ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. ગુજરાતી બાળ વાર્તા
Written By

ગુજરાતી બાળવાર્તા - વાઘ આવ્યો....વાઘ આવ્યો

એક ગામમાં થોડાં ભરવાડ રહે. ઘેટાં-બકરાં ઉછેરી પોતાનો ગુજારો ચલાવે. ભરવાડ બધા સમજદાર હતા. તેમની વચ્ચે સંપ ઘણો. એક જણ મુશ્કેલીમાં આવે તો બીજા બધા તેની બાજુમાં ઊભા રહી જાય અને મદદ કરે. બધા એકબીજાના સાથ સહકારમાં જીવન ગુજારે. 
 
એક વખત આ ભરવાડો પર એક આફત આવી પડી. દૂર જંગલનો એક વાઘ ફરતો ફરતો આ ગામની સીમમાં આવી ચડ્યો. સીમમાં તેને ભરવાડના ઘેંટા-બકરાંનો શિકાર સહેલાઈથી મળવા લાગ્યો એટલે વાઘ તો પેંધે પડી ગયો. દૂર જવાનું નામ જ ન લે. ભરવાડો તો મુશ્કેલીમાં મૂકાઈ ગયા. રોજેરોજ તેમના બે-ચાર ઘેંટા-બકરાં ઓછા થાય અને વાઘ કોઈ કોઈ વખત ભરવાડો પર પણ હુમલો કરી બેસે તેવું પણ થતું હતું. 
 
પણ ભરવાડો ડરપોક ન હતા. તેમણે વાઘનો બરાબર મુકાબલો કરવાનું નક્કી કર્યું. એક ભરવાડ કહે આપણે એવું કરીએ કે આપણાંમાંથી જે કોઈ વાઘને દૂરથી આવતો જૂએ તેણે બૂમરાણ મચાવવી કે ‘વાઘ આવ્યો રે વાઘ આવ્યો. ભાઈ ધાજો રે ધાજો.’ આ બૂમરાણ સાંભળી બધાંએ લાકડી લઈ દોડવું અને સાથે મળીને વાઘને મારીને ભગાવી દેવો. બસ તે દિવસથી એક બીજાની મદદથી બધા ભરવાડ પર વાઘનું સંકટ ઓછું થઈ ગયું. 
આમાંથી એક ભરવાડનો છોકરો અટકચાળો, અવળચંડો અને અવળી બુદ્ધિનો હતો. તેને તો આમ રાડારાડી થાય અને બધા લોકો હાંફળાફાંફળાં થઈ દોડી આવે એ જોઈને ગમ્મત થવા લાગી. તેને ઘણી વખત વિચાર થતો કે લાવને હું બધાને ખોટેખોટા દોડાવું અને ગમ્મત જોઉં. એક દિવસ તેને સાચે જ અવળી બુદ્ધિ સૂઝી. વાઘ નહોતો છતાં બૂમાબૂમ કરી મૂકી ‘વાઘ આવ્યો રે ભાઈ વાઘ આવ્યો. ધાજો રે ભાઈ ધાજો.’ આ સાંભળીને બધા ભરવાડ લાકડી લઈને ઝટપટ દોડી આવ્યા પણ જૂએ તો વાઘ ક્યાંય નહિ અને છોકરો કહે જૂઓ મેં તમને કેવા ઉલ્લુ બનાવ્યા. એણે આવું એક વાર નહિ પણ ત્રણ-ચાર વખત કર્યું એટલે ભરવાડો પણ સમજી ગયા કે આ છોકરા પર ભરોસો મૂકવા જેવું નથી. 
 
થોડા દિવસ પછી એવું બન્યું કે એ છોકરો સીમમાં એકલો જ હતો અને પોતાના ઘેંટા-બકરાં ચરાવતો હતો ત્યારે તેણે ખરેખર દૂરથી વાઘને આવતાં જોયો. છોકરો તો વાઘને જોઈને ખૂબ ડરી ગયો અને બૂમાબૂમ કરી મૂકી ‘વાઘ આવ્યો રે વાઘ આવ્યો. ધાજો રે ભાઈ ધાજો.’ ભરવાડો એ આ સાંભળ્યું પણ તેમને થયું કે આ છોકરાને આવી ખોટી બૂમરાણ કરવાની ટેવ જ છે. આપણે કંઈ એમ મદદે દોડી જવાની અને એની ઠેકડીનો ભોગ બનવાની જરૂર નથી. આમ વિચારી એ છોકરાની મદદ કરવા કોઈ ન ગયું. 
 
વાઘે તો તરાપ મારી બે-ચાર ઘેંટા-બકરાંનો તો શિકાર કર્યો જ પણ સાથે સાથે છોકરા પર પણ હુમલો કરી તેની ટાંગ પણ તોડી નાખી. વિકરાળ વાઘની સામે છોકરો બિચારો કંઈ ન કરી શક્યો અને રડીને બેસી રહ્યો. 
 
આમ અવળી બુદ્ધિવાળા અવળચંડા છોકરાને પોતાની જ ભૂલને કારણે પોતાની બાકીની જિંદગી અપંગ થઈને ગુજારવી પડી.