બીજાપુરમાં સંદિગ્ધ માઓવાદી હુમલામાં સુરક્ષા દળના નવ જવાનનાં મૃત્યુ
છત્તીસગઢમાં માઓવાદ પ્રભાવિત બીજાપુરના કુટરૂ બેન્દ્રે માર્ગ પર સંદિગ્ધ માઓવાદીઓના હુમલામાં સુરક્ષા દળના નવ જવાનનાં મૃત્યુ થયાં છે.
પોલીસ પ્રમાણે આ હુમલો આઈઈડી વિસ્ફોટ દ્વારા કરાયો હતો.
બસ્તર પોલીસ મહાનિરીક્ષક (આઇજી) સુંદરરાજ પીએ જણાવ્યું કે દંતેવાડા, નારાયણપુર, બસ્તર અને બીજાપુરની સ્પેશિયલ ટાસ્ક ફૉર્સ અને સીઆરપીએફના જવાનોની ટીમ માઓવાદી ઑપરેશનમાંથી પાછી ફરી રહી હતી, ત્યારે જ આ હુમલો થયો.
પોલીસ અનુસાર સોમવારે બપોરે જવાનોની ટીમ થાણા કુટરૂની ગ્રામ ઍસેમ્બ્લી પાસેથી પસાર થઈ રહી હતી, એ સમયે સુરક્ષા દળોનું એક વાહન આઈઈડી બ્લાસ્ટની ઝપેટમાં આવી ગયું.
વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે સ્થળ પર જ ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડના આઠ જવાન અને એક વાહનચાલકનાં મૃત્યુ નીપજ્યાં. કેટલાક જવાનો ગંભીરપણે ઈજાગ્રસ્ત થયાના પણ સમાચાર છે.