મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By વૃષિકા ભાવસાર|
Last Updated : સોમવાર, 19 ડિસેમ્બર 2022 (12:52 IST)

હાલોલમાં રાત્રે બાઇક-કાર વચ્ચે અકસ્માત, બે યુવકોએ જીવ ગુમાવ્યો

હાલોલ અરાદ રોડ ઉપર અભેટવા પાસે મોટરસાયકલ ઇકો કાર સાથે ભટકાતા થયેલા અકસ્માતમાં ઈંટવાડી ગામના બે યુવકોના કરુણ મોત નિપજ્યા હતા. અકસ્માતમાં મોતને ભેટનાર બે યુવકો પૈકી એક યુવક હાલોલ ઔદ્યોગિક વસાહતની ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. મોડી સાંજે નોકરીથી મિત્રની બાઇક ઉપર ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે અભેટવા નજીક તેઓની મોટરસાયકલ ઇકો કાર સાથે ભટકાતા થયેલા અકસ્માતમાં બંને યુવકોએ જીવ ગુમાવ્યો હતો. રાત્રે બંને યુવકોના મૃતદેહોને હાલોલ રેફરલ ખાતે લાવવામાં આવ્યા હતા.

હાલોલથી અરાદ તરફના માર્ગ ઉપર ગત રાત્રે થયેલા ઇકો કાર અને મોટરસાયકલ વચ્ચેના અકસ્માતમાં બે યુવકોએ જીવ ગુમાવ્યા હતા. ઈંટવાડી ગામનો યુવક મોટરસાયકલ લઈ મોડી સાંજે ઘરે પરત ફરી રહ્યો હતો. ત્યારે ગામનો જ અન્ય યુવક કે જે હાલોલ ખાનગી કંપનીમાં નોકરી માટે આવતો હતો. જે નોકરી ઉપરથી છૂટીને ઘરે પરત જતો હતો. બંને યુવકો મળી જતા મોટરસાયકલ ઉપર ઘરે પરત ફરી રહ્યાં હતા.રાત્રે અંધારામાં તેઓની મોટરસાયકલ હાલોલ તરફ આવી રહેલી ઇકો કાર સામે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. અભેટવા ગામ પાસે થયેલા અકસ્માતમાં ઈંટવાડી ગામના 22 વર્ષીય અલ્કેશ શાંતિલાલ ચૌહાણ અને 20 વર્ષીય રોહિત રણછોડ ચાવડાના કરુણ મોત નિપજ્યા હતા. રાત્રે બનેલી અકસ્માતની ઘટનામાં એક જ ગામના બે યુવકોના મોત નિપજતા ગામમાં ઘેરો શોક પ્રસરી ગયો હતો. તો રાત્રે બંનેના મૃતદેહોને રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા ત્યાં પણ લોકટોળા એકત્ર થયા હતા.