ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 9 ઑગસ્ટ 2024 (18:09 IST)

ગુજરાત પોલીસે એક સપ્તાહમાં 836 કરોડનો ચરસ, ગાંજો અને ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો

drugs
ગુજરાત પોલીસે છેલ્લા એક અઠવાડીયામાં અલગ અલગ 9 સ્થળે દરોડા પાડીને 836.36 કરોડની કિંમતનો ચરસ, ગાંજો અને ટ્રામાડૉલ લિક્વીડ ટેબ્લેટ સહિતનો મુદ્દામાલ સીઝ કરી 14 આરોપીઓ સામે નાર્કોટીક્સના ગુના દાખલ કર્યા છે. 
 
ડ્રગ્સના આકાઓ સુધી પહોંચવા ડિટેઇલ ઇન્વેસ્ટીગેશન શરૂ
એક અઠવાડીયામાં ગુજરાત પોલીસની ટીમોએ પાડેલા દરોડામાં પકડાયેલા ડ્રગ્સમાં ચરસ, ગાંજો, લિક્વીડ મેફેડ્રોન અને ટ્રામાડૉલ લિક્વીડ ટેબ્લેટનો સમાવેશ થાય છે. જેમાં ATS દ્વારા બે અલગ અલગ દરોડામાં 831 કરોડથી વધુ કિંમતના ટ્રામાડૉલ લિક્વીડ ટેબ્લેટ તથા લિક્વીડ મેફેડ્રોનના 793.232 કિલોના જથ્થા સાથે સાત આરોપીઓને પકડી આ ડ્રગ્સના આકાઓ સુધી પહોંચવા ડિટેઇલ ઇન્વેસ્ટીગેશન શરૂ કર્યુ છે. તે ઉપરાંત અમદાવાદ શહેર, પશ્ચિમ કચ્છ, નવસારી, પશ્ચિમ રેલવે વડોદરા પોલીસ અને સી.આઇ.ડી ક્રાઇમ દ્વારા 2.38 લાખના ગાંજાના 25.632 કિલો મુદ્દામાલ સાથે 7 આરોપીઓને પકડી તેમની સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ પોરબંદર અને ગીર સોમનાથ ખાતેથી પોલીસ દ્વારા 5.32 કરોડથી વધુ કિંમતના 12.041 કિલો ચરસનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. 
 
પાડોશી દેશોના ભારતમાં ડ્રગ્સ ઘૂસાડવાના અનેક પ્રયાસો
ભારતના પાડોશી દેશો પણ ભારતમાં ડ્રગ્સ ઘુસાડવા અનેક પ્રયાસ કરી રહ્યા છે. કેફી દ્રવ્યના આ કારોબારને જડમૂળથી ઉખાડી ફેંકવા ગુજરાત પોલીસ એક્ટીવ છે. આ અભિયાનમાં જોડાયેલા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને ખબરીઓનો જુસ્સો વધારવા માટે નાર્કોટિક્સ રિવોર્ડ પોલિસી પણ ગુજરાતમાં અમલમાં મુકવામાં આવી છે. આ લડાઇમાં સંતો-મહંતો, નેતાઓ-અભિનેતાઓ, સામાજિક અગ્રણીઓ, ઇનફ્લ્યુએન્સર મિત્રો 'એક પરિવાર' બનીને ગુજરાતના યુવાનોને આ કેફી દ્રવ્યોની ચુંગાલથી દૂર રાખવા સહયોગ આપે તેવી અપીલ ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ કરી છે.