ખેડૂતોની ટ્રેક્ટર પરેડમાં હિંસા પર એક્શન, દિલ્હી પોલીસે નોંધાવી 7 FIR, જાણો કેટલા જવાન થયા ઘાયલ
કૃષિ કાયદાઓ વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડુતોએ પ્રજાસત્તાક દિન નિમિત્તે દિલ્હીમાં ટ્રેક્ટર પરેડ લીધી હતી, તે દરમિયાન ભારે હોબાળો મચ્યો હતો. રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાંથી જે પ્રકારનાં સમાચાર આવ્યા, તેને જોઈને એવું લાગી રહ્યું હતું કે ટ્રેક્ટર પરેડના નામ પર, દિલ્હીમાં તારાજી જોવા મળી રહી છે. ખેડુતોના ટ્રેક્ટર પરેડમાં થયેલા ધાંધલ-ધમાલ બાદ દિલ્હી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે અને મંગળવારે રાષ્ટ્રીય રાજધાનીમાં ખેડૂતોની ટ્રેક્ટર પરેડના કેસમાં સાત એફઆઈઆર નોંઘાવી છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે પૂર્વી જિલ્લામાં ત્રણ એફઆઈઆર નોંધાવી છે. દ્વારકામાં ત્રણ અને શાહદરા જિલ્લામાં એક કેસ નોંધાયો છે. તેમણે કહ્યું કે વધુ એફઆઈઆર દાખલ થવાની ધારણા છે. દિવસની શરૂઆતમાં ત્રણ કૃષિ કાયદાઓ વિરોધમાં હજારો ખેડુતોએ પોલીસ બેરિકેડ તોડી નાખ્યા હતા અને પોલીસ સાથે હાથાપાઈ કરી હતી. વાહનોમાં તોડફોડ કરી હતી અને લાલ કિલ્લા પર ધાર્મિક ધ્વજ ફરકાવ્યો હતો.
દિલ્હીના ઉપદ્રવમાં 83 પોલીસકર્મી ઘાયલ, ડીસીપી ઉપર ટ્રેક્ટર પર ચઢાવવાનો પ્રયાસ
સમાચાર એજન્સી પીટીઆઈ મુજબ પોલીસે એક નિવેદન બહાર પાડ્યું હતું કે આ હિંસામાં 86 પોલીસ જવાન ઘાયલ થયા છે. હિંસાના સ્થળે વિરોધ પ્રદર્શન કરનાર ખેડૂતનું ટ્રેક્ટર પલટાઈ જતા તેનુ મોત થઈ ગયુ હતુ. નિવેદનમાં જણાવાયું છે કે સંયુક્ત કિસાન મોરચા દ્વારા પ્રજાસત્તાક દિન નિમિત્તે કિસાન ટ્રેક્ટર રેલી યોજવામાં આવી હતી. સૂચિત ટ્રેક્ટર પરેડને લઇને દિલ્હી પોલીસે મોરચા સાથે અનેક રાઉન્ડની બેઠક થઈ હતી.
પોલીસના જણાવ્યા મુજબ મંગળવારે સવારે સાડા આઠ વાગ્યે છ હજારથી સાત હજાર ટ્રેકટર સિંઘુ બોર્ડર પર એકઠા થયા હતા. તેમણે પહેલાથી નક્કી કરેલા માર્ગો પર જવાને બદલે મધ્ય દિલ્હી તરફ જવાનો આગ્રહ રાખ્યો હતો. અવારનવાર વિનંતીઓ છતાં નિહંગાની આગેવાની હેઠળના ખેડુતોએ પોલીસ પર હુમલો કર્યો અને પોલીસ બ્લોકરો તોડી નાખ્યા. ગાજીપુર અને ટિક્રી બોર્ડરથી આવી જ ઘટનાના સમાચાર મળી રહ્યા છે.
તેમાં કહેવામાં આવ્યું છે કે આઇટીઓ પર ગાઝીપુર અને સિંઘુ બોર્ડરના ખેડૂતોના વિશાળ જૂથે લૂટિયન્સ ઝોન તરફ જવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસકર્મીઓએ તેમને અટકાવ્યા ત્યારે ખેડૂતોનો એક ભાગ હિંસક બન્યો હતો. તેઓએ બેરીકેડ તોડીને ત્યાં હાજર પોલીસકર્મીઓને કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ટોળાને હાંકી કાઢવામાં સફળતા મેળવી હતી.