તેલંગાણામાં ભયાનક અકસ્માત: બસે એક પછી એક અનેક વાહનોને ટક્કર મારી, હોટલમાં ઘૂસી; 50થી વધુ લોકો ઘાયલ
તેલંગાણાના રંગા રેડ્ડી જિલ્લામાં શમશાબાદ નજીક એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. બેંગલુરુ-હૈદરાબાદ નેશનલ હાઈવે પર એક કન્ટેનર ટ્રક ઇલેક્ટ્રિક થાંભલા સાથે અથડાયા બાદ પાછળથી આવતી બસ પણ થાંભલા સાથે અથડાઈ હતી. ત્યારબાદ બસે અનેક વાહનોને ટક્કર મારીને રસ્તાની બાજુ આવેલી હોટલ અને પાનની દુકાનમાં ઘૂસી ગઈ હતી.
આ અકસ્માતમાં 50થી વધુ લોકો ઘાયલ થયા હોવાની માહિતી છે. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે અલગ-અલગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બસ ડ્રાઇવરની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે.
બસે અનેક વાહનોને મારી ટક્કર
મળતી માહિતી મુજબ, હૈદરાબાદથી બેંગલુરુ તરફ જઈ રહેલો કન્ટેનર ટ્રક શમશાબાદ નજીક ડિવાઇડર પર આવેલા ઇલેક્ટ્રિક થાંભલા સાથે અથડાયો હતો. આ દરમિયાન પાછળથી આવી રહેલી સેવન હિલ્સ પ્રાઇવેટ ટ્રાવેલ્સની બસ પણ એ જ થાંભલા સાથે અથડાઈ હતી.
અકસમાત બાદ બસ બેકાબૂ બની ગઈ હતી અને તેણે નજીકમાં ઉભેલી મારુતિ એર્ટિગા, મારુતિ ઓમ્ની, મારુતિ સ્વિફ્ટ અને એક મોટરસાઇકલને ટક્કર મારી હતી. ત્યારબાદ બસ રસ્તાની બાજુ આવેલી બાલાજી ભવન હોટલ અને તેની પાસેની પાનની દુકાનમાં ઘૂસી ગઈ હતી.
હોટલમાં સળગતા સ્ટવથી લાગી આગ
બસ હોટલમાં ઘૂસતાં ત્યાં સળગી રહેલા સ્ટવને કારણે આગ લાગી હતી. ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવી લીધો હતો.
અકસ્મતમાં બસ ડ્રાઇવર ગંભીર રીતે ઘાયલ થયો હતો. મારુતિ એર્ટિગાના ડ્રાઇવર સહિત અન્ય લોકોને પણ ઇજાઓ પહોંચી હતી. કુલ 50થી વધુ લોકોને ઇજા થઈ હોવાનું સામે આવ્યું છે, જેમાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસે તમામ ઇજાગ્રસ્તોને અલગ-અલગ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે મોકલ્યા છે.
પોલીસની તપાસ શરૂ
અકસ્મતની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને રાહત તથા બચાવ કામગીરી હાથ ધરી હતી. અકસ્માત કેવી રીતે સર્જાયો અને બસ બેકાબૂ થવાનું ચોક્કસ કારણ શું હતું તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.
પુણે-બેંગલુરુ હાઇવે પર પણ ગંભીર અકસ્માત
દરમિયાન પુણે-બેંગલુરુ હાઇવે પર જાંભુવાડી નજીક પણ આવો જ ગંભીર અકસ્માત સર્જાયો હતો. સતારાથી પુણે જઈ રહેલી એક ટ્રક આગળ જઈ રહેલા ટેમ્પો સાથે અથડાઈ હતી. ટક્કર બાદ બંને વાહનો રસ્તા પરથી નીચે ઉતરી ગયા અને ત્યારબાદ બે કાર સાથે અથડાયા હતા.
આ અકસ્માતમાં વાહનોને ભારે નુકસાન થયું હતું. 12થી વધુ લોકોને ઇજા થતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન બે ઇજાગ્રસ્તોના મોત થયા હોવાનું પોલીસે જણાવ્યું હતું.

