મંગળવાર, 16 જુલાઈ 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હીઃ , શનિવાર, 25 માર્ચ 2023 (17:44 IST)

DA Hike: કેન્દ્રીય કર્મચારીઓને મોદી સરકારની ભેટ, મોંઘવારી ભથ્થામાં 4% વધારો, જાણો કેટલો થશે પગાર

Money
કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ મળી છે. કેન્દ્ર સરકારે આજે કેબિનેટની બેઠકમાં મહત્વનો નિર્ણય લીધો છે મોંઘવારી ભથ્થામાં મોટો વધારો કરવામાં આવ્યો છે. ડીએમાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરતા તેને 42 ટકા કર્યો છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આ જાણકારી આપી. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે સરકાર ડીએમાં વધારા પાછળ 12,815 કરોડ રૂપિયા ખર્ચ કરશે. લાંબી રાહ જોયા બાદ કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારાના સારા સમાચાર છે. આ વધારા બાદ કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 38 ટકાથી વધીને 42 ટકા થઈ જશે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ડીએમાં વધારો મંજૂર કરવામાં આવ્યો હતો.
 
47 લાખ કર્મચારીઓને લાભ મળશે
કેન્દ્ર સરકારના આ નિર્ણયનો લાભ 47 લાખ કેન્દ્રીય કર્મચારીઓની સાથે 69 લાખ પેન્શનધારકોને પણ મળશે. મોંઘવારી ભથ્થાની સાથે કેન્દ્રીય પેન્શનરોને ડીઆર એટલે કે મોંઘવારી રાહતનો લાભ આપવામાં આવશે. આ વધારા પછી પેન્શનરોને 38 ટકાની સામે 42 ટકા DR મળશે. કેન્દ્ર સરકારે તેનો અમલ 1 જાન્યુઆરી 2023થી કર્યો હતો. એટલે કે માર્ચના પગારની સાથે જાન્યુઆરી અને ફેબ્રુઆરીના એરિયર્સમાં વધારો થશે.  ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં દર વર્ષે બે વાર ફેરફાર કરવામાં આવે છે. કેન્દ્રીય કેબિનેટ દર છ મહિને DAમાં સુધારો કરવાનું વિચારે છે. કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં વધારાની ગણતરી લેબર બ્યુરો દ્વારા બહાર પાડવામાં આવેલા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (CPI-IW)ના આધારે કરવામાં આવે છે.
 
કેટલી વધશે સેલેરી  
ચાલો એક ઉદાહરણ દ્વારા સમજીએ કે ડીએ વધારા પછી કેન્દ્રીય કર્મચારીઓનો પગાર કેટલો વધશે. જો તમારો મૂળ પગાર 25 હજાર છે, તો 38% DA મુજબ, હવે તમને 9500 રૂપિયા મળે છે. ડીએ 42 ટકા થયા બાદ મોંઘવારી ભથ્થું વધીને 10,500 રૂપિયા થઈ જશે. એટલે કે દર મહિને તમારા પગારમાં 1000 રૂપિયાનો વધારો થશે. તમારા વાર્ષિક પગારમાં 12000 રૂપિયાનો વધારો થશે.