લોકસભા ચૂંટણી 2019- ભાજપમાં અત્યાર સુધી પાંચ સિટિંગ સાંસદોની ટિકિટ કપાઇ, વધુ ચાર ઉમેદવારો જાહેર  
                                       
                  
                  				  ઉમેદવાર પસંદગીની કશ્મકશમાં આજે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા વધુ ત્રણ બેઠકો માટે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. બનાસકાંઠા બેઠક ઉપરથી પરબત પટેલ, પંચમહાલ બેઠક ઉપરથી રતનસિંહ અને પોરબંદર બેઠક ઉપરથી રમેશ ધડૂકનું નામ જાહેર કરવામાં આવ્યું છે.આ નામ જાહેર થતાની સાથે જ એ સ્પષ્ટ થઇ ગયું છે કે, બનાસકાંઠા બેઠક ઉપરથી રાજ્ય કક્ષાના ગૃહ રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરીનું પત્તું કપાઈ ગયું છે. હરિભાઈના સ્થાને ચૌધરી સમાજના જ પરબત પટેલને ટિકિટ અપાઈ છે. પરબત પટેલ હાલ રાજ્ય સરકારમાં મંત્રી છે. પંચમહાલથી હંમેશા ટિકિટની માંગ કરતા પ્રભાતસિંહ ચૌહાણનું પત્તું પણ કપાઈ ગયું છે. આ સાથે પોરબંદર બેઠક ઉપર રમેશ ધડૂકનું નામ જાહેર કર્યું છે. કેટલાક સમય પૂર્વે કરોડોના ખર્ચે લગ્ન સમારંભ યોજીને રમેશ ધડુક ચર્ચામાં આવ્યા હતા તેવું લોકમુખે ચર્ચાય છે. ભાજપે અત્યાર સુધી 19 બેઠકો પર ઉમેદવારના નામની જાહેરાત કરી છે. આ 19 બેઠકમાંથી ગાંધીનગર, સુરેન્દ્રનગર અને આજે જાહેર થયેલી ત્રણ બેઠક પર સિટિંગ  સાંસદોનો ટિકિટ નથી આપવમાં આવી.