શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : મંગળવાર, 26 ડિસેમ્બર 2023 (09:19 IST)

અન્નપૂર્ણા વ્રત કથા અને વ્રતની વિધિ

માગશર માસની શુકલ પક્ષ છઠ્ઠ તિથીથી અન્નપૂર્ણા વ્રત શરૂ થાય છે . આ  દિવસે પ્રાત:કાળે સ્નાનાદિથી પરવારી અન્નપૂર્ણાનું વ્રત કરનારી સ્રી સુતરના 21 તારનો દોરો 21 ગાંઠ વાળી એક એક ગાંઠે મા અન્નપૂર્ણાનું નામ બોલી જમણા હાથે બાવડે બાંધે છે અથવા તો ગળામાં ધારણ કરે છે. આ વ્રત દરમિયાન સ્રીઓ ઉપવાસ અથવા એકટાઇમ ભોજન લે છે. વ્રત પૂરું થયા બાદ દોરાને જળમાં અથવા તો પૂજા સ્થાનમાં રાખે છે. આ વ્રત પૂરી આસ્થા અને શ્રધ્ધાથી કરવા આવે તો મા અન્નપૂર્ણાની કૃપા પ્રાપ્ત થાય છે અને અન્નના ભંડાર ભરપૂર રહે છે. મા અન્નપૂર્ણાને માતા પાર્વતીનું સ્વરૂપ માનવામાં આવે છે. માતાના આ સ્વરૂપનું એકચિત્તે ધ્યાન ધરવાથી માનસિક શાંતિનો અનુભવ થાય છે. આ વ્રત કરવાથી ઘરમાં અન્નની કદી કમી આવતી નથી અને સુખ શાંતિ હંમેશા જળવાયેલા રહે છે.
 
એકવીસ દિવસનું આ વ્રત હોવાથી એકવીસ એકટાણાં કરવા. બાજોઠ પર મા અન્નપૂર્ણાની તસવીર મૂકી, ઘીનો દીવો કરી, વાર્તા સાંભળ્યા પછી જ એકટાણું કરવું. વ્રત પૂરું થયે અન્નદાન કરવું. આ વ્રતના પ્રતાપે દુ:ખ-ઘરિદ્ર ટળે છે. મૂર્ખ જ્ઞાન પામે છે અને અંધને આંખો, વાંઝિયાને સંતાન મળે છે. આ વ્રતનો મહિમા અપરંપાર છે. વ્રત કરનારે વ્રતનોભંગ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું. જો ભુલથી ખવાઈ હોય તો બીજા દિવસે નકોરડો ઉપવાસ કરવો ગયું.
 
અન્નપૂર્ણા વ્રત કથા
 
કાશી નગરીમાં એક બ્રાહ્મણ અને એક બ્રાહ્મણી રહેતા હતા. તેઓ ખૂબ જ ગરીબ હતા. તેઓ ભિક્ષાવૃત્તિ કરી જાનું પોતાનું ગુજરાન ચલાવતાં હતાં.
પરંતુ તેમના નસીબ સારા ન હેવાથી ગમે તેટલી ભિક્ષાવૃત્તિ કરવા જાય તો પણ બંને ગુજરાન ચાલે તેટલી ભિક્ષા આવતી નહીં. એક દિવસ બ્રાહ્મણ ભિક્ષા લેવા માટે જતો હતો ત્યારે બ્રાહ્મણીએ કહ્યું કે,“આજે ભિક્ષા માટે જવું નથી. કારણ કે તમે ભિક્ષા માગીને આવો છતાં આપણું ગુજરાન ચાલતું નથી.માટે કોઈ પ્રભુ કે દેવી ઉપર શ્રદ્ધા રાખી તેની સેવા પૂજા કરો. તો તમારા સામુ પ્રભુ કે માતાજી જરૂર જોશે અને આપણા નસીબ આડેથી પાંદડું ખસી જશે.”
 
બ્રાહ્મણને આ વાત સાચી લાગી. તેથી તેની બાજુમાં દેવી અન્નપૂર્ણાનું મંદિર હતું તેની શ્રદ્ધાથી એક ચિત્તે પ્રાર્થના કરવા લાગ્યો. આમ કરતાં ભૂખ્યા પેટે તેને મંદિરમાં ત્રણ દિવસે બ્રાહ્મણને માતા અન્નપૂર્ણા પ્રસન્ન થયાં અને કહે કે તું મારું વ્રત શ્રદ્ધાપૂર્વક કરજે તારું દુ:ખ જરૂર દૂર થશે. ત્યારે બ્રાહ્મણે કહ્યું કે માતાજી તમારું વ્રત કેવી રીતે થાય તેની મને વિધિ કહો ત્યારે માતાજીએ કહ્યું કે અહીંથી થોડે દૂર પૂર્વમાં એક સરોવર છે. ત્યાં ઘણી બહેનો વ્રત કરતી હશે તે તને તેની વિધિ જરૂર કહેશે.
 
આ સાંભળી બ્રાહ્મણ માતાજીને પગે લાગી ઘેર આવ્યો અને બ્રાહ્મણીને બધી વાત કરી ત્યારે બ્રાહ્મણીએ ખુશ થઈ વ્રત કરવાની રજા આપી પછી બ્રાહ્મણ તો પૂર્વ દિશામાં ચાલ્યો જાય છે. બે ત્રણ દિવસ ચાલ્યા બાદ એક સરોવર આવે છે. કેટલીક બહેનોને સરોવર પાળે પૂજા કરતી જોઈ અને તે ત્યાં જઈ પૂછે છે કે, બહેનો તમે કોનું વ્રત કરો છો ? 
 
ત્યારે એક બહેન બોલી, ભાઈ, અમે માતા અન્નપૂર્ણાનું વ્રત કરીએ છીએ.’
 
બ્રાહ્મણે કહ્યું કે, એ વ્રત કરવાથી શું લાભ થાય અને તે વ્રત કેવી રીતે થાય તે મને ન કહો ?
 
ત્યારે એક બહેન બોલી, “આ વ્રત કરવાથી દુઃખીયાના દુઃખ ટળે, રોગીના રોગ મટે, સંતાન વિહોણું ઘર હોય તો પારણે બંધાય અને નિર્ધનને ધન મળે છે.
વ્રત કરનારની દરેક મનોકામના પૂર્ણ થાય છે.હવે આ વ્રતની વિધિ સાંભળો.
 
આ વ્રત માગશર સુદ છઠ (૬)થી લઈને ૨૧ દિવસ કરવાનું હોય છે. વ્રત કરનારે સુતરના દોરાની ૨૧ શેર લઈને તેને ૨૧ ગાંઠ મારવી.
૨૧ દિવસ એક ટાણું કરવું અને બને તો ઉપવાસ કરવો. એકવીસ દિવસ પૂરા થતાં વ્રતનું ઉજવણું કરવાનું અને યથાશક્તિ પુણ્યદાન કરવાનું. આ વ્રત દરેક સ્ત્રી-પુરુષ કરે છે. તમે પણ માનો દોરો લઈ અન્નપૂર્ણાનો જાપ જપતાં જપતાં માનું વ્રત કરો. તમારી મહેચ્છા માતાજી જરૂર પૂરી કરશે.
 
બ્રાહ્મણ તો ઘેર આવી વ્રતની વિધિ કરી વ્રત કરવા માંડ્યું અને વ્રતના પ્રથમ દિવસે જે બંને પતિ પત્ની આનંદથી બહાર વાતો કરતા બેઠા હતાં.
ત્યારે એકા એક પોતાનું રહેવાનું ઘર પડ્યું. પરંતુ આમા માની જરૂર કાંઈ મહેચ્છા હશે તેમ માની બંને પતિ- પત્નીએ ઘરનો કાટમાળ દૂર કરવા માંડ્યો તો સોનામહોરથી ભરેલો એક ચરું મળ્યો એમાંથી બે-ચાર સોનામહોર વેચતા તેમાંથી ઘણાં પૈસા આવ્યાં તેમાંથી બંને પતિ-પત્ની નવું સરસ મકાન લઈ રહેવા લાગ્યાં.
 
એક દિવસ બ્રાહ્મણીએ પોતાના પતિને કહ્યું કે માતાજીએ તમને ઘણું જ ધન આપ્યું છે તો ધનના વાપરનારની ખોટ છે. તમે મારું કહ્યું માનો અને તમે બીજી પત્ની લાવો ત્યારે બ્રાહ્મણે ના પાડી ત્યારે બ્રાહ્મણી કહે છે કે તમને લાગે છે કે જો તમે બીજી પત્ની લાવશો તો મને દુઃખ પડશે ? 
તો તમે એકબીજુ મકાન લઈ આપો અને કાયમ માટેની ખોરાકી બાંધી ઘે તેથી તમને ચારી ચિંતા નહી રહે.
 
આમ ઘણી સમજાવટના અંતે તે બીજી પત્ની લાવ્યો તેથી જૂની પત્ની નવા મકાનમાં રહેલા લાગી અને જૂના મકાનમાં નવી પત્ની અનેજૂના મકાનમાં નવી પત્ની અને તેનો પતિ રહેવા લાગ્યા. એવામાં માગશર માસ આવતાં બ્રાહ્મણને અન્નપૂર્ણા માનું વ્રત કરવાનો દિવસ આવ્યો તેથી તે જૂના પત્નીના ઘેર ગયો અને પતિ-પત્નીએ સાથેઅન્નપૂર્ણા માનો દોરો લીધો અને વ્રત કરવા લાગ્યા.
 
આ વાત નવી પત્નીને ન ગમવાથી પોતાનો પતિ કે નિંદ્રાધીન હતો ત્યારે તેના ગળામાં બાંધેલો માતાજીનો ઘેરો તો સગડીમાં નાખી દીધો તેવો જ માનો કોપ થયો તેથી તેમના મકાનને એકા એક આગ લાગી અને બંને માંડ માંડ બચાવીને બહાર આવ્યાં અને માના આશીર્વાદથી મેળવેલો અપાર વૈભવ નાશ પામ્યો.
 
આ બાજુ નવી પત્ની સુખની સગી હોવાથી તે તો પોતાના પિયર રહેવા ચાલી ગઈ અને બ્રાહ્મણ તો ઉદાસ થઈ બેઠો હતો. 
આ વાતની પોતાની જુની પત્નીને ખબર પડતાં તે આવી અને પોતાના પતિન તેના ઘરે લઈ જઈ પોતાના ગળામાં હતો તે ઘેરો પોતાના પતિના ગળામાં નાખ્યો અને મા અન્નપૂર્ણાના ચરણોમાં પડી માફી માગી અને શ્રદ્ધા ભક્તિથી પ્રાર્થના કરવા લાગ્યો. આથી માતાજી પ્રસન્ન થયાં અને રાત્રે બ્રાહ્મણને સ્વપ્નમાં આવ્યાં.
 
કહે કે,“તારે સંતાનની ખોટ હતી તો મને કહેવું હતું, તે નવી પત્ની શા માટે કરી ? જા હું તારી ઉપર પ્રસન્ન થઈ છું અને નવ માસ પછી તારી જૂની પત્નીને પેટે પુત્ર થશે અને તારા મુખે સરસ્વતીએ મંત્ર લખ્યો છે તેથી તારી ખ્યાતી પણ દેશપરદેશ વધશે. હવે બીજીવાર ભૂલ ન કરતો.”
આ બાજુ રમતાં રમતાં નવ માસ પૂરા થઈ ગયાં. અને જૂનીને પુત્ર જન્મની પ્રાપ્તિ થઈ અને સુખ શાંતિથી રહેવા લાગ્યાં.
 
આ વાતની નવીને ખબર પડતાં તે પણ આવી પોતાની ભૂલની માફી માંગી અને માતા અન્નપૂર્ણાનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને સુખ શાંતિમાં રહેવા લાગ્યા. જય અન્નપૂર્ણામાં. જેવા બ્રાહ્મણ પતિ-પત્નીને ફળ્યાં તેવાં તમારી વાર્તા લખનાર, વ્રત કરનાર, વાંચનાર, સાંભળનાર સર્વની મનોકામના પૂર્ણ કરજો.
 
॥ જય અન્નપૂર્ણામાં ॥