાની પ્રક્રિયાને વેગ મળે છે.